ડ્વેન બ્રાવોનો જર્સી નંબર 47 રિટાયર કરવામાં આવ્યો, CPL ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોને T20 ક્રિકેટ ઈતિહાસના મહાન ખેલાડીઓમાંના એક માનવામાં આવે છે. બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને વિશ્વભરની વિવિધ T20 લીગ બંનેમાં પોતાના શાનદાર પ્રદર્શનથી ફેન્સના દિલ જીતી લીધા છે. કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) ટીમ ટ્રિન્બાગો નાઈટ રાઈડર્સે બ્રાવોની પ્રખ્યાત જર્સી નંબર 47 રિટાયર કરી છે. નાઈટ રાઈડર્સે CPLમાં તેના ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપીને તેને આ સન્માન આપ્યું છે. આ સાથે, બ્રાવો CPL ઈતિહાસમાં જર્સી નંબર રિટાયર થનાર પ્રથમ ખેલાડી બન્યો છે.
ડ્વેન બ્રાવોનો જર્સી નંબર 47 રિટાયર કરવામાં આવ્યો
કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) ફ્રેન્ચાઈઝી ટ્રિન્બાગો નાઈટ રાઈડર્સે 30 ઓગસ્ટ, રવિવારના રોજ ડ્વેન બ્રાવોની જર્સી નંબર 47 રિટાયર કરી હતી. CPL ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ ખેલાડીની જર્સી રિટાયર કરવામાં આવી હોય. નાઈટ રાઈડર્સ ગ્રુપના સીઈઓ વેન્કી મૈસૂરએ જણાવ્યું હતું કે, "નાઈટ રાઈડર્સ અને CPLમાં ડ્વેન બ્રાવોનું યોગદાન અમૂલ્ય છે, શબ્દો કે આંકડાઓથી પરે છે. તેની જર્સી નંબર 47ને રિટાયર કરીને, ટીમ ખાતરી કરવા માંગે છે કે તેની યાદ અને ઓળખ હંમેશા ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલી રહે. તે CPL ઈતિહાસમાં આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર સૌથી યોગ્ય ખેલાડી છે."
બ્રાવોની શાનદાર CPL કારકિર્દી
42 વર્ષીય બ્રાવો CPL ઈતિહાસમાં સૌથી સફળ ખેલાડી છે, જેણે ખેલાડી તરીકે પાંચ CPL ટાઈટલ અને TKRના હેડ કોચ તરીકે છઠ્ઠી ચેમ્પિયનશિપ જીતી છે. બ્રાવોએ તેની શાનદાર CPL કારકિર્દી દરમિયાન 107 મેચમાં 129 વિકેટ લીધી હતી, જેના કારણે તે ટુર્નામેન્ટના સૌથી વધુ વિકેટ લેનારા બોલર બન્યો હતો. તેણે બેટથી પણ શાનદાર પ્રદર્શન કર્યું, 107 મેચોમાં 21ની એવરેજ અને 129ના સ્ટ્રાઇક રેટથી 1155 રન બનાવ્યા છે.
ડ્વેન બ્રાવોની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
ડ્વેન બ્રાવોએ 2024માં ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લીધી. જોકે, નિવૃત્તિ પછી બ્રાવો ક્રિકેટથી દૂર ન રહ્યો અને ટ્રિનબાગો નાઈટ રાઇડર્સ ફ્રેન્ચાઈઝી સાથે સંકળાયેલો રહ્યો, તે તેનો હેડ કોચ બન્યો. બ્રાવોએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 40 ટેસ્ટ, 164 વનડે અને 91 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી, જેમાં અનુક્રમે 86, 199 અને 78 વિકેટ લીધી. T20 ક્રિકેટમાં, તેણે 582 મેચ રમી છે અને 631 વિકેટ લીધી છે.

