Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Big statement from T20 World Cup hero Sanju Samson

VIDEO: T20 વર્લ્ડ કપના હીરો સંજુ સેમસનનું મોટું નિવેદન, કહ્યું- 'મને કોઈ નહીં કહે કે કેવી રીતે રમવું'

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન પોતાના એક વિસ્ફોટક અને બેબાક નિવેદનને કારણે અચાનક ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. ટીમ ઈન્ડિયામાં સતત અંદર-બહાર થવાની અટકળો અને કડક સ્પર્ધા વચ્ચે સંજુ સેમસને સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે તે હવે ભારતીય ક્રિકેટની સિલેક્શન પ્રક્રિયામાં ચાલતી ઉંદરદોડનો ભાગ બનવા માંગતો નથી. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેણે ખુલ્લેઆમ કહ્યું કે, ભવિષ્યમાં તે શું કરશે અને કેવી રીતે રમશે તે માત્ર તે પોતે જ નક્કી કરશે, અન્ય કોઈ નહીં.

App Store

તાજેતરમાં જ સંપન્ન થયેલા T20 વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન કરીને 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' નો ખિતાબ જીતનારા 31 વર્ષીય સંજુ સેમસને પોતાની સફર અને માનસિકતામાં આવેલા બદલાવ અંગે મોટો ખુલાસો કર્યો છે.

'હું મારી શરતો પર ક્રિકેટ રમીશ'

જીઓસ્ટારના સ્પેશિયલ શો 'બિલીવ' માં વાતચીત દરમિયાન સંજુ સેમસને જણાવ્યું કે, "મને સમજાયું છે કે આપણા દેશમાં હંમેશાં એક ઉંદરદોડ ચાલતી હોય છે. વર્ષ 2026ના T20 વર્લ્ડ કપ પહેલા જ મેં મન બનાવી લીધું હતું કે હું આ રેસમાં સામેલ નહીં થાઉં. હું માત્ર રમતને પ્રેમ કરવા માંગું છું. ભગવાનની કૃપાથી મને ઘણું બધું મળ્યું છે. હું અત્યારે 31 વર્ષનો છું અને મારી પાસે ક્રિકેટ રમવા માટે હજુ થોડા વર્ષો બાકી છે. તેથી મેં હવે મારા પોતાના રસ્તે ચાલવાનો નિર્ણય કર્યો છે." 

પોતાના આક્રમક અંદાજમાં તેણે ઉમેર્યું, "કોઈ મને એ નહીં સમજાવે કે મારે કેવી રીતે બેટિંગ કરવી કે મારે શું કરવું જોઈએ. સંજુ પોતાના નિર્ણયો જાતે જ લેશે. હું ટીમના તમામ સાથીઓ અને મેનેજમેન્ટનો આદર કરું છું, હું રમતનો આનંદ લઈશ અને ટીમ માટે ઉપયોગી સાબિત થઈશ, પરંતુ બધું મારી પોતાની શૈલીથી કરીશ."

વિરાટ કોહલીની એક સલાહે બદલી નાખ્યું જીવન

ઇન્ટરવ્યુ દરમિયાન સેમસને પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથેની એક જૂની વાતચીતને યાદ કરી હતી. તેણે કહ્યું કે, રાષ્ટ્રીય ટીમના કેમ્પ દરમિયાન જ્યારે તે જિમમાં સાથે વર્કઆઉટ કરી રહ્યા હતા, ત્યારે તેણે કોહલીને પૂછ્યું હતું કે, 'પાજી, મારે શું કરવું જોઈએ?' ત્યારે કોહલીએ તેને ફિટનેસ અને પ્રોફેશનલિઝમ અંગે કિંમતી સલાહ આપતાં કહ્યું હતું કે જો તમારે લાંબા સમય સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવું હોય, તો મેદાનની બહારની તમારી લાઇફસ્ટાઇલ અને ડાયટ ખૂબ જ મોટો ભાગ ભજવે છે. આ સલાહે સેમસનની ફિટનેસ પ્રત્યેની વિચારસરણી બદલી નાખી હતી.

ભવિષ્યના પ્લાનિંગ અંગે કહી આ વાત

ભવિષ્યની યોજનાઓ અને વર્ષ 2028ના આગામી વર્લ્ડ કપ અંગે પૂછવામાં આવતા સેમસને જણાવ્યું કે તે બહુ લાંબુ વિચારવામાં નથી માનતો. તેણે કહ્યું, "વર્ષ 2024ના વર્લ્ડ કપ પછી મને આશા પણ નહતી કે હું 2026ના વર્લ્ડ કપની ટીમમાં હોઈશ. એક સમયે હું 14 કે 15 ખેલાડીઓની યાદીમાં પણ નહતો. આવી સ્થિતિમાં હું 2028 માટે અત્યારથી કેવી રીતે પ્લાનિંગ કરી શકું? જો હું તે સમયે ફોર્મમાં હોઈશ અને ટીમને મારી જરૂર હશે, તો બધું આપોઆપ ગોઠવાઈ જશે. જો એવું નહીં થાય, તો પણ મને કોઈ અફસોસ નથી. મેં જે મેળવ્યું છે તે મારી પાસેથી કોઈ છીનવી શકે તેમ નથી."

ઉલ્લેખનીય છે કે ઝિમ્બાબ્વે પ્રવાસ પર તાજેતરમાં રમાયેલી સીરિઝ દરમિયાન વૈભવ સૂર્યવંશી જેવા યુવા ખેલાડીઓના શાનદાર પ્રદર્શન બાદ ટીમમાં જગ્યા મેળવવાની રેસ વધુ તીવ્ર બની છે, ત્યારે સેમસનનું આ નિવેદન ક્રિકેટ જગતમાં નવો ગરમાવો લાવી દીધો છે.