Asian Games 2026 / શું ફરી એકવાર થશે ભારત-પાકિસ્તાનની ટક્કર? અહીં જાણો સમીકરણ

જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો વચ્ચે શરૂઆતના તબક્કામાં કોઈ મુકાબલો નહીં થાય. બંને ટીમોને અલગ-અલગ ક્વાર્ટર ફાઈનલમાં રાખવામાં આવી છે. જેના કારણે ફેન્સે સંભવિત મહામુકાબલા માટે નોકઆઉટ સ્ટેજ સુધી રાહ જોવી પડશે. એશિયન ગેમ્સનું આયોજન 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન થવાનું છે. જ્યારે ક્રિકેટની મેચો 17 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન રમાશે.
અલગ-અલગ ક્વાર્ટર ફાઈનલ
ભારતીય પુરુષ ટીમને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવી અન્ય એશિયન દિગ્ગજ ટીમો સાથે સીધી ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન આપવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, ભારતને ક્વાર્ટર ફાઈનલ 2માં રાખવામાં આવ્યું છે. જ્યારે પાકિસ્તાન ક્વાર્ટર ફાઈનલ 1માં રમશે. સેમીફાઈનલ ડ્રો મુજબ બંને પ્રતિદ્વંદ્વીઓ અંતિમ ચારમાં સામસામે નહીં આવી શકે. જો બંને ટીમો પોતપોતાની મેચ જીતી જશે, તો તેમની વચ્ચે માત્ર ફાઈનલ કે બ્રોન્ઝ-મેડલ પ્લેઓફમાં જ ટક્કર થઈ શકે છે.
નાગોયામાં રમાશે મેચ
તમામ ક્રિકેટ મેચ નાગોયાના પાલોમા મિઝુહો સ્ટેડિયમમાં T20 ફોર્મેટમાં રમાશે. મહિલાઓની સ્પર્ધા 17 સપ્ટેમ્બરથી શરૂ થઈને 22 સપ્ટેમ્બરે ફાઈનલ સાથે પૂર્ણ થશે, ત્યારબાદ પુરુષોની મેચો શરૂ થશે. પુરુષ ઈવેન્ટમાં 10 ટીમો અને મહિલા ઈવેન્ટમાં આઠ ટીમો ભાગ લઈ રહી છે. બંને સેમીફાઈનલ 1 ઓક્ટોબરે યોજાવાની છે.
ભારતની ટીમ જાહેર
આ મહાટૂર્નામેન્ટ માટે ભારતે શ્રેયસ અય્યર અને હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપ હેઠળ પોતાની ટીમો પહેલેથી જ જાહેર કરી દીધી છે. પુરુષ ટીમમાં શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને વૈભવ સૂર્યવંશીનો સમાવેશ થાય છે.

