ક્રિકેટર ડેવિડ વોર્નર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરશે એન્ટ્રી, આ ફિલ્મમાં જોવા મળશે

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર હવે એક્ટિંગ પણ કરતો જોવા મળશે. વોર્નર તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે. ડેવિડ વોર્નરનો તેલુગુ ફિલ્મ રોબિનહુડમાં કેમિયો જોવા મળશે.
ડેવિડ વોર્નર તેલુગુ ફિલ્મમાં એક્ટિંગ કરશે
ડેવિડ વોર્નર માત્ર રમતના મેદાનમાં જ નહીં પણ સોશિયલ મીડિયા પર પણ પોપ્યુલર છે. તે પોતાના ડાન્સ વીડિયોથી દરેક કોઇનું દિલ જીતી લે છે. ડેવિડ વોર્નર RRRના ડાયરેક્ટર એસએસ રાજામૌલીની સાથે જાહેરાત કરી ચુક્યો છે. અલ્લુ અર્જુન સાથે બ્લૉકબસ્ટર 'પુષ્પા 2: ધ રૂલ' બનાવનાર માઇથ્રી મૂવી મેકર્સ પોતાની આગામી ફિલ્મ 'રોબિનહુડ'માં ડેવિડ વોર્નરને લોન્ચ કરવા જઇ રહી છે. ફિલ્મની એક પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન ખુલાસો કરવામાં આવ્યો છે. ડેવિડ વોર્નર જલદી નીતિન અને શ્રીલીલાની ફિલ્મથી મોટા પરદા પર પગ મુકવા જઇ રહ્યો છે.
મહત્ત્વપૂર્ણ છે કે આ વખતે IPLની હરાજીમાં ડેવિડ વોર્નરને કોઇ ટીમે ખરીદ્યો નહતો. ડેવિડ વોર્નર સનરાઇઝર્સ હૈદરાબાદ માટે IPL રમી ચુક્યો છે અને તેને કારણે સાઉથમાં પણ ઘણો પોપ્યુલર છે.
બ્રેટલી પણ કરી ચુક્યો છે ફિલ્મમાં એક્ટિંગ
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કોઇ ભારતીય ફિલ્મમાં એક્ટર તરીકે આવશે તે પ્રથમ વખત નથી. આ પહેલા પણ બ્રેટલી ઇન્ડો-ઓસ્ટ્રેલિયન ફિલ્મ 'અનઇન્ડિયન'માં લીડ રોલ પ્લે કરી ચુક્યો છે.
ક્યારે રિલીઝ થશે ફિલ્મ
'રોબિનહુડ' આ મહિને 28 માર્ચ 2025માં મોટા પરદા પર રિલીઝ કરવામાં આવશે. ડાયરેક્ટર વેંકી કુદુમુલાની 'ચલો' અને 'ભીષ્મ' બાદ નીતિન સાથે આ ત્રીજી ફિલ્મ છે. બોક્સ ઓફિસ પર ઇદ પર સલમાન ખાનની 'સિકંદર' પણ 30 માર્ચે રિલીઝ થઇ રહી છે.

