Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : 6 big reasons behind India's humiliating defeat against Ireland

આયર્લેન્ડ સામે ભારતની શરમજનક હાર પાછળના 6 મોટા કારણો, ખેલાડીથી મેનેજમેન્ટ સુધી દરેકનો દોષ

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2026
લાઇવ ટીવીGoogle News
આયર્લેન્ડ સામે ભારતની શરમજનક હાર પાછળના 6 મોટા કારણો, ખેલાડીથી મેનેજમેન્ટ સુધી દરેકનો દોષ
સોર્સ : gstv

આયર્લેન્ડ સામે મળેલી કારમી હાર બાદ ભારતીય ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. 15 વર્ષીય યુવા સનસનાટી વૈભવ સૂર્યવંશીનું ડેબ્યુ ન થવું એ સોશિયલ મીડિયા પર અત્યારે સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે. સવાલ પણ વાજબી છે કે, જે ખેલાડીએ ઘરેલુ અને જુનિયર ક્રિકેટમાં રેકોર્ડની ઝડી લગાવી દીધી હોય, તેને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આટલો વિલંબ કેમ?

App Store

જોકે શું ખરેખર ભારતીય ટીમ માત્ર એટલા માટે હારી ગઈ કે વૈભવને તક ન મળી? જવાબ છે - ના. જો આખી હારનો દોષ માત્ર એક ખેલાડીની પસંદગી પર ઢોળી દેવામાં આવે, તો આપણે એ મોટી તસવીર જોવાનું ચૂકી જઈશું, જે આયર્લેન્ડે બે મેચમાં આખી દુનિયા સામે સ્પષ્ટ કરી દીધી છે. ટીમની સમસ્યાઓ માત્ર એક ખેલાડી સુધી સીમિત નથી, પરંતુ પસંદગીથી લઈને વ્યૂહરચના સુધી ફેલાયેલી છે.

ભારતની આ શરમજનક હાર પાછળના 6 મુખ્ય કારણો પર એક નજર કરીએ

અનિશ્ચિત ટીમ કોમ્બિનેશન: પ્રયોગશાળા બની ગયેલી ટીમ

સિરીઝ શરૂ થઈ ત્યારથી જ પ્લેઈંગ ઈલેવનને લઈને અસમંજસની સ્થિતિ હતી. કેપ્ટનની ભૂમિકાથી લઈને ઓપનિંગ જોડી સુધી કશું જ નક્કી નહોતું. સતત પ્રયોગો ભવિષ્ય માટે ભલે સારા ગણાતા હોય, પરંતુ દરેક આંતરરાષ્ટ્રીય સિરીઝને પ્રયોગશાળા બનાવી દેવી જોખમી સાબિત થઈ શકે છે. ટીમ જ્યારે પોતે જ પોતાની સર્વશ્રેષ્ઠ ઈલેવન નક્કી ન કરી શકે, ત્યારે મેદાન પર તેનું નકારાત્મક પરિણામ દેખાવું સ્વાભાવિક છે.

પાવરપ્લેમાં જ ફ્લોપ: ખરાબ શરૂઆત, નબળો અંત

T20 ક્રિકેટમાં પ્રથમ 6 ઓવર એટલે કે પાવરપ્લે મેચની દિશા નક્કી કરે છે. ભારતીય ઓપનર્સ સતત એવી મજબૂત શરૂઆત આપવામાં નિષ્ફળ રહ્યા છે જેની ટીમને જરૂર હતી. પાવરપ્લેમાં શરૂઆત બગડવાના કારણે મિડલ ઓર્ડર ભારે દબાણમાં આવી ગયો અને આક્રમક ક્રિકેટ રમવાના બદલે માત્ર વિકેટ બચાવવાની કવાયતમાં જ આખી ઈનિંગ્સ વિખેરાઈ ગઈ.

બુમરાહ પર અતિ-નિર્ભરતા: વિકલ્પ ક્યાં છે?

