જેલમાંથી બહાર આવતાં જ અભિષેક પોરેલને મળી ટીમમાં જગ્યા, મેદાન પર ફરી કરશે ધમાકેદાર વાપસી

આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ માટે રમતા યુવા વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રેપના ગંભીર આરોપોમાં ઘેરાયેલા અને જેલની હવા ખાઈ ચૂકેલા અભિષેક પોરેલની એક વાર ફરી ક્રિકેટના મેદાન પર વાપસી થઈ ગઈ છે.
બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB)એ આસામ સામે રમાનારા પ્રેક્ટિસ મેચો માટે સિનિયર બંગાળ મેન્સ ટીમની જાહેરાત કરી દીધી છે. ચોંકાવનારી વાત એ છે કે આ સ્ક્વોડમાં અભિષેક પોરેલનું નામ પણ સામેલ છે.
સુદીપ ચેટર્જીની કેપ્ટનશીપમાં આ ટીમ ગુવાહાટીના ACA સ્ટેડિયમમાં પ્રેક્ટિસ મેચ રમવા માટે 30 સપ્ટેમ્બરે કોલકાતાથી રવાના થશે અને 6 ઓક્ટોબરે પરત ફરશે. અભિષેક પોરેલની કોલકાતા પોલીસ દ્વારા 11 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી.
અભિષેક પર એક મેડિકલ વિદ્યાર્થીનીએ લગ્નના ખોટા વચન આપીને રેપ કરવા અને આપરાધિક ધમકી આપવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. ધરપકડ બાદ પોરેલને આશરે ચાર અઠવાડિયા સુધી જ્યુડિશિયલ કસ્ટડી માં રહેવું પડ્યું હતું. જોકે, 18 સપ્ટેમ્બરે કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તે જેલમાંથી બહાર આવ્યો હતો અને હવે સીધા ક્રિકેટના મેદાન પર વાપસી કરી રહ્યો છે.
CABએ કેમ આપી તક?
જ્યારે ઓગસ્ટમાં અભિષેક પોરેલ પોલીસ કસ્ટડીમાં હતો, ત્યારે CABએ તેને પ્રી-સીઝન સંભવિત ખેલાડીઓની યાદીમાંથી બહાર કરી દીધો હતો. પરંતુ હવે જામીન પર બહાર આવ્યા બાદ અને રણજી ટ્રોફીની લાંબી સીઝનને ધ્યાનમાં રાખીને સિલેક્ટર્સે તેને ટીમમાં પરત સામેલ કરવાનો નિર્ણય લીધો છે.
બંગાળની ટીમને મલ્ટી-ડે ફોર્મેટમાં એક અનુભવી અને સ્પેશિયાલિસ્ટ વિકેટકીપરની જરૂર હતી, જેના લીધે પોરેલની ટીમમાં વાપસી કરાવવામાં આવી છે જેથી તે પોતાની મેચ ફિટનેસ હાંસલ કરી શકે.
આઈપીએલ કરિયર પર પણ મંડરાઈ રહ્યુ છે સંકટ
ભલે અભિષેક પોરેલને બંગાળની ટીમમાં સ્થાન મળી ગયું હોય, પરંતુ તેના કાનૂની કેસ હજુ પૂરી રીતે ખતમ થયો નથી. કોર્ટમાં કેસની કાર્યવાહી ચાલુ છે. એવામાં આઈપીએલ ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સ અને ખુદ પોરેલના કરિયર પર પણ આ કાનૂની વિવાદનું સંકટ મંડરાઈ રહ્યું છે.
BCCIના કડક નિયમો અને ફ્રેન્ચાઈઝીની બ્રાન્ડ વેલ્યુને ધ્યાનમાં રાખતાં આગામી સમયમાં તેનું આઈપીએલ રમવું પૂરી રીતે કોર્ટના ફેંસલા અને તેમના પ્રદર્શન પર જ નિર્ભર કરશે.

