IND vs AUS / પહેલી મેચ જીત્યા બાદ પણ ઓસ્ટ્રેલિયાની ટીમમાં થયો ફેરફાર, આ 2 ખેલાડી થયા બહાર

ટીમ ઈન્ડિયા સામે પર્થ ODI જીતીને, ઓસ્ટ્રેલિયાએ સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. સિરીઝની બીજી મેચ 23 ઓક્ટોબરે સવારે 9:00 વાગ્યે એડિલેડ ઓવલ ખાતે રમાશે. મિચેલ માર્શની ટીમ આ મેચ જીતીને સિરીઝ પર કબજો કરવાનો પ્રયાસ કરશે. ટીમે આ માટે જોરદાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. એડિલેડ ODI પહેલા ઓસ્ટ્રેલિયન ટીમમાં બે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ટીમમાં બે મેચ વિજેતા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયન ટીમમાં મોટા ફેરફારો
એડિલેડ ODI પહેલા સ્ટાર સ્પિનર એડમ ઝામ્પા ઓસ્ટ્રેલિયન ટીમમાં પરત ફર્યો છે. તે પોતાના બીજા બાળકના જન્મને કારણે પહેલી મેચમાં નહતો રમી શક્યો. ઝામ્પાની ટીમમાં વાપસીના પરિણામે ઓસ્ટ્રેલિયાએ મેથ્યુ કુહનેમનને રિલીઝ કર્યો છે, જેણે પહેલી મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. અન્ય ફેરફારોની વાત કરીએ તો, વિકેટકીપર-બેટ્સમેન એલેક્સ કેરી ટીમમાં પરત ફર્યો છે.
શેફિલ્ડ શીલ્ડ મેચ રમવાને કારણે કેરી પહેલી ODI નહતો રમી શક્યો. હવે તેની પ્લેઈંગ ઈલેવનમાં એન્ટ્રી થઈ શકે છે. જ્યારે જોશ ઈંગ્લિસ હજુ સુધી ઈજાને કારણે ટીમમાં પાછો નથી ફર્યો. પરિણામે, છેલ્લી મેચના હીરો, જોશ ફિલિપ હજુ પણ ટીમમાં સામેલ છે. ત્રીજી ODI પહેલા ઈંગ્લિસ વાપસી કરી શકે છે. વધુમાં, ફાસ્ટ બોલર બેન ડ્વારસુઇસ પણ ઈજાને કારણે આ મેચમાંથી બહાર થઈ ગયો છે.
બીજી ODI માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, જોશ ફિલિપ (વિકેટકીપર), મેટ રેનશો, કૂપર કોનોલી, મિચેલ ઓવેન, મિચેલ સ્ટાર્ક, નાથન એલિસ, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ, માર્નસ લાબુશેન, ઝેવિયર બાર્ટલેટ, એલેક્સ કેરી (વિકેટકીપર).