જસપ્રીત બુમરાહનો વર્કલોડ મેનેજ કરવો એ યોગ્ય નિર્ણય છે, પરંતુ તેની ગેરહાજરીમાં જવાબદારી સંભાળી શકે તેવો કોઈ ધારદાર વિકલ્પ ભારત પાસે દેખાતો નથી. મોહમ્મદ સિરાજ પણ T20 યોજનાઓમાંથી બહાર ફેંકાઈ ગયો હોય તેવું લાગે છે. પરિણામે આયર્લેન્ડ સામે ભારત પાસે ન તો નવો બોલ સ્વિંગ કરનાર બોલર હતો કે ન ડેથ ઓવર્સનો કોઈ સ્પેશિયાલિસ્ટ. શું ભારતીય ટીમે બેકઅપ તૈયાર કરવાના બદલે માત્ર બુમરાહ ભરોસે રહેવાનું જ શીખી લીધું છે?

મિડલ ઓર્ડરની પોલ ખૂલી: માત્ર ફ્લેટ પિચના જ બાદશાહ?

ભારતીય બેટિંગની કરોડરજ્જુ ગણાતો મિડલ ઓર્ડર પિચમાં થોડો પણ બદલાવ આવતા જ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો. જ્યાં બોલ થોડો રોકાઈને આવ્યો કે સીમ મૂવમેન્ટ મળી, ત્યાં આપણા મોટા-મોટા હિટર્સ રન માટે વલખાં મારતા દેખાયા. અગાઉ T20 વર્લ્ડ કપમાં અમેરિકા, નામીબિયા અને નેધરલેન્ડ્સ જેવી ટીમો સામે પણ આ ખામી જોવા મળી હતી, પરંતુ ત્યારે ભારત બચી ગયું હતું, આ વખતે આયર્લેન્ડે કોઈ મોકો આપ્યો નહીં.

IPLનો સ્ટ્રાઈક રેટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ઉકેલ નથી

IPLની ફ્લેટ પિચો પર 200ના સ્ટ્રાઈક રેટથી રન બનાવવા અને ઇન્ટરનેશનલ ક્રિકેટની પડકારજનક પિચો પર ટકી રહેવું એ બંને અલગ બાબત છે. દરેક IPL સ્ટાર આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ થશે જ તેની કોઈ ગેરંટી નથી. ભારતના ઘણા બેટ્સમેનો હજુ પણ આ માનસિક બદલાવ માટે તૈયાર દેખાતા નથી. અહીં માત્ર મોટા શોટ્સની નહીં, પરંતુ મેચની સ્થિતિ સમજીને રમવાની જરૂર છે.

સ્પેશિયાલિસ્ટ સ્પિનરની ગેરહાજરી

ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર સ્પિનર્સની કોઈ કમી નથી, પરંતુ મિડલ ઓવર્સમાં મેચનું પાસું પલટી શકે તેવો કોઈ જેન્યુઈન વિકેટ-ટેકિંગ સ્પિનર ટીમ પાસે નથી. જ્યારે ફાસ્ટ બોલર્સ રન રોકવામાં નિષ્ફળ રહ્યા, ત્યારે સ્પિન વિભાગ પણ આયર્લેન્ડના બેટ્સમેનો પર અંકુશ લગાવી શક્યો નહીં. T20 ફોર્મેટમાં મધ્ય ઓવર્સમાં વિકેટ ઝડપવી અનિવાર્ય છે અને અત્યારે ભારતનું આ જ હથિયાર સૌથી નબળું સાબિત થઈ રહ્યું છે.

મુખ્ય વાત: વૈભવ સૂર્યવંશીને તક મળવી જોઈતી હતી કે નહીં, તે ચર્ચા ચાલતી રહેશે. સંભવ છે કે તેના આવવાથી મેચનું પરિણામ બદલાઈ પણ ગયું હોત. પરંતુ, વાસ્તવિકતા એ છે કે આયર્લેન્ડે ભારતને માત્ર હરાવ્યું નથી, પરંતુ અરીસો બતાવ્યો છે. જો ભારતીય ટીમે વૈશ્વિક સ્તરે નંબર-1ના સ્થાને ટકી રહેવું હશે, તો માત્ર નવા ચહેરાઓ બદલવાથી કામ નહીં ચાલે, જૂની વિચારસરણી અને રણનીતિ પણ બદલવી પડશે. કારણ કે આગામી સમયમાં સામે ઓસ્ટ્રેલિયા કે ઈંગ્લેન્ડ જેવી ટીમો હશે, જ્યાં આવી ભૂલોની કિંમત બહુ ભારે પડશે.