VIDEO: વ્યર્થ ગઈ કેએલ રાહુલની ઈનિંગ, જીતની હેટ્રિક ચૂકી દિલ્હીની ટીમ; રોમાંચક મેચમાં ગુજરાતે મેળવ્યો વિજય
કેએલ રાહુલની 52 બોલમાં 92 રનની ઈનિંગ છતાં, દિલ્હી કેપિટલ્સ IPL 2026માં જીતની હેટ્રિક મેળવવામાં નિષ્ફળ ગયું. ગુજરાત ટાઈટન્સે 19મી સિઝનમાં પોતાનું ખાતું ખોલ્યું. ઘરઆંગણે જીતના ઈરાદા સાથે ઉતરેલી દિલ્હી કેપિટલ્સ પર શરૂઆતથી જ ગુજરાત ટાઈટન્સના બેટ્સમેનોનું દબાણ હતું.
બુધવારે અરુણ જેટલી સ્ટેડિયમમાં ટોસ જીતીને દિલ્હીનો પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય ઊંધો પડ્યો, કારણ કે ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ (70), વોશિંગ્ટન સુંદર (55) અને જોસ બટલર (52) એ આક્રમક રીતે દિલ્હીના બોલર્સનો સામનો કરીને 210 રન બનાવ્યા. જવાબમાં, દિલ્હી કેપિટલ્સ છેલ્લા બોલ સુધી ચાલેલી મેચમાં 8 વિકેટે 209 રન જ બનાવી શક્યું અને ગુજરાતે 1 રનથી મેચ જીતી લીધી.
સુદર્શને 12 રન બનાવ્યા
ઈનિંગની શરૂઆતથી જ, ગિલ અને સુદર્શનની જોડીએ ધીરજ અને આક્રમકતાનું સંતુલન દર્શાવ્યું. પહેલી ઓવરમાં, તેઓએ મુકેશ કુમારના બોલ પર 11 રન બનાવ્યા, જે સંકેત હતો કે તેઓ મોટા સ્કોરના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે. જોકે, ત્રીજી ઓવરમાં મુકેશે સુદર્શનને બોલ્ડ કર્યો, જેનાથી દિલ્હીને પહેલી સફળતા મળી. સુદર્શને માત્ર 7 બોલમાં 12 રન બનાવ્યા, પરંતુ આ વિકેટ સાથે ગુજરાતને જોસ બટલરના રૂપમાં વધુ ખતરનાક બેટ્સમેન મળ્યો.
બટલરની શાનદાર બેટિંગ
ક્રિઝ પર આવતાની સાથે જ બટલરે આક્રમક વલણ અપનાવ્યું અને દિલ્હીના બોલર્સને હંફાવ્યા. તેણે અક્ષર પટેલની ઓવરમાં એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકારીને રન રેટ ઝડપી બનાવી, જ્યારે મુકેશ કુમારની ઓવરમાં 23 રન ફટકારીને મેચ સંપૂર્ણપણે ગુજરાતના પક્ષમાં કરી દીધી. આ સમયગાળા દરમિયાન બટલરે T20 ક્રિકેટમાં તેનો 600મો છગ્ગો પણ ફટકાર્યો, જે તેની વિસ્ફોટક બેટિંગનો પુરાવો છે.
ગિલે ધીરજ બતાવી
પાવરપ્લેના અંત સુધીમાં, ગુજરાતે 68 રન બનાવ્યા હતા, જેમાં બટલરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે માત્ર 22 બોલમાં 47 રન બનાવ્યા હતા, જ્યારે બીજા છેડે ગિલે ધીરજ જાળવી રાખી હતી. બંને વચ્ચે 50 રનની ઝડપી પાર્ટનરશિપે દિલ્હીની રણનીતિને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધી હતી.
બટલરે અડધી સદી ફટકારી
પાવરપ્લે પછી પણ બટલરે પોતાનું આક્રમણ ચાલુ રાખ્યું, 24 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. જોકે, કુલદીપ યાદવે આઠમી ઓવરમાં તેને બોલ્ડ કરીને દિલ્હીને રાહત અપાવી. બટલરે 27 બોલમાં 52 રનની વિસ્ફોટક ઈનિંગ રમી અને ગિલ સાથે 60 રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ કરી.
