'એવું લાગે છે કે અમને કોઈ ફરક...', બાંગ્લાદેશના કેપ્ટને વર્લ્ડ કપ વિવાદ પર આપ્યું નિવેદન, બોર્ડની ટીકા કરી

ભારત અને શ્રીલંકાની સહ-યજમાનિમાં ICC T20 વર્લ્ડ કપ 2026 શરૂ થવામાં એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. દરમિયાન મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી રિલીઝ કરવાના નિર્ણયની જાહેરાત કરવામાં આવ્યા બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ નારાજ છે. BCBએ ICCને બે વાર પત્ર લખીને T20 વર્લ્ડ કપ 2026 માટે તેની મેચોને ભારતમાંથી શિફ્ટ કરવાની વિનંતી કરી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે એમ પણ કહ્યું છે કે જો વેન્યુ શિફ્ટ નહીં કરવામાં આવે, તો તે તેની ટીમને વર્લ્ડ કપ માટે નહીં મોકલે. ત્યારે બાંગ્લાદેશના ટેસ્ટ કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ હવે આ બાબતે એક નિવેદન જારી કરીને પોતાના બોર્ડની ટીકા કરી છે.
'એવું લાગે છે કે અમે બધા ફક્ત એક્ટિંગ કરી રહ્યા છીએ'
બાંગ્લાદેશ ટીમના ટેસ્ટ કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ આ બાબતે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, "ખેલાડીઓ ફક્ત એવું વર્તન કરી રહ્યા છે જાણે તેમને કોઈ ફરક નથી પડતો. સૌ પ્રથમ, જો તમે અમારા વર્લ્ડ કપ પરિણામો પર નજર નાખો, તો અમે ક્યારેય સતત સારું પ્રદર્શન નથી કર્યું. ગયા વર્ષે અમે સારું રમ્યા હતા, પરંતુ અમે તેનાથી પણ સારું પ્રદર્શન કરી શક્યા હોત. અમે તેનો લાભ ન લઈ શક્યા. પરંતુ તમે જોશો કે દરેક વર્લ્ડ કપ પહેલા કંઈકને કંઈક બને છે. હું ત્રણ વર્લ્ડ કપના મારા અનુભવ પરથી કહી શકું છું કે તે તમારા પ્રદર્શનને અસર કરે છે. હવે અમે એવો દેખાડો કરીએ છીએ કે અમને કોઈપણ વાતની અસર નથી થતી. તમે લોકો પણ સમજો છો કે અમે એક્ટિંગ કરી રહ્યા છીએ અને તે બિલકુલ સરળ નથી. જો આ વસ્તુઓ ન થાય તો તે વધુ સારું રહેશે, પરંતુ તે કંઈક અંશે અમારા નિયંત્રણની બહાર છે."
'મને ખબર નથી કે આ બધું કેવી રીતે થયું'
નઝમુલ હુસૈન શાંતોએ આ બાબત અંગેના તેના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, "મને ખબર નથી કે આ મામલો આટલા મોટા પાયે કેવી રીતે વધી ગયો અથવા તેને કેવી રીતે વધુ સારી રીતે હેન્ડલ કરી શકાયો હોત. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે ખેલાડીઓ માટે આવી પરિસ્થિતિઓમાં પોતાનું સંયમ જાળવવું મુશ્કેલ છે. જો અમે યોગ્ય માનસિકતા સાથે વર્લ્ડ કપમાં જઈએ અને ક્યાંય પણ રમીએ, તો અમારે એ વાત પર ધ્યાન રાખવું જોઈએ કે અમે ટીમ માટે અમારું બેસ્ટ કેવી રીતે આપી શકીએ છીએ."

