VIDEO: ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટરનો મોટો દાવો, કેપ્ટન હાર્દિક પંડ્યાને સાથ નથી આપી રહ્યા ટીમના ખેલાડીઓ
IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) 9માંથી 7 મેચ હારી ગઈ છે, તેથી પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો અત્યંત મુશ્કેલ બની ગયો છે. મુંબઈની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે હાર થયા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા સહિત આખી ટીમની ટીકાઓ શરૂ થઈ ગઈ છે.
હાર્દિક પંડ્યાએ ટીમનો વિશ્વાસ ગુમવ્યો : મનોજ તિવારી
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ મુંબઈ ઈન્ડિયન્સની વર્તમાન સ્થિતિ પર કડક શબ્દોમાં ટિપ્પણી કરવાની સાથે મોટો દાવો કર્યો છે. તિવારીએ કહ્યું કે, કેપ્ટન હાર્દિક પંડ્યા હવે ટીમનો વિશ્વાસ ગુમાવી ચૂક્યો છે અને ડ્રેસિંગ રૂમમાં એકતા નથી દેખાઈ રહી.
મુંબઈ ઈન્ડિયનમાં આંતરિક ડખા!
ચેન્નાઈ સામે 8 વિકેટની હાર થયા બાદ મુંબઈની નબળાઈ ઉજાગર થઈ ગઈ છે. ટીમ સતત ભૂલો કરી રહી છે અને મેદાન પર ટીમમાં સ્પષ્ટ યોજના નથી જોવા મળતી. મનોજ તિવારીએ કહ્યું કે આ માત્ર એક હાર નથી પરંતુ ટીમની અંદર ચાલી રહેલી ગરબડનો સંકેત છે.
ખેલાડીઓ હાર્દિકને સાથ આપી રહ્યા નથી!
તિવારીએ સ્પષ્ટ કહ્યું કે, કેપ્ટન તરીકેની સૌથી મોટી જવાબદારી ટીમનો વિશ્વાસ જીતવાની હોય છે પરંતુ હાલની સ્થિતિ મુજબ એવું લાગે છે કે, ખેલાડીઓ હાર્દિક પંડ્યાની સાથે નથી ઊભા. મનોજ તિવારીએ ક્રિકબઝ સાથે વાત કરતા કહ્યું કે "એક કેપ્ટનનું કામ દરેક ખેલાડીનો વિશ્વાસ જીતવાનું હોય છે પરંતુ હાલની સ્થિતિ પરથી લાગી રહ્યું છે કે, કોઈ પણ ખેલાડી સંપૂર્ણપણે હાર્દિકની સાથે નથી. હાર્દિકને જે સપોર્ટની જરૂર છે તે નથી દેખાઈ રહ્યો."
તિવારીએ સૂર્યા અને તિલક પણ ટીકા કરી
મનોજ તિવારીએ માત્ર હાર્દિક પંડ્યાની જ નહીં, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માની પણ ઝાટકણી કાઢી છે. તેણે કહ્યું કે, "મુંબઈના ખેલાડીઓએ પણ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. સૂર્યકુમાર સતત અને તિલક એક-બે ઈનિંગ સિવાય નિષ્ફળ રહ્યો છે. આવામાં ટીમનું સંતુલન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. જો ટીમના બાકીના ખેલાડીઓ જ સતત સારું નહીં રમે તો પરિણામ કેવી રીતે આવશે."
જો મુંબઈએ પ્લેઓફમાં પહોંચવું હોય તો...
પૂર્વ ક્રિકેટરે વધુમાં કહ્યું કે, એક સમયે મુંબઈ-ચેન્નાઈની મેચોમાં પ્રતિસ્પર્ધા જોવા મળ હતી, જોકે હવે મુકાબલા એકતરફી જોવા મળી રહ્યા છે. પોઈન્ટ ટેબલ મુજબ ચેન્નાઈ 9 મેચોમાંથી માત્ર ચાર મેચ અને મુંબઈ 9 મેચમાંથી માત્ર બે મેચ જીતી છે. ચેન્નાઈ સામે હાર બાદ મુંબઈ ટીમ નબળી પડી ગઈ છે. પ્લેઓફમાંથી બહાર થવાની સંભાવના પણ વધી ગઈ છે. હવે મુંબઈએ પ્લેઓફની રેસમાં રહેવું હોય તો દરેક મેચમાં જીતવી પડશે. સાથે જ ટીમની અંદર ચાલી રહેલી સમસ્યાઓનો પણ જલ્દી ઉકેલ લાવવો પડશે.

