IPLની મેચમાંથી આવ્યા ખરાબ સમાચાર, દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલરને પહોંચી ગંભીર ઈજા

નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે (શનિવાર, 25 એપ્રિલ) દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન એક દુર્ઘટના બની છે. દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર લુન્ગી એન્ગિડીને ગંભીર ઈજા પહોંચી છે. તેને ઈજા પહોંચતા એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લઈ જવાયો છે. આ ઘટના પંજાબ કિંગ્સની ઇનિંગની શરૂઆતમાં બની હતી, જ્યારે કેચ પકડવા જતા સમયે લુન્ગી ભયાનક રીતે નીચે પડકાયો હતો અને તેને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે તે મેદાન પર જ પડી રહ્યો હતો.
ઘટના બાદ તરત જ બંને ટીમના ખેલાડીઓએ મેડિકલ સહાય માટે ઈશારો કર્યો હતો. સ્ટેડિયમમાં હાજર હજારો પ્રેક્ષકો વચ્ચે અચાનક સન્નાટો છવાઈ ગયો હતો અને મેચ થોડા સમય માટે રોકવી પડી હતી. જે મેચ સામાન્ય ઉત્સાહ સાથે આગળ વધી રહી હતી, તે ક્ષણભરમાં ચિંતાના વાતાવરણમાં ફેરવાઈ ગઈ હતી.
મેડિકલ ટીમે તાત્કાલિક મેદાન પર પહોંચીને એન્ગિડીની તપાસ કરી હતી. તેની સ્થિતિ જોતા પહેલા સ્ટ્રેચર મંગાવવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં એમ્બ્યુલન્સને સીધી મેદાનની અંદર બોલાવવી પડી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.

