IPL 2026 દરમિયાન પંજાબ કિંગ્સના ભૂતપૂર્વ ખેલાડીનું થયું નિધન, વિરાટ કોહલીની ટીમનો પણ રહ્યો હતો ભાગ

ભારતીય રમતગમત ચાહકો માટે એક હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. IPLમાં બે સિઝન માટે પંજાબ કિંગ્સ માટે રમનાર અમનપ્રીત સિંહ ગિલનું માત્ર 36 વર્ષની ઉંમરે અવસાન થયું છે. અમનપ્રીત સિંહ વિરાટ કોહલી સાથે પણ રમ્યો હતો. પંજાબ ક્રિકેટ એસોસિએશને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સને તેના નિધનની જાણ કરી હતી. આ સમાચારથી ક્રિકેટ ફેન્સ દુઃખી થયા છે. પંજાબ ક્રિકેટે આ ખેલાડીને મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપી હતી.
અમનપ્રીત સિંહ ગિલ વિરાટ કોહલી સાથે પણ રમ્યો હતો
પંજાબ માટે ઘરેલુ ક્રિકેટ રમનાર અમનપ્રીત સિંહ ગિલે ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમમાં પણ સ્થાન મેળવ્યું હતું. તે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની અંડર-19 ત્રિકોણીય સિરીઝમાં કોહલી સાથે રમ્યો હતો, જ્યાં તેણે અંતિમ મેચમાં 19 રન આપીને 3 વિકેટ લીધી હતી. ત્યારબાદ તે 2009-10 IPL દરમિયાન પંજાબ કિંગ્સ (કિંગ્સ XI પંજાબ) માટે રમ્યો હતો. ત્યારબાદ, તેણે પંજાબ માટે ઘરેલુ ક્રિકેટ રમી, જ્યાં તેણે છ ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 11 વિકેટ લીધી. જોકે, નબળા પ્રદર્શનને કારણે તેની કારકિર્દી વહેલી સમાપ્ત થઈ ગઈ. બાદમાં, તેને પંજાબ ટીમ માટે પસંદગીકાર તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યો, જ્યાં તેણે ઘણા યુવા ખેલાડીઓને તકો આપી.
પંજાબ ક્રિકેટે શોક વ્યક્ત કર્યો
તેના ભૂતપૂર્વ ખેલાડીના નિધન પર શોક વ્યક્ત કરતા, પંજાબ ક્રિકેટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું, "પંજાબ ક્રિકેટ એસોસિએશન તેના ભૂતપૂર્વ ક્રિકેટર અને સિનિયર પસંદગી સમિતિના સભ્ય, અમનપ્રીત સિંહના નિધન પર ખૂબ શોક વ્યક્ત કરે છે. તેમણે અંડર-19, કિંગ્સ ઈલેવન પંજાબ અને પંજાબ જેવી ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું અને ક્રિકેટના મેદાન પર ખૂબ જ સમર્પણ સાથે પંજાબની સેવા કરી. તેમના પરિવાર સાથે અમારી ઊંડી સંવેદના છે, અને વાહેગુરુ તેમના આત્માને શાંતિ આપે." તેના નિધનને કારણે, પંજાબ કિંગ્સ ટીમે કાળી હાથપટ્ટી પહેરીને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેદાનમાં ઉતર્યા હતા.

