La Liga 2025-26 / બાર્સિલોનાનો જીતનો સિલસિલો જારી, વિલારિયલને 2-0થી હરાવ્યું

સ્પેનની ટોપ પ્રોફેશનલ ફૂટબોલ લીગ લા લીગાની 2025-26 સિઝન ચાલી રહી છે. વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત લીગમાંથી એક એવી આ લીગમાં બાર્સિલોના, રીઅલ મેડ્રિડ અને એટલાટિકો મેડ્રિડ જેવા ટોપ ક્લબો ભાગ લે છે. લા લીગામાં સામાન્ય રીતે 20 ટીમો ટાઈટલ માટે સ્પર્ધા કરે છે.
લીગમાં ગઈકાલે (21 ડિસેમ્બર) વિલારિયલ અને બાર્સિલોના વચ્ચે એસ્ટાડિયો ડે લા સેરામિકા ખાતે મેચ રમાઈ હતી, જેમાં બાર્સિલોના 0-2થી જીતી હતી. રાફિન્હાએ 12મી મિનિટે પેનલ્ટી કિક દ્વારા પહેલો ગોલ કર્યો હતો અને લેમિન યમાલે 63મી મિનિટે ગોલ કરીને જીત સુનિશ્ચિત કરી હતી. વિલારિયલના રેનાટો વેઇગાને 39મી મિનિટે રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું, જેના કારણે ઘરેલુ ટીમ માટે મેચ મુશ્કેલ બની ગઈ હતી.
બાર્સિલોનાના ગોલકીપર જોન ગાર્સિયાએ મહત્ત્વપૂર્ણ બચાવ કર્યા હતા. આ મેચમાં લેમિન યમાલને તેના શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો, આ સાથે બાર્સિલોનાએ ટોપનું સ્થાન જાળવી રાખ્યું છે. બાર્સિલોનાએ 18 મેચ માંથી 15માં જીત મેળવી છે, જ્યારે 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને એક મેચ ડ્રો ગઈ છે. વિલારિયલની વાત કરીએ તો તેણે 16 મેચમાંથી 11 જીતી છે, જ્યારે 3 હારી અને 2 ડ્રો ગઈ છે.

