Year Ender 2025 / ઐતિહાસિક જીતથી લઈને વિવાદો અને નવા નેતૃત્વ સુધી, ભારતીય ક્રિકેટ માટે યાદગાર રહ્યું આ વર્ષ

2025 ભારતીય ક્રિકેટ માટે એક એવું વર્ષ હતું, જેમાં ભવ્ય જીત અને કડવી હાર બંનેનો સમાવેશ થાય છે. આ વર્ષે નવી આશાઓ અને મોટા વિવાદો પણ હતા. ભારતે વર્ષની શરૂઆત શાનદાર રીતે કરી અને 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, પરંતુ વર્ષના અંતમાં ઐતિહાસિક હારે નવા વિવાદોને જન્મ આપ્યો. જ્યારે સાઉથ આફ્રિકાએ ટેસ્ટ સિરીઝમાં ભારતને 2-0થી હરાવ્યું, આ તેની હોમ ટેસ્ટ સિરીઝમાં વધુ એક ક્લીન સ્વીપ હતી, જે છેલ્લા 13 મહિનામાં બીજી વખત બન્યું હતું.
મેદાન પર અને બહાર બંને જગ્યાએ ઘટનાઓના ઉતાર-ચઢાવએ સાબિત કર્યું કે ભારતીય ક્રિકેટ માત્ર એક રમત નથી, પરંતુ લાગણીઓ, વ્યક્તિત્વ અને રાજકારણનું મિશ્રણ છે જેને લાખો લોકો તેમના જીવનનો એક ભાગ માને છે. હવે જ્યારે વર્ષ સમાપ્ત થઈ રહ્યું છે, ત્યારે ચાલો જોઈએ કે આ વર્ષે ભારતીય ક્રિકેટમાં શું બન્યું.
ચેમ્પિયન્સ ટ્રોફીથી શરૂઆત
આ વર્ષે ભારતની સૌથી મોટી સિદ્ધિ દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાની હતી, જેણે ફરી એકવાર વ્હાઈટ બોલ ક્રિકેટમાં ટીમની તાકાત અને સુસંગતતા સાબિત કરી. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓની સાથે, યુવા ખેલાડીઓએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડના 252 રનના ટાર્ગેટને ચાર વિકેટ અને છ બોલ બાકી રહેતા ચેઝ કર્યો હતો. રોહિત શર્માની 76 રનની ઈનિંગ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ, જેના કારણે તેને 'પ્લેયર ઓફ ધ મેચ' નો એવોર્ડ મળ્યો. આ જીતે માત્ર ટીકાકારોને શાંત ન કર્યા પરંતુ ICC ઈવેન્ટ્સમાં ભારતના વર્ચસ્વને પણ મજબૂત બનાવ્યું. આ સાથે ભારતે 12 વર્ષના આ ટાઈટલના દુષ્કાળનો અંત આવ્યો. અગાઉ, ભારતે 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
આ ઉપરાંત રોહિત ભારતને બે ICC ટ્રોફી જીતનાર બીજો કેપ્ટન બન્યો. ભારતે તેની કેપ્ટનશિપ હેઠળ 2024માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તેના પહેલા ભારતે ધોનીની કેપ્ટનશિપ હેઠળ એક કરતા વધુ ICC ટ્રોફી જીતી હતી.
એશિયા કપ - જીત સાથે વિવાદ
એશિયા કપ 2025 ભારત માટે એક શાનદાર ઈવેન્ટ હતી, પરંતુ વિવાદોએ તેને યાદગાર અને વિવાદાસ્પદ બનાવી. આવો એશિયા કપ પહેલા ક્યારેય નહતો જોવા મળ્યો. તે વિવાદથી શરૂ થયો અને વિવાદ સાથે સમાપ્ત થયો. ભારતે સમગ્ર ટુર્નામેન્ટમાં ફાઈનલ સહિત ત્રણ વખત પાકિસ્તાનને હરાવ્યું. ટીમે દરેક વિભાગમાં સતત સારું પ્રદર્શન કર્યું, પરંતુ ફાઈનલ પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન એક મોટો વિવાદ ઉભો થયો. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પાકિસ્તાનના ગૃહમંત્રી તેમજ PCB અને ACCના અધ્યક્ષ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યો. ત્યારબાદ તેઓ ટ્રોફી લઈને ભાગી ગયા. ભારતને હજુ સુધી ટ્રોફી નથી મળી. આ ઘટના સમગ્ર ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બની હતી. વધુમાં BCCI અને PCB વચ્ચે શેડ્યૂલ અંગે મતભેદોને કારણે ટૂર્નામેન્ટ ચર્ચામાં રહી હતી.
ભારતે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ નહતા મિલાવ્યા. બંને ટીમો વચ્ચેની પહેલી મેચ 14 સપ્ટેમ્બરના રોજ રમાઈ હતી, અને અહીંથી જ ટૂર્નામેન્ટ વિવાદાસ્પદ બની અને જેનો અંત પણ તેવો જ થયો. ભારતે આ નિર્ણય આ વર્ષની શરૂઆતમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂરને ધ્યાનમાં રાખીને લીધો હતો.
