T20 World Cup 2026 / BCCIએ જાહેર કરી ભારતીય સ્કવોડ, શુભમન ગિલનું પત્તું કપાયું; ઈશાન કિશનની વાપસી

T20 ક્રિકેટની સૌથી મોટી ઇવેન્ટ T20 વર્લ્ડ કપ, આવતા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં રમાશે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ ટુર્નામેન્ટ માટે ભારતની 15 સભ્યોની સ્કવોડની જાહેરાત કરી છે. T20 વર્લ્ડ કપ2026 માં સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે, જ્યારે અક્ષર પટેલને વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. T20 વર્લ્ડ કપની સ્કવોડમાંથી શુભમન ગિલનું પત્તું કપાયું છે, જ્યારે ઈશાન કિશન અને રિંકુ સિંહની ટીમમાં વાપસી થઈ છે.
BCCI એ T20 વર્લ્ડ કપ 2026 માટે 4 બેટ્સમેન, 2 વિકેટકીપર, 2 સ્પિન ઓલરાઉન્ડર, 2 ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર, 2 સ્પિનર અને 3 ફાસ્ટ બોલરની પસંદગી કરી છે. T20 વર્લ્ડ કપ 2026 મેચ ભારત અને શ્રીલંકામાં રમાનારી છે. તેથી, પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, BCCIએ 15 ખેલાડીઓની પસંદગી કરી છે. આ જ ખેલાડીઓ જાન્યુઆરીમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાનારી T20I સિરીઝમાં પણ રમશે.
T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતની 15 સભ્યોની ટીમ
4 બેટ્સમેન - સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા અને રિંકુ સિંહ
2 વિકેટકીપર - સંજુ સેમસન અને ઈશાન કિશન
4 ઓલરાઉન્ડર - શિવમ દુબે, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન)
5 બોલર - અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી
ટુર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લેશે
2026ના T20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લેશે. આ બશી ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ-Aમાં છે, જેમાં ભારત, USA, નામિબિયા, નેધરલેન્ડ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. બધી મેચો ભારતના પાંચ અને શ્રીલંકાના ત્રણ સ્થળોએ રમાશે. જો પાકિસ્તાન ફાઈનલમાં નહીં પહોંચે, તો ટાઈટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પાકિસ્તાન પોતાની મેચો શ્રીલંકામાં રમશે. જો પાકિસ્તાન સેમીફાઈનલ અને ફાઈનલમાં પહોંચે છે, તો તેની નોકઆઉટ મેચો શ્રીલંકામાં રમાશે.
T20 વર્લ્ડ કપ માટે ભારતનું લીગ સ્ટેજ શેડ્યૂલ
- 7 ફેબ્રુઆરી vs USA
- 12 ફેબ્રુઆરી vs નામિબિયા
- 15 ફેબ્રુઆરી vs પાકિસ્તાન
- 18 ફેબ્રુઆરી vs નેધરલેન્ડ

