ભારત માટે ત્રેવડી સદી ફટકારનારને જ ભૂલી ગયું BCCI, કરુણ નાયરને જન્મદિવસની શુભેચ્છા ન પાઠવતા વિવાદ

ભારતમાં ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શનિવારે (6 ડિસેમ્બર) 6 ભારતીય ક્રિકેટરોનો જન્મદિવસ હોવા છતાં માત્ર 4 ખેલાડીઓને જ શુભેચ્છા આપી અને આ દરમિયાન સ્ટાર બેટર કરુણ નાયરને ભૂલી જતાં મોટો વિવાદ ઊભો થયો છે.
શું જાણી જોઈને કર્યું?
સામાન્ય રીતે દરેક ક્રિકેટરને સમાન ગણવામાં આવતા BCCI ના આ વલણથી સવાલો ઊભા થયા છે. જે વ્યક્તિને ભારતીય બોર્ડે નજરઅંદાજ કર્યો છે, તે છે કરુણ નાયર, જે ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં ટેસ્ટ મેચમાં ત્રિપલ સેન્ચ્યુરી ફટકારનાર માત્ર બીજો ખેલાડી છે.
કોને મળી શુભેચ્છાઓ, કોને નહીં?
આજે 6 ડિસેમ્બરે ભારતના 6 ક્રિકેટરોનો જન્મદિવસ છે. BCCI એ X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને નીચેના ચાર ખેલાડીઓને શુભેચ્છા આપી:
- જસપ્રીત બુમરાહ (સાઉથ આફ્રિકા સામેની T20I સિરીઝનો ભાગ)
- રવિન્દ્ર જાડેજા (સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝનો ભાગ)
- શ્રેયસ અય્યર (ઈજાથી પરેશાન)
- આરપી સિંહ (સિલેક્શન કમિટીના સભ્ય)
- જોકે, કરુણ નાયરને બોર્ડ દ્વારા કોઈ શુભેચ્છા આપવામાં આવી નહોતી.
- હાલમાં ડેબ્યુ કરનાર અંશુલ કંબોજને પણ શુભેચ્છા નથી પાઠવાઈ.
કરુણ નાયરની સિદ્ધિ અને કારકિર્દી
કરુણ નાયરે 2016માં ચેન્નઈમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં તેની પ્રથમ ટેસ્ટ સદીને 303 રનની ત્રેવડી સદીમાં ફેરવીને ઈતિહાસ રચ્યો હતો. જોકે, આ જબરદસ્ત પ્રદર્શન પછીની થોડી મેચોમાં જ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
કરુણ 2025ના ઈંગ્લેન્ડ પ્રવાસ પછી ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે, પરંતુ તે ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. આઠ વર્ષ બાદ આ જ વર્ષે કેપ્ટન શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળ ઈંગ્લેન્ડના પ્રવાસ માટે તેને ટીમમાં જગ્યા મળી હતી, પરંતુ ચાર મેચમાં માત્ર એક અડધી સદી ફટકાર્યા બાદ તેને ફરીથી ટીમની બહાર કરી દેવાયો હતો. BCCI દ્વારા ત્રેવડી સદી ફટકારનાર ખેલાડીને તેના જન્મદિવસ પર શુભેચ્છા ન આપવાના કારણે ક્રિકેટ જગતમાં અને સોશિયલ મીડિયા પર આ મુદ્દે સવાલો અને વિવાદ શરૂ થયો છે.

