BCCI સચિવની મોટી જાહેરાત: એશિયા કપની બંને ટ્રોફીઓ આવશે ભારત, પાકિસ્તાનમાં ખળભળાટ

ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમો દ્વારા જીતવામાં આવેલી એશિયા કપની ટ્રોફી હાલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાસે નથી. આ મુદ્દે હવે બીસીસીઆઈના સેક્રેટરી દેવજીત સૈકિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે.
બંને ટ્રોફી BCCIના મુખ્ય મથકે ચોક્કસ પહોંચશે : સેક્રેટરી સૈકિયા
સૈકિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, બંને ટ્રોફી એક દિવસ બીસીસીઆઈના મુખ્ય મથકે ચોક્કસ પહોંચશે, જોકે તેમણે આ માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા આપવાનો ઇનકાર કર્યો છે. શુક્રવારે યોજાયેલી બીસીસીઆઈની 95મી વાર્ષિક સામાન્ય સભા (AGM) બાદ પત્રકારો સાથે વાતચીતમાં તેમણે આ સ્પષ્ટતા કરી હતી.
ભારતીય ટીમોએ ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કેમ કર્યો હતો?
ભારતની પુરુષ અને મહિલા ટીમોએ એશિયા કપનો ખિતાબ જીત્યા બાદ ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ મોહસિન નકવી ટ્રોફી આપવા માટે હાજર હતા, જેઓ પાકિસ્તાન સરકારમાં ગૃહમંત્રી પણ છે. ભારતીય પુરુષ ટીમે દુબઈમાં પાકિસ્તાનને હરાવીને એશિયા કપ T20 ટુર્નામેન્ટ જીતી હતી, જ્યારે ભારતીય મહિલા ટીમે આ મહિનાની શરૂઆતમાં શ્રીલંકાને માત આપીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.
વાનખેડે સ્થિત બોર્ડ ઓફિસમાં ટ્રોફી લાવવાની ખાતરી
દેવજીત સૈકિયાએ જણાવ્યું કે, એશિયા કપની બંને ટ્રોફી એક દિવસ જરૂર મુંબઈ પહોંચશે. તેમણે કહ્યું કે તેઓ કોઈ ચોક્કસ તારીખ કે સમયમર્યાદા આપી શકતા નથી, પરંતુ તેમને પૂરો વિશ્વાસ છે કે બંને ટ્રોફી વાનખેડે સ્ટેડિયમ સ્થિત બીસીસીઆઈ કાર્યાલયમાં જરૂર આવશે.

