26 વર્ષીય શુભમન ગિલ ODI કેપ્ટન બન્યો, આ સિદ્ધિ હાંસલ કર્યા બાદ તેનું પહેલું નિવેદન

ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમનો કેપ્ટન શુભમન ગિલ છે. ગઈ કાલે 4 ઓક્ટોબરે ગિલને વધુ એક મોટી જવાબદારી મળી, તેને ODI કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. આ પછી ગિલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું, જેમાં તેણે પોતાના ટાર્ગેટ જણાવ્યા હતા.
અમારું સૌથી મોટું ટાર્ગેટ ODI વર્લ્ડ કપ: ગિલ
ODI કેપ્ટનશીપની જવાબદારી મળ્યા પછી શુભમન ગિલે BCCI દ્વારા પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે, તેમનું સૌથી મોટું ટાર્ગેટ ODI વર્લ્ડ કપ છે. ગિલે કહ્યું હતુ કે, "દક્ષિણ આફ્રિકામાં યોજાનાર ODI વર્લ્ડ કપ પહેલા અમને લગભગ 20 મેચ રમવાની તક મળશે. આવામાં અમારા પ્રયત્નો દરેક સિરિઝને તે જ દિશામાં જોતા અમારી તૈયારીઓને ધ્યાને રાખતા રમવાની રહેવાની છે. ODIમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરવું મારા માટે સન્માનની વાત છે, અને મને આશા છે કે આ જવાબદારી સાથે હું દરેકની અપેક્ષાઓ પૂર્ણ કરી શકીશ."
ક્રિકેટમાં ભારતનું ભવિષ્ય શુભમન ગિલના હાથમાં
ભવિષ્યને ધ્યાને રાખતા રોહિત શર્માને પડતો મૂકી શુભમન ગિલને ODI કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જેમાં ભારતીય ટીમ 19 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ત્રણ મેચની ODI સિરિઝ ગિલના કેપ્ટન્સી હેઠળ રમશે. BCCI દ્વારા ઓસ્ટ્રેલિયા સામેની સિરિઝ માટે રોહિત શર્માને પણ 15 સભ્યોની ભારતીય ટીમમાં સામેલ કરાયો છે. વિરાટ કોહલી પણ આ સિરિઝ માટે ટીમનો ભાગ છે.
શું રોહિત અને વિરાટ 2027નો ODI વર્લ્ડ કપ રમશે?
2027ના વનડે વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી રમશે કે નહીં, આ અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી. આ વાતને ધ્યાનમાં રાખીને BCCIએ શુભમન ગિલને ટીમ ઈન્ડિયાના નવા વનડે કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો, જેથી તેમને વર્લ્ડ કપ પહેલા જવાબદારી માટે તૈયારી કરવાની પૂરતી તક મળે.
અજિત અગરકરે કહી આ વાત
મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે ગિલને નવા વનડે કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા પછી એક નિવેદનમાં કહ્યું હતું કે, ત્રણેય ફોર્મેટ માટે અલગ અલગ કેપ્ટન રાખવા વ્યવહારુ રૂપથી યોગ્ય નથી. અમે 2027ના વર્લ્ડ કપથી ફક્ત બે વર્ષ દૂર છીએ, અને અમે આ ફોર્મેટમાં ઘણી ઓછી મેચ રમી રહ્યા છીએ. હાલમાં અમારું ધ્યાન આગામી વર્ષના ટી20 વર્લ્ડ કપ પર છે. અમારે વનડે વર્લ્ડ કપ માટે પણ આયોજન શરૂ કરવાની જરૂર છે જેથી ખેલાડીઓને તૈયારી માટે પૂરતો સમય મળી શકે.

