વૈભવ સૂર્યવંશીને ચાલુ મેચમાં મળી કેપ્ટનશિપ, ઈસ્ટ ઝોનનો કેપ્ટન ઈજાગ્રસ્ત થઈ મેદાન બહાર થયો

દુલીપ ટ્રોફી 2026ની પહેલી સેમીફાઈનલ મેચ ઈસ્ટઝોન અને સેન્ટ્રલ ઝોન વચ્ચે રમાઈ રહી છે. ઈસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચના પહેલા દિવસના પહેલા સેશન દરમિયાન, ઈશાન કિશનને ઈજા થઈ હતી અને તેને મેદાન છોડીને જવું પડ્યું હતું. વૈભવ સૂર્યવંશીએ તેની ગેરહાજરીમાં કેપ્ટનશિપની જવાબદારી સંભાળી હતી. પંદર વર્ષીય વૈભવને દુલીપ ટ્રોફી 2026 માટે ઈસ્ટ ઝોનના વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. વ
વિકેટકીપિંગ કરતી વખતે ઇશાન કિશન ઘાયલ થયો હતો
ઈશાન કિશનને 19મી ઓવરમાં ઈજા થઈ હતી. તે વિકેટકીપિંગ કરી રહ્યો હતો ત્યારે તેના જમણા કાંડા પર બોલ વાગ્યો હતો. દુખાવાને કારણે, ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી તબીબી મદદ લીધા બાદ તેને સારવાર માટે મેદાન છોડવું પડ્યું હતું, ત્યારબાદ કુમાર કુશાગ્રેએ વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી. 19મી ઓવરમાં ઈશાન બહાર થયા પછી, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ઈસ્ટ ઝોન માટે કમાન સંભાળી અને મેચનું નેતૃત્વ કર્યું. ઈશાન ક્યારે ઈજામાંથી સ્વસ્થ થઈને મેદાનમાં પાછો ફરશે તે જોવાનું બાકી છે.
વૈભવ પહેલીવાર સિનિયર ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે
આ પહેલીવાર છે જ્યારે વૈભવ સૂર્યવંશી સિનિયર પુરુષ ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. 15 વર્ષીય ખેલાડી ફક્ત તેની બીજી દુલીપ ટ્રોફી મેચ રમી રહ્યો છે અને તેની 10મી ફર્સ્ટ-ક્લાસ મેચ રમી રહ્યો છે. અગાઉ, તેણે 2024ની શરૂઆતમાં રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં મેચ રમનાર સૌથી નાની ઉંમરના ખેલાડીનો રેકોર્ડ બનાવ્યો હતો. નોર્થ ઈસ્ટ ઝોન સામેની ક્વાર્ટર ફાઇનલ મેચમાં, વૈભવનું બેટ નહતું ચાલ્યું અને તે 8 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, તેણે પોતાની બોલિંગથી બે વિકેટ લીધી હતી.
સેમીફાઈનલ માટે ઈસ્ટ ઝોનની ટીમમાં ફેરફાર
સેમીફાઈનલ મેચ માટે ઈસ્ટ ઝોને તેની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. ગયા મેચનો હીરો શાહબાઝ અહેમદ આ મેચ માટે સંપૂર્ણપણે ફિટ નહતો, જેના કારણે તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને તેના સ્થાને કુનૈન કુરેશીને તક આપવામાં આવી હતી. સેન્ટ્રલ ઝોને પહેલા દિવસે લંચ સુધીમાં 3 વિકેટ ગુમાવીને 81 રન બનાવ્યા હતા.

