T20 વર્લ્ડ કપમાં 43 વર્ષના ખેલાડીએ રચ્યો ઈતિહાસ, બોલિંગમાં કર્યું આ અદ્ભુત કારનામું
T20 વર્લ્ડ કપ 2024ની 9મી મેચ ગયાનાના મેદાન પર ગ્રુપ Cની બે ટીમો પાપુઆ ન્યુ ગિની અને યુગાન્ડા વચ્ચે રમાઈ

T20 વર્લ્ડ કપ 2024ની 9મી મેચ ગયાનાના મેદાન પર ગ્રુપ Cની બે ટીમો પાપુઆ ન્યુ ગિની અને યુગાન્ડા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં યુગાન્ડાની ટીમ 3 વિકેટે જીતી હતી પરંતુ બંને ટીમો તરફથી ખૂબ જ ખરાબ બેટિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું. પાપુઆ ન્યુ ગિનીએ પ્રથમ ઈનિંગમાં 19.1 ઓવરમાં માત્ર 77 રન બનાવ્યા હતા, તો યુગાન્ડાએ આ ટાર્ગેટ 18.2 ઓવરમાં 7 વિકેટના નુકસાને હાંસલ કર્યો હતો. યુગાન્ડા માટે આ મેચમાં 43 વર્ષના લેફ્ટ આર્મ સ્પિનર ફ્રેન્ક નસુબુગાએ પોતાની 4 ઓવરમાં માત્ર 4 રન આપીને T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો.
આ વર્લ્ડ કપમાં યુગાન્ડાની ટીમનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી ફ્રેન્ક નસુબુગા હવે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઈકોનોમિકલ સ્પેલ ફેંકનાર ખેલાડી બની ગયો છે. PNG સામેની મેચમાં નસુબુગાએ 4 ઓવરમાં 4 રન આપ્યા અને 2 વિકેટ પણ લીધી હતી. નસુબુગા પહેલા આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાની ટીમના ફાસ્ટ બોલર એનરિક નોરખિયાના નામે હતો, જેણે આ જ વર્લ્ડ કપમાં શ્રીલંકા સામેની મેચમાં પોતાની 4 ઓવરમાં 4 વિકેટ લેવાની સાથે 7 રન આપ્યા હતા.
T20 વર્લ્ડ કપમાં 4 ઓવરના સ્પેલમાં સૌથી ઈકોનોમિકલ બોલર
- ફ્રેન્ક નસુબુગા – 4 રનમાં 2 વિકેટ vs પાપુઆ ન્યુ ગિની, 2024
- એનરિક નોરખિયા – 7 રનમાં 4 વિકેટ vs શ્રીલંકા, 2024
- અજંતા મેન્ડિસ – 8 રનમાં 6 વિકેટ vs ઝિમ્બાબ્વે, 2012
- મહમુદુલ્લાહ – 8 રનમાં 1 વિકેટ vs અફઘાનિસ્તાન, 2014
- વાનિન્દુ હસરંગા – 8 રનમાં 3 વિકેટ vs UAE, 2022






