શું વિરાટ કોહલીએ નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું? ખેલાડીના એક નિર્ણયથી વધી ફેન્સની ચિંતા

વિરાટ કોહલીને ફરીથી રમતો જોવાની રાહ થોડા દિવસોમાં જ પૂરી થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 ઓક્ટોબરથી ODI સિરીઝ શરૂ થવાની છે. વિરાટ કોહલી આ સિરીઝની ત્રણ મેચોમાં રમવા ઉતરશે. પરંતુ શું આ કોહલીની છેલ્લી સિરીઝ હશે? આ પ્રશ્ન હજુ પણ છે, અને ફેન્સને આશા છે કે તે આ સિરીઝ પછી પણ રમશે. જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં, તો ઓછામાં ઓછું IPLમાં તેનો જલવો જોવા મળશે. પરંતુ હવે કોહલીના ફેન્સ ફરીથી ચિંતિત છે કારણ કે વિરાટે તેની IPL ટીમ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સાથે સંબંધિત એક પગલું ભર્યું છે, જેના કારણે IPLમાંથી તેની વિદાયની અટકળોને વેગ મળ્યો છે.
કોહલીએ પોતાનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાનો ઈનકાર કર્યો
IPL 2025 સિઝન સાથે પોતાની ટાઈટલ રાહનો અંત લાવનાર વિરાટ કોહલીએ નવી સિઝન પહેલા એક મોટું પગલું ભર્યું છે. એક અહેવાલ મુજબ, વિરાટ કોહલીએ નવી IPL સિઝન શરૂ થાય તે પહેલાં એક મોટી કંપની સાથેનો કોન્ટ્રકટ રિન્યુ કરવાનો ઈનકાર કર્યો છે. આ કોન્ટ્રકટ IPL 2026 પહેલા રિન્યુ થવાનો હતો, પરંતુ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને તેમ ન કર્યું. એક યુટ્યુબરના વીડિયોમાં આ દાવો કર્યો છે. જોકે, વીડિયો સ્પષ્ટ કરે છે કે કોહલીનો કોન્ટ્રકટ IPL સાથે સંબંધિત નથી, પરંતુ ફ્રેન્ચાઇઝ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સાથે કનેક્શન ધરાવે છે, જેના કારણે વિરાટને નિર્ણયથી લોકોને આશ્ચર્ય થયું છે.
IPL નિવૃત્તિની અટકળો પણ તીવ્ર બને છે
રિપોર્ટમાં જણાવાયું છે કે કોહલીના આ કોન્ટ્રકટમાંથી ખસી ગયા પછી, અટકળો લગાવવામાં આવી રહી છે કે આ તેની IPL કારકિર્દીના અંતની શરૂઆત હોઈ શકે છે. તેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કોહલી ધીમે ધીમે IPLમાંથી ખસી જશે અને જે દિવસે તે ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે, તે તેની IPL કારકિર્દીનો પણ અંત લાવશે. કોહલીએ ઘણી વખત કહ્યું છે કે તે ક્યારેય RCB છોડીને બીજી ફ્રેન્ચાઈઝીમાં નહીં જોડાય તે કાં તો ફ્રેન્ચાઈઝી સાથે રમવાનું ચાલુ રાખશે અથવા IPL છોડી દેશે. આ તાજેતરના અહેવાલે કોહલી અને RCB ફેન્સની ચિંતા વધારી દીધી છે. કોહલી 2008માં પ્રથમ IPL સિઝનથી RCBનો ભાગ છે.
શું આગામી સિઝન સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે?
આગામી IPL સિઝન માર્ચ 2026માં શરૂ થવાની ધારણા છે, આ સિઝન માટે ખેલાડીઓને રિટેન કરવા અને રિલીઝ કરવાની ડેડલાઈન 15 નવેમ્બર છે. મીની ઓક્શન ડિસેમ્બરના બીજા કે ત્રીજા અઠવાડિયા દરમિયાન યોજાઈ શકે છે. આગામી IPL સિઝન શરૂ થાય ત્યાં સુધી, ફેન્સ વિરાટ કોહલીની દરેક ગતિવિધિ પર નજીકથી નજર રાખશે. જોકે, હાલ પૂરતું, તે આગામી થોડા દિવસો માટે ટીમ ઈન્ડિયાની બ્લુ જર્સીમાં પોતાનો જલવો બતાવીને ફેન્સને થોડી રાહત આપી શકે છે.

