IND vs SL / શ્રીલંકામાં ડેબ્યુ કરશે અજિંક્ય રહાણે, ટેસ્ટ સિરીઝ દરમિયાન નવી ભૂમિકામાં જોવા મળશે

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અજિંક્ય રહાણે તાજેતરમાં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. હવે તે શ્રીલંકામાં નવી ભૂમિકામાં જોવા મળશે. રહાણે ટેસ્ટ ફોર્મેટમાં ભારત માટે એક વિશ્વસનીય બેટ્સમેન રહ્યો છે, તેણે વિદેશી ધરતી પર બોલર્સને ઘણા છગ્ગા ફટકાર્યા છે. તે હવે ભારત અને શ્રીલંકા વચ્ચેની આગામી ટેસ્ટ સિરીઝમાં મોટી ભૂમિકા ભજવશે.
ભારતીય ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે, જ્યાં બે મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. સિરીઝની પહેલી મેચ 15 ઓગસ્ટે ગોલમાં રમાનારી છે. સિરીઝ પહેલા, રહાણે વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તે ટેસ્ટ સિરીઝમાં નવી ભૂમિકામાં જોવા મળશે. રહાણે ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં કોમેન્ટરી કરતો જોવા મળી શકે છે.
અજિંક્ય રહાણે કોમેન્ટરી ડેબ્યુ કરશે
નિવૃત્તિ પછી રહાણે હવે નવી ભૂમિકામાં જોવા મળશે. તે ટેસ્ટ સિરીઝમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક માટે કોમેન્ટેટર તરીકે જોવા મળશે. આ ભૂમિકામાં તે પહેલીવાર જોવા મળશે. રહાણેએ તાજેતરમાં જ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સિવાયના તમામ પ્રકારના ક્રિકેટને અલવિદા કહ્યું હતું. આનો અર્થ એ થયો કે તે IPLમાં પણ નહીં રમે.
રહાણેએ હવે પોતાની કારકિર્દીને આગળ વધારવાનો અને કોમેન્ટરી કરવાનો નિર્ણય લીધો છે. તેણે ભારત માટે રેડ-બોલ ક્રિકેટમાં ઘણી યાદગાર ઈનિંગ્સ રમી છે, જેનાથી મેચ જીતવામાં મદદ મળી છે. રહાણેએ ભારત માટે 85 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 38.46ની એવરેજથી 5,077 રન બનાવ્યા છે, જેમાં 12 સદી અને 26 અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં કુલ 14,206 રન બનાવ્યા છે.
સોની સ્પોર્ટ્સે પુષ્ટિ કરી
સોની નેટવર્ક ઈન્ડિયાના ચીફ રેવન્યુ ઓફિસર અને બિઝનેસ હેડ રાજેશ કૌલે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું, "અજિંક્ય રહાણે હંમેશા તેના શાંત વર્તન, હિંમત અને રમતની ઊંડી સમજ માટે જાણીતો રહ્યો છે. તે હવે સોની સ્પોર્ટ્સ માટે કોમેન્ટ્રીમાં ડેબ્યુ કરશે. આનાથી દર્શકોને તે ફોર્મેટ વિશે શીખવાની તક મળશે જે રહાણે ખૂબ સારી રીતે સમજે છે."