રોહિત અને વિરાટની નિવૃત્તિ
ગયા વર્ષે T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેએ આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે નવો હેડ કોચ ગૌતમ ગંભીર આનું કારણ હતો. ગંભીર અને કોહલી-રોહિત વચ્ચે તણાવની અફવાઓ પણ આખા વર્ષ દરમિયાન ચાલુ રહી. ગંભીરે હેડ કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી તેના અને સિનિયર ખેલાડીઓ વચ્ચે તણાવપૂર્ણ સંબંધોના અહેવાલો બહાર આવ્યા. મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટીમ મીટિંગમાં મતભેદો ઉભરી રહ્યા હતા અને નિર્ણયોની આસપાસનું વાતાવરણ તંગ હતું. આ મુદ્દો સોશિયલ મીડિયા પર પણ છવાયેલો રહ્યો છે, જ્યાં ફેન્સ બે જૂથોમાં વહેંચાયેલા હતા, એક તરફ ગંભીરના સમર્થકો અને બીજી તરફ કોહલી અને રોહિતના ફેન્સ. આ વિવાદ ટીમના વાતાવરણ વિશે પ્રશ્નો ઉભા કરતો રહ્યો અને 2025ની સૌથી વધુ ચર્ચાસ્પદ વાર્તાઓમાંથી એક બની ગયો.
એવી પણ ચર્ચા હતી કે ગંભીર નથી ઈચ્છતો કે આ બંને ખેલાડીઓ 2027ના ODI વર્લ્ડ કપમાં રમે અને તેથી જ ટેસ્ટ પછી શુભમન ગિલને ODIની પણ કેપ્ટનશિપ સોંપવામાં આવી. જોકે, રોહિત અને કોહલીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ODI સિરીઝમાં અને સાઉથ આફ્રિકા સામેની હોમ સિરીઝમાં રન બનાવીને ODI વર્લ્ડ કપ માટે પોતાની તૈયારી દર્શાવી છે.
યુવા ખેલાડીઓએ જવાબદારી સંભાળી
આ વર્ષે ટીમ ઈન્ડિયા માટે એક નવા યુગની શરૂઆત થઈ. શુભમન ગિલને ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, જેને નેતૃત્વની નવી પેઢીના પ્રતીક તરીકે પ્રશંસા કરવામાં આવી હતી. તેના શાંત અને સંયમિત નેતૃત્વની પણ પ્રશંસા કરવામાં આવી હતી. ટીમે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ગિલના નેતૃત્વમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ગિલે પોતે 700થી વધુ રન બનાવીને ઘણા નવા રેકોર્ડ બનાવ્યા હતા. આ પરિવર્તન ટીમના ભવિષ્ય માટે એક વળાંક સાબિત થયું, પરંતુ તેનાથી તેના પર જવાબદારીઓ અને અપેક્ષાઓ પણ વધી ગઈ. તે પછીથી ODI કેપ્ટન પણ બન્યો.
સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાં હાર
જ્યારે ભારતે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું, ત્યારે તેને ટેસ્ટ ક્રિકેટમાં કઠિન પડકારોનો સામનો કરવો પડ્યો હતો. સાઉથ આફ્રિકા સામે હોમ ટેસ્ટ સિરીઝ ગુમાવવી આ વર્ષની સૌથી કડવી નિરાશાઓમાંથી એક હતી. કોલકાતા ટેસ્ટમાં, 124 રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે ભારત 98 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ગુવાહાટીમાં હાર વધુ ખરાબ હતી, જ્યાં ભારત 408 રનથી હારી ગયું હતું, જે ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં સૌથી મોટી હાર હતી. આ હારે બેટિંગની નબળાઈઓ, ખામીયુક્ત વ્યૂહરચના અને નવી ટીમની અનુભવહીનતાને ઉજાગર કરી. આ 13 મહિનામાં ભારતની ઘરઆંગણે બીજી ટેસ્ટ સિરીઝ હાર હતી અને આ પછી ગૌતમ ગંભીર ફરી એકવાર તપાસના ઘેરામાં આવ્યો હતો.
ODI અને T20I સિરીઝમાં લીધો બદલો
ભારતે ODI સિરીઝ અને તે પછી T20I સિરીઝમાં પોતાની ટેસ્ટ સિરીઝની હારનો બદલો લીધો, ટીમે ODI સિરીઝ 2-1થી અને T20I સિરીઝ .3-1થી પોતાના નામે કરી હતી. આ બંને સિરીઝમાં ભરતીય ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું હતું.
2025 ભારતીય ક્રિકેટ માટે એક એવું વર્ષ સાબિત થયું, જેમાં શાનદાર જીત અને પીડાદાયક હારનો સમાવેશ થાય છે. જેમાં નેતૃત્વમાં પરિવર્તન અને મોટા વિવાદો થયા. આ વર્ષ આપણને યાદ અપાવે છે કે ભારતીય ક્રિકેટ માત્ર એક રમત નથી પરંતુ એક જુસ્સો છે જેનો દરેક ઉતાર-ચઢાવ કરોડો લોકો તેમના હૃદયના ધબકારાની જેમ અનુભવે છે.

