સ્ટીવ સ્મિથ બાદ બાંગ્લાદેશના ખેલાડીએ પણ ODI ક્રિકેટને કહ્યું અલવિદા, જાણો કેવી રહી છે તેની કારકિર્દી

ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે તાજેતરમાં ODI ફોર્મેટને અલવિદા કહ્યું હતું. હવે, બાંગ્લાદેશના અનુભવી વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમે ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મુશફિકુર રહીમે આ અંગે એક પોસ્ટ પોતાના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ પોસ્ટમાં તેણે જણાવ્યું છે કે, હવે તે ODI ફોર્મેટમાં બાંગ્લાદેશની જર્સીમાં નહીં જોવા મળે. લગભગ 3 વર્ષ પહેલા, મુશફિકુર રહીમે T20 ફોર્મેટને અલવિદા કહી દીધું હતું. જોકે, મુશફિકુર રહીમ ટેસ્ટ ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. બાંગ્લાદેશની ટીમ ગ્રુપ સ્ટેજથી આગળ વધવામાં નિષ્ફળ રહી હતી. ભારત ઉપરાંત બાંગ્લાદેશને ન્યુઝીલેન્ડ સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત, બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.
તમિમ ઈકબાલ પછી ODIમાં સૌથી વધુ રન બનાવનાર બાંગ્લાદેશી બેટ્સમેન
મુશફિકુર રહીમે લગભગ 19 વર્ષ પહેલા 2006માં ઝિમ્બાબ્વે સામે પોતાની પહેલી વનડે રમી હતી. મુશફિકુર રહીમે બાંગ્લાદેશ માટે 274 વનડે રમી છે. બાંગ્લાદેશ માટે સૌથી વધુ વનડે રમનારા ક્રિકેટરોની યાદીમાં મુશફિકુર રહીમ ટોપ પર છે. આ ઉપરાંત, તે ODI ફોર્મેટમાં બાંગ્લાદેશ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં બીજા નંબર પર છે. તમીમ ઈકબાલે મુશફિકુર રહીમ કરતાં વધુ રન બનાવ્યા છે. મુશફિકુર રહીમે છોડેલી ખાલી જગ્યા ભરવાનું કોઈપણ નવા વિકેટકીપર બેટ્સમેન માટે સરળ નહીં હોય.
આવી હતી મુશફિકુર રહીમની વનડે કારકિર્દી
મુશફિકુર રહીમે 274 ODI મેચોમાં બાંગ્લાદેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં તેણે 36.42ની એવરેજ અને 79.7ની સ્ટ્રાઈક રેટથી 7795 રન બનાવ્યા હતા. આ ફોર્મેટમાં મુશફિકુર રહીમનો હાઈએસ્ટ સ્કોર 144 રન હતો. આ ઉપરાંત, તેણે 9 સદી અને 49 અડધી સદી ફટકારી છે.

