IPL 2027 / RR અને LSG વચ્ચે થઈ શકે છે એક મોટી ટ્રેડ ડીલ, મોહમ્મદ શમી અને સેમ કરન સહિતના ખેલાડીઓ ચર્ચામાં સામેલ

IPL 2027 મિની-ઓક્શન પહેલા ખેલાડીઓનું ટ્રેડિંગ ચાલુ છે. હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહના ટ્રેડ પછી વધુ એક મોટી ટ્રેડ ડીલ થઈ શકે છે. એવા અહેવાલો છે કે રાજસ્થાન રોયલ્સ (RR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) હાઈ-પ્રોફાઈલ મલ્ટિ-પ્લેયર ટ્રેડ માટે વાતચીત કરી રહ્યા છે. અહેવાલો સૂચવે છે કે RR અને LSG ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરન સહિત અન્ય ખેલાડીઓના ટ્રેડ પર ચર્ચા કરી રહ્યા છે. IPL 2027 ટ્રેડ વિન્ડો 16 ડિસેમ્બરના મિની-ઓક્શન પહેલા એક અઠવાડિયા સુધી ખુલ્લી રહેશે. તેથી, બંને ફ્રેન્ચાઇઝી આ ટ્રેડ શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા આતુર રહેશે.
મોહમ્મદ શમી અને સેમ કરનનો ટ્રેડ થઈ શકે છે
એક અહેવાલ મુજબ, મોહમ્મદ શમી અને સેમ કરન સાથે સંકળાયેલા સંભવિત મલ્ટિ-પ્લેયર ટ્રેડ અંગે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. આ અંગે સંકળાયેલા ખેલાડીઓ સાથે ચર્ચાઓ થઈ ચૂકી છે, જોકે પેપરવર્ક હજુ બાકી છે. જો આ ટ્રેડ ડીલ અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે, તો તેમાં ફક્ત એક જ ખેલાડીની અદલાબદલીનો સમાવેશ નહીં થાય, પરંતુ ઘણા ખેલાડીઓ ફ્રેન્ચાઈઝી બદલી શકે છે. એવું માનવામાં આવે છે કે LSG લેફ્ટ આર્મ સ્પિનર મણિમારન સિદ્ધાર્થ પણ આ સંભવિત ટ્રેડનો ભાગ બની શકે છે. આ કિસ્સામાં તે IPL 2027 પહેલા રાજસ્થાન રોયલ્સ સાથે જોડાઈ શકે છે. 28 વર્ષીય સિદ્ધાર્થને લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા 75 લાખ રૂપિયામાં સાઈન કરવામાં આવ્યો હતો. તેણે અત્યાર સુધી ટીમ માટે નવ મેચ રમી છે અને એટલી જ વિકેટો લીધી છે.
શમી અને કરન અગાઉ ટીમો બદલી ચૂક્યા છે
નોંધનીય છે કે મોહમ્મદ શમી અને સેમ કરન ગઈ સિઝન પહેલા પણ ટ્રેડ દ્વારા ટીમો બદલી ચૂક્યા છે. કરન ચેન્નાઈ સુપર કિંગ્સથી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો હતો. રવિન્દ્ર જાડેજા પણ આ ટ્રેડમાં રાજસ્થાન સાથે જોડાયો હતો, જ્યારે સંજુ સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયો હતો. જોકે, ઈજાને કારણે, કરન IPL 2026માં નહતો રમી શક્યો. દરમિયાન, શમી ગઈ સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદથી લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો હતો. જોકે, એવું લાગે છે કે શમી ફક્ત એક સિઝન પછી LSG છોડી શકે છે.
આ કારણે લખનૌમાં જઈ શકે છે સેમ કરન
ચેન્નાઈ સુપર કિંગ્સે સેમ કરનને 2.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને બાદમાં તેને રાજસ્થાન રોયલ્સમાં તે જ કિંમતે વેચ્યો. હવે કરન સંભવિત ટ્રેડના ભાગ રૂપે નવી ફીની માંગ કરી રહ્યો છે. આ બંને ફ્રેન્ચાઈઝી વચ્ચે વાટાઘાટોમાં વિલંબનું એક કારણ માનવામાં આવે છે. વધુમાં, કરનના લખનૌ સુપર જાયન્ટ્સના ક્રિકેટ ડિરેક્ટર ટોમ મૂડી સાથે સારા સંબંધો છે. બંનેએ ઓવલ ઇન્વિન્સિબલ્સ અને ડેઝર્ટ વાઇપર્સ સાથે કામ કર્યું છે.
યશસ્વી જયસ્વાલના ટ્રેડ પર કોઈ સહમતિ નથી
યશસ્વી જયસ્વાલ અંગે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ચર્ચા થઈ છે. જોકે, અહેવાલ મુજબ, આ બાબતે હજુ સુધી કોઈ નક્કર કરાર નથી થયો. અહેવાલ મુજબ, રાજસ્થાને ડીલમાં બીજા ભારતીય ફાસ્ટ બોલરને સામેલ કરવાની માંગ કરી હતી, પરંતુ લખનૌએ આ ઓફર નહતી સ્વીકારી. જોકે, જો રાજસ્થાન જયસ્વાલને ટ્રેડ કરવાનું નક્કી કરે છે, તો તેની પાસે અન્ય વિકલ્પો છે. ઘણી ફ્રેન્ચાઈઝીઓએ આ યુવા ઓપનિંગ બેટ્સમેનમાં રસ દાખવ્યો છે.







