Religion: ભગવાન પરશુરામે પિતાના આદેશથી કેમ કર્યું હતું માતા રેણુકાનું શિરચ્છેદ? જાણો આ હૃદયસ્પર્શી કથા

ભગવાન પરશુરામને શૌર્ય અને વીરતાના પ્રતીક માનવામાં આવે છે. તેમણે હંમેશાં ધર્મના રક્ષણ કાજે જ શસ્ત્ર ઉઠાવ્યા હતા અને તેમના ક્રોધથી દેવ-દાનવ સૌ કોઈ ધ્રૂજતા હતા. પરંતુ શું તમે જાણો છો કે પિતૃભક્ત ભગવાન પરશુરામે પોતાના પિતા ઋષિ જમદગ્નિના આદેશનું પાલન કરવા માટે પોતાની જ માતા રેણુકાનું શિરચ્છેદ કરી દીધું હતું?
આ પૌરાણિક કથા માત્ર એક કઠોર નિર્ણયની નથી, પરંતુ પિતૃભક્તિ, ધર્મ અને પશ્ચાતાપના ઊંડા બોધપાઠ સાથે જોડાયેલી છે. આવો, જાણીએ આ હૃદયસ્પર્શી ઘટના વિશે વિગતે.
ઘટના અને પિતાનો આદેશ
ભગવાન પરશુરામ પોતાના માતા-પિતાના પરમ ભક્ત હતા. તેમની માતા રેણુકા અત્યંત પવિત્ર, પતિવ્રતા અને તેજસ્વી સ્ત્રી હતાં. એક દિવસ નદીએથી જળ ભરીને પરત ફરતી વખતે, તેમણે એક ગંધર્વ રાજવી યુગલને પ્રેમમગ્ન જોયા, જેના કારણે ક્ષણભર માટે તેમના મનમાં મોહ ઉત્પન્ન થયો.
ત્રિકાળજ્ઞાની તપસ્વી ઋષિ જમદગ્નિને પોતાના તપોબળથી આ ક્ષણિક ‘માનસિક વિચલન’ની જાણ થઈ ગઈ. તેમણે આ ક્ષતિને પાપ ગણાવીને પોતાના પુત્રોને માતાનું શિરચ્છેદ કરવાનો આદેશ આપ્યો.
પિતૃઆજ્ઞાનું પાલન અને બુદ્ધિમત્તા
પિતાના આ કઠોર આદેશનો અસ્વીકાર કરવા બદલ ઋષિ જમદગ્નિએ પોતાના મોટા ચાર પુત્રો (રુકમવાન, સુહોત્ર, વસુ અને વિશ્વાવસુ)ને ચેતનાહીન થવાનો શ્રાપ આપી દીધો. પરંતુ જ્યારે પરશુરામનો વારો આવ્યો, ત્યારે તેમણે પિતૃઆજ્ઞાને સર્વોપરી માનીને માતાનું શિરચ્છેદ કરી દીધું.
પરશુરામની આ અપ્રતિમ પિતૃભક્તિથી પ્રસન્ન થઈને ઋષિ જમદગ્નિએ તેમને વરદાન માગવા કહ્યું. ત્યારે પરશુરામે અત્યંત ચતુરતા અને ભક્તિપૂર્વક વરદાન માગ્યું: "હે પિતાજી, મારી માતા પુનર્જીવિત થઈ જાય, મારા ભાઈઓ પુનઃ ચેતના મેળવે અને કોઈના મનમાં આ ઘટનાની સ્મૃતિ ન રહે." ઋષિએ વરદાન આપ્યું અને માતા રેણુકા સશરીર જીવંત થઈ ઊઠ્યા.
માતૃહત્યાના પાપમાંથી મુક્તિ અને તપસ્યા
પિતાની આજ્ઞાનું પાલન કર્યું હોવા છતાં, માતા પર શસ્ત્ર ઉઠાવવાના કારણે પરશુરામના મનમાં ઊંડો પશ્ચાતાપ હતો. આ પાપના પ્રાયશ્ચિત રૂપે તેમણે મહાદેવની શરણ લીધી અને કઠોર તપસ્યા કરી.
માનસિંદ્ધાંતો અને પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગવાન પરશુરામે માતૃહત્યાના પાપમાંથી મુક્ત થવા અને શિવજીને પ્રસન્ન કરવા માટે દેશના વિવિધ પવિત્ર સ્થળોએ તપસ્યા કરી હતી. જેમાં અરુણાચલ પ્રદેશ સ્થિત 'પરશુરામ કુંડ', મધ્યપ્રદેશનું 'જનાપાવ' અને હિમાચલ પ્રદેશનું 'રેણુકા તીર્થ' મુખ્ય તીર્થસ્થળો તરીકે આજે પણ પૂજનીય છે.

