BCCIની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામેલી ખેલાડીનું મોત, બે યુવકો પર હેરાનગતિનો પરિવારનો ગંભીર આક્ષેપ

BCCIની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામેલી ખેલાડીનું મોત, બે યુવકો પર હેરાનગતિનો પરિવારનો ગંભીર આક્ષેપ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

તેલંગાણાના વિકારાબાદ જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં તાજેતરમાં જ BCCIની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામેલી યુવા ક્રિકેટર નંદિનીએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. મૂળ વિકારાબાદ જિલ્લાના યલાલ મંડળના સંગયાપલ્લી ગામની વતની અને હાલ મધુ કોલોનીમાં નાનીના ઘરે રહીને અભ્યાસ તથા ક્રિકેટની તાલીમ મેળવતી નંદિનીના અચાનક અવસાનથી સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

કંટાળીને જ નંદિનીએ આ પગલું ભર્યું

જાહેરાત

ઘટના બાદ રોષે ભરાયેલા પરિવારજનો અને સગા સંબંધીઓએ રસ્તા પર ઉતરીને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિવારના જણાવ્યા અનુસાર, અનિલ નામનો યુવક છેલ્લા કેટલાક દિવસોથી પ્રેમ સંબંધના નામે નંદિનીનો પીછો કરતો હતો અને તેને સતત હેરાન કરી રહ્યો હતો, જ્યારે કૃષ્ણા નામના અન્ય શખ્સે આ કામમાં તેને સાથ આપ્યો હતો. આ ત્રાસથી કંટાળીને જ નંદિનીએ આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કરી પરિવારે કડક કાર્યવાહીની માંગ કરી છે.

પંખાના હુક સાથે ચુન્ની બાંધીને આપઘાત કર્યો

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, શુક્રવારે સવારે નંદિનીએ પંખાના હુક સાથે ચુન્ની બાંધીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પિતાની ફરિયાદના આધારે પોલીસે શંકાસ્પદ મોતનો ગુનો નોંધીને શબને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપ્યું છે. સર્કલ ઇન્સ્પેક્ટર રઘુએ પુષ્ટિ કરી છે કે મૃતકનો મોબાઈલ ફોન જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે તથા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની કડીઓ ચકાસીને દોષિતો સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત