T20Iના ઈતિહાસમાં સર્જાયો સૌથી મોટો અપસેટ, નામિબિયાએ સાઉથ આફ્રિકાને રોમાંચક મેચમાં હરાવ્યું

જ્યારે નેપાળે T20 સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું, ત્યારે બધા ક્રિકેટ ફેન્સે વિચાર્યું કે તેઓ તાજેતરના સમયમાં આનાથી મોટો અપસેટ નહીં જુએ. જોકે, એવું મ થયું અને થોડા દિવસો પછી જ T20I ક્રિકેટ ઈતિહાસમાં સૌથી મોટો અપસેટ સર્જાયો. આ વખતે નામિબિયાએ સાઉથ આફ્રિકાને હરાવ્યું. આ રોમાંચક મેચમાં, નામિબિયાએ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને મેચ જીતી લીધી.
સાઉથ આફ્રિકાની બેટિંગ ફ્લોપ રહી
સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ નામિબિયાએ તેને ખોટો સાબિત કર્યો. નિવૃત્તિમાંથી પાછો ફરેલો ક્વિન્ટન ડી કોક ફક્ત 1 રન બનાવીને આઉટ થયો. રીઝા હેન્ડ્રિક્સ ફક્ત 7 રન બનાવી શક્યો. લુઆન-ડ્રે પ્રિટોરિયસે 22 બોલમાં ધીમી બેટિંગ કરીને 22 રન બનાવ્યા. જે સ્મિથે પણ ધીમી બેટિંગ કરી, 30 બોલમાં ફક્ત 31 રન બનાવી શક્યો. કેપ્ટન ડોનોવન ફેરેરા ફક્ત 4 રન બનાવી શક્યો. પરિણામે, સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને ફક્ત 134 રન બનાવ્યા. નામિબિયા તરફથી રુબેન ટ્રમ્પેલમેને 3 વિકેટ લીધી, જ્યારે મેક્સ હેઈંગો પણ 2 બેટ્સમેનને પવેલિયન મોકલ્યા.
નામિબિયાએ ઈતિહાસ રચ્યો
ટાર્ગેટ ચેઝ કરતા, નામિબિયા તરફથી વિકેટકીપર-બેટ્સમેન ઝેન ગ્રીન અણનમ રહ્યો, તેણે 23 બોલમાં 30 રન બનાવ્યા. તેને ટેકો આપતા રુબેન ટ્રમ્પેલમેને પણ અણનમ 11 રન બનાવ્યા. માલન ક્રુગરે પણ 18 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન ગેરહાર્ડ ઇરાસ્મસે પણ મહત્ત્વપૂર્ણ 21 રન બનાવ્યા. સાઉથ આફ્રિકા તરફથી નાન્ડ્રે બર્ગર અને એન્ડીલ સિમેલાને 2-2 વિકેટ લીધી. આમ છતાં, તેઓ તેની ટીમને શરમજનક હારથી બચાવી ન શક્યા. આ બીજી વખત છે જ્યારે સાઉથ આફ્રિકા કોઈ એસોસિએટ રાષ્ટ્ર સામે હાર્યું છે. અગાઉ, નેધરલેન્ડ્સની ટીમે 2022માં સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. ICC T20I રેન્કિંગમાં હાલમાં 16મા નંબર પર રહેલી નામિબિયાની ટીમ માટે આ એક મોટી જીત છે.

