VIDEO: વૈભવ સૂર્યવંશીને ચીડવવો પાકિસ્તાનને ભારે પડ્યો: અભિષેક શર્માએ પાકિસ્તાની બોલર સાઈમ અય્યુબને સાવ ધોઈ નાખ્યો
એશિયન ગેમ્સ 2026ના મહામુકાબલામાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાય રહી છે. પાકિસ્તાન સામે વૈભવ સૂર્યવંશીએ શરૂઆત તો કમાલની કરી, પરંતુ પછી તેણે એક એવી ભૂલ કરી બેઠો જેના લીધે તેને પેવેલિયન ભેગા થવું પડ્યું. વૈભવ સૂર્યવંશીએ જાપાનના કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં 2 સિક્સરની મદદથી 9 બોલમાં 15 રન બનાવ્યા. તેમના બેટમાંથી બે સિક્સર પણ નીકળી, પરંતુ આ ખેલાડીએ એક અત્યંત ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી દીધી. જોકે વૈભવ સૂર્યવંશીને આઉટ કરનારા બોલર સાઈમ અય્યુબે જે કર્યું તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. સાઈમ અય્યુબે સૂર્યવંશીને આઉટ કર્યા બાદ તેમને ભારે ચીડવ્યો હતો.
સાઈમ અય્યુબે વૈભવ સૂર્યવંશીને ચીડવ્યા
સાઈમ અય્યુબ ત્રીજી ઓવર ફેંકવો આવ્યો અને તેના પહેલા જ બોલ પર સૂર્યવંશીએ રિવર્સ સ્વીપ શોટ રમવાનો પ્રયાસ કર્યો. પરંતુ બોલ તેમના ગ્લોવ્ઝ પર લાગીને વિકેટકીપર ઉસ્માન ખાનના હાથમાં જતો રહ્યો. આ પછી સાઈમ અય્યુબે હાથ વડે બાળકનું ઘોડિયું કે ઝૂલો ઝૂલાવતા હોય તેવો ઈશારો કર્યો, જાણે કે તે કહી રહ્યા હોય— 'તું હજુ નાનું બાળક છે.'
સૂર્યવંશીથી થઈ ભૂલ
વૈભવ સૂર્યવંશીએ પાકિસ્તાન સામે અત્યંત બિનજરૂરી બેટિંગ કરી. આ ખેલાડી બે સિક્સર લગાવી ચૂક્યો હતો, બેટ એકદમ સેટ દેખાઈ રહ્યું હતું પરંતુ પછી સૂર્યવંશીએ કારણ વગર રિવર્સ સ્વીપ લગાવીને પોતાની ઈનિંગ્સનો અંત આણ્યો. સૂર્યવંશીએ એ શીખવું પડશે કે ક્યારે આ પ્રકારના શોટ્સનો ઉપયોગ કરવાનો છે. સૂર્યવંશીએ સેટ થઈને વધુમાં વધુ સમય ક્રિઝ પર ટકી રહેવું પડશે, જે તેમના કરિયર અને ટીમ ઈન્ડિયા બંને માટે સક્ષમ સાબિત થશે.
સાઈમ અય્યુબની થઈ ધોલાઈ
જોકે સૂર્યવંશીને આઉટ કર્યા બાદ સાઈમ અય્યુબની પણ ભારે ધોલાઈ થઈ હતી. આ ખેલાડીના પછીના ત્રણ બોલ પર અભિષેક શર્માએ બે ચોગ્ગા અને એક સિક્સર ફટકારી દીધી. અભિષેક શર્માએ માત્ર 20 બોલમાં અડધી સદી પણ પૂરી કરી. સાઈમ અય્યુબે માત્ર ખરાબ બોલિંગ જ નહીં, પરંતુ ખરાબ ફિલ્ડિંગ પણ કરી હતી. અય્યુબે અભિષેક શર્મા અને શ્રેયસ અય્યરના કેચ છોડ્યા હતા.

