Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Seventh Vrat 2026: Know the correct date, auspicious Muhurat, Puja rituals and significance

સંતાન સપ્તમી વ્રત 2026: જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સંતાન સપ્તમી વ્રત 2026: જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ
સોર્સ : gstv

હિન્દુ ધર્મમાં સપ્તમી તિથિનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ તિથિ સાથે અનેક વ્રત અને પર્વો જોડાયેલાં છે, જે પૈકીનું એક અત્યંત પુણ્યશાળી વ્રત એટલે 'સંતાન સપ્તમી'. આ વ્રત દર વર્ષે ભાદરવા સુદ સાતમના દિવસે કરવામાં આવે છે.

App Store

નામ સૂચવે છે તેમ, સંતાન સપ્તમીનું વ્રત સંતાનપ્રાપ્તિ, સંતાનના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખ-સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે. ખાસ કરીને માતાઓ પોતાના બાળકોના કલ્યાણ અર્થે આ દિવસે નિર્જળા અથવા એકટાણું રહીને ઉપવાસ રાખે છે. આ વર્ષે તિથિના સમયને લઈને લોકોમાં થોડી મૂંઝવણ જોવા મળી રહી છે, તો ચાલો જાણીએ સંતાન સપ્તમીની સાચી તારીખ, શુભ મુહૂર્ત અને વિધિ.

સંતાન સપ્તમી 2026ની સાચી તારીખ

દ્રિક પંચાંગ અનુસાર, ભાદરવા મહિનાના શુક્લ પક્ષની સપ્તમી તિથિની શરૂઆત 17 સપ્ટેમ્બરના રોજ સવારે 10:48 વાગ્યે થશે અને તેનું સમાપન 18 સપ્ટેમ્બરના રોજ બપોરે 01:01 વાગ્યે થશે. હિન્દુ સનાતન પરંપરામાં ઉદયાતિથિનું મહત્વ સર્વોપરી હોવાથી, સંતાન સપ્તમીનું વ્રત 18 સપ્ટેમ્બર 2026, શુક્રવારના રોજ જ રાખવામાં આવશે.

પૂજા માટેના શુભ મુહૂર્ત

  • સવારનું શુભ મુહૂર્ત: સવારે 07:45 થી 09:18 વાગ્યા સુધી

  • અભિજિત મુહૂર્ત: સવારે 11:51 થી બપોરે 12:40 વાગ્યા સુધી (આ સમયગાળામાં પૂજા કરવી શ્રેષ્ઠ અને ફળદાયી માનવામાં આવે છે)

કયા દેવતાની પૂજા થાય છે?

સંતાન સપ્તમીના પાવન દિવસે દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવે છે. શિવ-પાર્વતીની કૃપાથી સંતાન પર આવતી તમામ મુશ્કેલીઓ અને બાધાઓ દૂર થાય છે એવી માન્યતા છે.

પૂજામાં '7'ના અંકનું વિશેષ મહત્વ

આ વ્રતમાં 'સાત'ના અંકનું ખાસ મહત્વ રહેલું છે:

પૂજા દરમિયાન કાચા સૂતરના દોરામાં 7 ગાંઠો લગાવીને તેને હળદર કે કેસરમાં રંગવામાં આવે છે.

ત્યારબાદ તેને શિવ-પાર્વતી સમક્ષ અર્પણ કરી પૂજા કરવામાં આવે છે.

પૂજા સંપન્ન થયા પછી માતા આ રક્ષાસૂત્રને પોતાના કાંડા પર બાંધે છે.

પૂજા વિધિ

સવારે વહેલા ઊઠી, સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાં અને સંતાનના સુખ માટે વ્રતનો સંકલ્પ લેવો.

પૂજા સ્થાન પર બાજોઠ મૂકી તેના પર લાલ કે સફેદ વસ્ત્ર પાથરવું અને ગંગાજળ છાંટી પવિત્ર કરવું.

બાજોઠ પર ભગવાન શિવ અને માતા પાર્વતીની પ્રતિમા કે તસવીર સ્થાપિત કરવી.

હળદરથી રંગેલું 7 ગાંઠવાળું રક્ષાસૂત્ર દેવતા સમક્ષ મૂકવું.

ભગવાનને ચંદન, કંકુ, અક્ષત, પુષ્પ, બીલીપત્ર અને નૈવેદ્ય અર્પણ કરી ઘીનો દીવો પ્રગટાવવો.

ભોગ અને પારણાંના નિયમો

આ દિવસે મહાદેવ અને માતા પાર્વતીને ગોળ અને ઘઉંના લોટમાંથી શુદ્ધ ઘીમાં તળેલી 7 મીઠી પૂરીઓ (પૂઆ) નો ભોગ ધરાવવામાં આવે છે. સાથે પંચમેવા અને મોસમી ફળો પણ અર્પણ કરવામાં આવે છે. આરતી કર્યા બાદ તેમાંથી 7 પૂરીઓ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ કે બ્રાહ્મણને દાન કરવી જોઈએ અને ત્યારબાદ જ પ્રસાદ ગ્રહણ કરીને વ્રતના પારણાં કરવામાં આવે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.