ગિલે 70 રનની ઈનિંગ રમી
ત્યારબાદ ગિલે શાનદાર બેટિંગ પ્રદર્શન સાથે ઈનિંગને સ્થિર કરી અને 70 રન બનાવ્યા, જ્યારે વોશિંગ્ટન સુંદરે 55 રનની ઉપયોગી ઈનિંગ રમીને ટીમને મજબૂત કુલ સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી. ગુજરાતે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 211 રનનો વિશાળ ટાર્ગેટ રાખ્યો. આ મેચમાં દિલ્હીની બોલિંગ નબળી કડી સાબિત થઈ. મુકેશ કુમારે 55 રન આપ્યા, જોકે તેણે બે વિકેટ લીધી હતી. કુલદીપ યાદવ અને લુંગી ન્ગીડીએ 1-1 વિકેટ લીધી, પરંતુ તેઓ રન રેટને નિયંત્રિત ન કરી શક્યા.
રાહુલ અને નિસાંકાએ મજબૂત શરૂઆત આપી
211 રનનો ટાર્ગેટ ચેઝ કરતા, દિલ્હી કેપિટલ્સની ઓપનિંગ જોડી કેએલ રાહુલ અને પથુમ નિસાંકા મજબૂત શરૂઆત કરી. તેમણે પ્રથમ વિકેટ માટે 49 બોલમાં 76 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી. પ્રસિદ્ધ કૃષ્ણાએ નિસાંકાને (41) આઉટ કરીને પાર્ટનરશિપ તોડી. ત્યારબાદ કેએલ રાહુલે 29 બોલમાં તેની અડધી સદી પૂર્ણ કરી.
2 વિકેટ પડી
રાહુલની અડધી સદી પછી, દિલ્હીની બેટિંગને જાણે નજર લાગી ગઈ. રાશિદ ખાને 10મી ઓવરના છેલ્લા બે બોલમાં દિલ્હીને બે ઝટકા આપ્યા. તેણે પાંચમા બોલ પર નીતિશ રાણા (5) ને સાઈ સુદર્શન દ્વારા કેચ આઉટ કરાવ્યો. આગામી બોલ પર રાશિદ ખાને સમીર રિઝવીને બોલ્ડ કર્યો. સમીર ગોલ્ડન ડક માટે પવેલિયન પાછો ફર્યો. ડેવિડ મિલર (12) રિટાયર્ડ હર્ટ થયો હતો, તેથી અક્ષર પટેલ તેના સ્થાને આવ્યો. જોકે, તે 2 રન બનાવીને કેચ આઉટ થયો હતો.
કેએલ રાહુલ સદી ચૂકી ગયો
ત્યારબાદ ટ્રિસ્ટન સ્ટબ્સે કેએલ રાહુલ સાથે ઈનિંગને સ્થિર કરી. જોકે, સ્ટબ્સ અને કેએલ રાહુલ બંને 17મી ઓવરમાં આઉટ થયા. મોહમ્મદ સિરાજની ઓવરના ચોથા બોલ પર ટ્રિસ્ટન સ્ટબ્સ રન આઉટ થયો. સિરાજે છેલ્લા બોલ પર કેએલ રાહુલને જોસ બટલરના હાથે કેચ આઉટ કરાવ્યો. રાહુલ પોતાની સદી ચૂકી ગયો અને 52 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને 92 રન બનાવ્યા.
દિલ્હીએ છેલ્લી ઓવરમાં 2 વિકેટ ગુમાવી. બીજા બોલ પર વિપ્રજ નિગમ કેચ આઉટ થયો અને છેલ્લા બોલ પર કુલદીપ યાદવ રન આઉટ થયો. ગુજરાત તરફથી રાશિદ ખાને 3 વિકેટ લીધી. પ્રસિદ્ધ કૃષ્ણાને 2 સફળતા મળી. ગુજરાત છેલ્લા બોલ પર 1 રનથી મેચ જીતી ગયું.

