Asia Cup પહેલા ટીમ ઈન્ડિયામાં થઈ છટણી, BCCIએ 15 વર્ષ જૂના સભ્યને કર્યા બહાર

એશિયા કપ 2025 આગામી મહિનાની 9મી તારીખથી સંયુક્ત આરબ અમીરાતની ધરતી પર શરૂ થઈ રહ્યો છે. ભારતે આ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. આ જાહેરાત પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બીજો મોટો નિર્ણય લીધો છે અને છટણી કરવાનું વિચાર્યું છે. તેની અસર પણ દેખાઈ રહી છે.
BCCI ટીમના સપોર્ટ સ્ટાફમાંથી કેટલાક લોકોને દૂર કરવા માંગે છે અને કેટલાકને દૂર કર્યા પણ છે. જો અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો, ટીમના મેસર (મસાજ કરનાર) રાજીવ કુમારને દૂર કરવામાં આવ્યા છે. રાજીવ છેલ્લા 15 વર્ષથી ટીમ સાથે હતા અને તેઓ તાજેતરના ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ ટીમ સાથે રહ્યા હતા. BCCIએ તેમનો કોન્ટ્રકટ લંબાવ્યો નથી અને આ સાથે તેમને ટીમ ઈન્ડિયામાંથી દૂર કરવામાં આવ્યા છે.
બીજી ભરતી કરવામાં આવી
જો અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો, BCCIએ રાજીવની જગ્યાએ બીજી ભરતી પણ કરી છે. અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે, "ભારતીય ક્રિકેટ બોર્ડે રાજીવની સેવાઓ સમાપ્ત કરી દીધી છે. ટીમ મેનેજમેન્ટની ભલામણ પર, ભારતીય ટીમે બીજા મેસરની નિમણૂક પણ કરી છે."
સમાચાર એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે ટીમ ઈન્ડિયાના થિંક ટેન્કના એક વ્યક્તિનું માનવું છે કે લાંબા સમયથી ટીમ સાથે રહેલા સપોર્ટ સ્ટાફને દૂર કરવા જોઈએ.
અહેવાલ મુજબ, BCCI એ ટીમના અન્ય એક મેસર અરુણ કનાડે સાથે પહેલાથી જ સંબંધો તોડી નાખ્યા છે. અગાઉ, સોહમ દેસાઈને કોન્ટ્રકટ વધારવાની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે તેને નકારી કાઢી હતી. ટીમે ટી. દુલીપને પણ દૂર કર્યો હતો પરંતુ બાદમાં તેને પાછો બોલાવવામાં આવ્યો હતો.
આ બંનેને દૂર કરવાની ચર્ચા
અગાઉ, ઘણા મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઈંગ્લેન્ડ પ્રવાસ પછી, ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કેલ અને આસિસ્ટન્ટ કોચ રિયાન ટેન ડોશચે તેમની નોકરી ગુમાવી શકે છે. BCCI બંનેથી ખુશ નથી કારણ કે ટીમે બંનેના નેતૃત્વમાં વધુ સફળતા નહતી મેળવી. ભલે ભારતે ઈંગ્લેન્ડ પ્રવાસ પર સિરીઝ ડ્રો કરી હોય, પરંતુ ઘણા પ્રશ્નો ઉભા થયા હતા અને તેના કારણે, મોર્કેલ અને રિયાનની નોકરી પણ જોખમમાં હોવાનું કહેવાય છે.

