VIDEO: આકિબ નબીની ફરી અવગણના થવા પર ભડક્યો ઇરફાન પઠાન, કહ્યું- 'પસંદગી પ્રક્રિયા મારી સમજ બહાર'
ભારતીય ક્રિકેટ ટીમ આગામી મહિને શ્રીલંકાના પ્રવાસે જવાની છે, જ્યાં 2 ટેસ્ટ મેચોની સિરીઝ રમાશે. આ પ્રવાસ માટે તાજેતરમાં જ 15 સભ્યોની ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં મધ્યપ્રદેશના ઓલરાઉન્ડર સારાંશ જૈનને પ્રથમ વખત તક આપવામાં આવી છે, પરંતુ રણજી ટ્રોફીમાં ધમાકેદાર પ્રદર્શન કરનાર જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબીની ઉપેક્ષા કરવામાં આવી છે. રણજી ટ્રોફીની છેલ્લી સિઝનમાં 10 મેચોમાં 60 વિકેટ ઝડપીને તરખાટ મચાવનાર આકિબ નબીને ફરી એકવાર નજરઅંદાજ કરાતા પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાન ભારે નારાજ થયો છે અને તેણે પસંદગીકારોની નીતિ સામે આકરા સવાલો ઉઠાવ્યા છે.
પસંદગી પ્રક્રિયા મારી સમજ બહાર: ઇરફાન પઠાન
એક વાતચીતમાં ઇરફાન પઠાન પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, "પ્રામાણિકપણે કહું તો મારી પાસે એવો કોઈ તાર્કિક જવાબ નથી કે આકિબ નબીને ટીમમાં કેમ ન પસંદ કરાયો. હું પસંદગીકારોની આ આખી પ્રક્રિયા સમજી શક્યો નથી."
ઇરફાને વધુમાં ઉમેર્યું કે, અગાઉ અફઘાનિસ્તાન સામે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચ આકિબ નબીને આંતરરાષ્ટ્રીય સ્તરે અજમાવવાની શ્રેષ્ઠ તક હતી, કારણ કે તે મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ પણ નહોતી.
તેણે સિલેક્ટર્સને સવાલ કરતા કહ્યું કે, "જ્યારે જસપ્રિત બુમરાહ ટીમમાં ન હોય, ત્યારે મોહમ્મદ સિરાજ તમારો નંબર-1 ફાસ્ટ બોલર બની જાય છે. તો પછી અફઘાનિસ્તાન જેવી ટીમ સામેની ટેસ્ટમાં સિરાજને રમાડવાની શું જરૂર હતી? જો ઘરેલું ક્રિકેટના પ્રદર્શનની કોઈ કિંમત હોય, તો આકિબ નબીને ત્યાં જ કેમ મોકો ન આપવામાં આવ્યો?"
રણજી ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીરને બનાવ્યું ચેમ્પિયન
આકિબ નબીએ છેલ્લી ઘરેલું સિઝનમાં અસાધારણ પ્રદર્શન કરીને જમ્મુ-કાશ્મીરને ઐતિહાસિક રણજી ટ્રોફી ખિતાબ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફાઈનલ મેચમાં તેણે કેએલ રાહુલ જેવા અનુભવી અને સિનિયર ભારતીય બેટ્સમેનને પણ પોતાની ધારદાર બોલિંગથી ભારે મુશ્કેલીમાં મુક્યો હતો. આ શાનદાર પ્રદર્શનના જોરે જ તેને ઈન્ડિયા-A ટીમમાં સ્થાન મળ્યું હતું. તાજેતરમાં જ શ્રીલંકાના પ્રવાસે ગયેલી ઈન્ડિયા-અ ટીમ તરફથી રમતા બે 4-દિવસીય મેચોમાં તેણે 6 વિકેટ ઝડપીને સાબિત કર્યું હતું કે તે ક્રિકેટના લાંબા ફોર્મેટ માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. આમ છતાં, સિનિયર ટીમમાં સ્થાન ન મળતા અનેક સવાલો ઊભા થયા છે.
ફાસ્ટ બોલર્સના કિંમતી વર્ષો બગાડશો નહીં: ઇરફાને આપી ચેતવણી
ઇરફાન પઠાનનું માનવું છે કે કોઈ પણ ફાસ્ટ બોલરનું મૂલ્યાંકન માત્ર તેની સ્પીડના આધારે ન થવું જોઈએ. તેણે કહ્યું, "લોકો માત્ર સ્પીડની વાતો કરે છે, પરંતુ એ જોવું જોઈએ કે બોલર બેટ્સમેનને કેટલી વાર બીટ કરે છે. શું તે ડોમેસ્ટિક ક્રિકેટના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોને પરેશાન કરી શકે છે? આકિબે આ સતત કરીને બતાવ્યું છે."
સિલેક્ટર્સને ચેતવણી આપતા ઇરફાને જણાવ્યું કે, ફાસ્ટ બોલર્સના કરિયરનો સુવર્ણકાળ ખૂબ જ મર્યાદિત હોય છે. સામાન્ય રીતે ફાસ્ટ બોલર્સ 27થી 32 વર્ષની ઉંમર વચ્ચે પોતાના કરિયરના સર્વોચ્ચ શિખર પર હોય છે. જો આ યોગ્ય સમયે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે તક આપવામાં ન આવે, તો ભારતીય ક્રિકેટ એક સારા ખેલાડીના શ્રેષ્ઠ વર્ષો ગુમાવી દેશે.
પસંદગીના બેવડા માપદંડ સામે વાંધો
સારાંશ જૈનની પસંદગીને આવકારતા ઇરફાને કહ્યું કે, 33 વર્ષના સારાંશને પાંચ વર્ષના સતત પ્રદર્શન બાદ ટીમમાં સ્થાન મળ્યું તે પ્રશંસનીય છે, જેનાથી ઘરેલું ખેલાડીઓમાં સારો સંદેશ જાય છે. પરંતુ આ જ નિયમ આકિબ નબી પર કેમ લાગુ ન કરાયો? ક્રિકેટમાં ફાસ્ટ બોલર્સ વારંવાર ઈજાગ્રસ્ત થતા હોવાથી ટીમ પાસે એક મજબૂત બેકઅપ હોવો અનિવાર્ય છે, અને આકિબ તેના માટે શ્રેષ્ઠ વિકલ્પ હતો. પસંદગીકારોના આ નિર્ણયથી હવે ભારતીય ક્રિકેટની સિલેક્શન પોલિસી પર ફરી એકવાર મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા થયા છે.

