Vastu Tips / ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવશે જેડ પ્લાન્ટ, જાણો કઈ દિશામાં રાખવો સૌથી વધુ શુભ

આજકાલ ઘરો અને ઓફિસોમાં જેડ પ્લાન્ટ (ક્રાસુલા) લગાવવાનું ચલણ ઘણું વધી ગયું છે. આ છોડ દેખાવમાં અત્યંત આકર્ષક હોવાની સાથે તેની જાળવણી પણ ખૂબ સરળ છે. વાસ્તુશાસ્ત્રમાં જેડ પ્લાન્ટને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.
આ જ કારણથી લોકો તેને "મની મેગ્નેટ પ્લાન્ટ" તરીકે પણ ઓળખે છે. માન્યતા છે કે જો તેને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તે વેપાર-ધંધા અને નોકરીમાં પ્રગતિના નવા માર્ગ ખોલે છે. આવો જાણીએ જેડ પ્લાન્ટ રાખવા માટેની યોગ્ય વાસ્તુ દિશા અને તેના નિયમો વિશે.
જેડ પ્લાન્ટ કઈ દિશામાં રાખવો શુભ?
ઉત્તર દિશા (ધનની વૃદ્ધિ માટે):
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘર કે ઓફિસની ઉત્તર દિશા ધનના દેવતા કુબેર સાથે સંકળાયેલી છે. તેથી આ દિશામાં જેડ પ્લાન્ટ મૂકવાથી આર્થિક ઉન્નતિ થાય છે અને આવકના નવા સ્ત્રોત ઊભા થાય છે. ધ્યાન રાખો કે છોડને એવી જગ્યાએ મૂકવો જ્યાં પૂરતો કુદરતી પ્રકાશ આવતો હોય અને તેના પાંદડા પર ધૂળ જામવા ન દેવી.
પૂર્વ દિશા (કારકિર્દી અને સકારાત્મકતા માટે):
જો તમે વ્યવસાય કે નોકરીમાં પ્રગતિ ઈચ્છતા હોવ તો પૂર્વ દિશા ઉત્તમ ગણાય છે. વાસ્તુમાં પૂર્વ દિશા ઊર્જા અને વૃદ્ધિની સૂચક છે. આ દિશામાં રાખેલો લીલોછમ અને સ્વસ્થ છોડ કાર્યસ્થળ તથા ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે.
ડ્રોઇંગ રૂમ અથવા લિવિંગ એરિયા (પારિવારિક સુખ-શાંતિ માટે):
ડ્રોઇંગ રૂમમાં જ્યાં પરિવારના સભ્યો વધુ સમય સાથે વિતાવતા હોય ત્યાં જેડ પ્લાન્ટ રાખવાથી પરિવારમાં પરસ્પર પ્રેમ, સુમેળ અને સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે.
જેડ પ્લાન્ટ ક્યાં ન રાખવો?
વાસ્તુશાસ્ત્ર અનુસાર જેડ પ્લાન્ટને ક્યારેય બેડરૂમ, બાથરૂમ, શૌચાલય કે રસોડામાં ન મૂકવો જોઈએ. આ ઉપરાંત, તેને સાવ અંધારાવાળી કે બંધ જગ્યાઓ પર રાખવાનું પણ ટાળવું જોઈએ.
છોડની યોગ્ય કાળજી પણ જરૂરી
માત્ર યોગ્ય દિશા પૂરતી નથી, પરંતુ છોડની યોગ્ય દેખરેખ પણ એટલી જ જરૂરી છે. જેડ પ્લાન્ટ સુકાઈ ન જાય અને સતત લીલોછમ રહે તે બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે સ્વસ્થ અને ખીલેલો છોડ જ ઘરમાં સકારાત્મક વાતાવરણ અને જીવંતતા જાળવી રાખે છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

