Vastu Tips / ઘરમાં છોડ વાવતી વખતે વાસ્તુના આ નિયમોનું રાખો ધ્યાન: નક્ષત્ર, દિશા અને ગ્રહોનો જાણે પ્રભાવ

મોટાભાગના લોકો માટે ઘરમાં છોડ લગાવવા એ માત્ર ઘરની સુંદરતા વધારવાનું એક સાધન છે. જોકે વાસ્તુશાસ્ત્રમાં છોડને સકારાત્મક ઊર્જા, સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. યોગ્ય માહિતી કે નિયમોના પાલન વિના છોડ વાવવાથી ધાર્યું પરિણામ મળતું નથી, એટલું જ નહીં ઘણીવાર છોડ યોગ્ય રીતે ખીલી કે વિકાસ પામી શકતા નથી. વાસ્તુ અનુસાર વૃક્ષ અને છોડ લગાવતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, આવો જાણીએ.
શુભ નક્ષત્ર અને સમયનો પ્રભાવ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, સ્વાતિ, ઉત્તરા, હસ્ત, રોહિણી અને મૂળ નક્ષત્રમાં વાવેલા છોડનો વિકાસ ઝડપથી થાય છે. આ ઉપરાંત સુદ (શુક્લ પક્ષ)ની આઠમથી વદ (કૃષ્ણ પક્ષ)ની સાતમ સુધીનો સમયગાળો છોડ વાવવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. જ્યોતિષ અને વાસ્તુ નિષ્ણાતોના મતે વ્યક્તિના જન્મ નક્ષત્ર અનુસાર વૃક્ષ કે છોડ વાવવાથી વિશેષ શુભ ફળ મળે છે.
વાસ્તુ નિયમોની અવગણનાથી થાય છે નુકસાન
જો તમારી બાલ્કની કે બગીચામાં વાવેલા છોડ વારંવાર સુકાઈ જતા હોય કે તેમનો વિકાસ અટકી જતો હોય, તો તેનું મુખ્ય કારણ ખોટી દિશા, અયોગ્ય સમય કે કાળજીનો અભાવ હોઈ શકે છે.
પ્રવેશદ્વાર સામે વૃક્ષ
ઘરના મુખ્ય પ્રવેશદ્વારની બરાબર સામે મોટું વૃક્ષ વાવવું અશુભ માનવામાં આવે છે, કારણ કે તેનાથી ઊર્જાના પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે. મોટા વૃક્ષ હંમેશાં મુખ્ય દરવાજાની ઊંચાઈ કરતાં ઓછામાં ઓછા ત્રણ ગણા અંતરે વાવવા જોઈએ.
વૃક્ષનો પડછાયો
સવારે 9:00થી બપોરે 3:00 વાગ્યા દરમિયાન ઘર પર કોઈ મોટા વૃક્ષનો ભારે પડછાયો પડે તે વાસ્તુ અનુસાર અયોગ્ય છે. તેનાથી ઘરનું ઊર્જા સંતુલન ખોરવાય છે અને વાતાવરણ ભારે બની જાય છે.
વૃક્ષ કાપવા કે સ્થળાંતર કરવા અંગેના નિયમો
વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષ કાપવા કે તેનું સ્થળાંતર કરવું અત્યંત સંવેદનશીલ બાબત ગણાય છે. જો કોઈ અનિવાર્ય કારણોસર વૃક્ષ કાપવું પડે, તો તેના માટે મહા (માઘ) અથવા ભાદરવો (ભાદ્રપદ) મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સિવાય નિયમ મુજબ વૃક્ષ દૂર કર્યાના ત્રણ મહિનાની અંદર તે જ જગ્યાએ અથવા નજીકમાં નવું વૃક્ષ વાવવું અનિવાર્ય છે.
ગ્રહો અને વનસ્પતિ વચ્ચેનો સંબંધ વાસ્તુશાસ્ત્રમાં દરેક ગ્રહને ચોક્કસ પ્રકારના વૃક્ષ-છોડ સાથે સાંકળવામાં આવ્યા છે:
સૂર્ય: મજબૂત થડ અને દાંડી ધરાવતા વૃક્ષો (જેમ કે શીશમ).
ચંદ્ર અને શુક્ર: સુંદર વેલાઓ અને દૂધિયા રસ ધરાવતા છોડ.
ગુરુ: મીઠા અને પૌષ્ટિક ફળ આપતા વૃક્ષો.
બુધ: લીલાછમ, ઘટાદાર અને ફળ વિનાના શો-પ્લાન્ટ્સ.
શનિ: સૂકા, નબળા અને ઓછા પાણીવાળા છોડ.
રાહુ અને કેતુ: કાંટાવાળા અને અસામાન્ય આકાર ધરાવતા છોડ.

