પિતૃપક્ષ અને ગરુડ પુરાણ: જો પુત્ર ન હોય તો શ્રાદ્ધ કોણ કરી શકે? જાણો શું કહે છે ધાર્મિક શાસ્ત્રો

સનાતન ધર્મ અને ગરુડ પુરાણ અનુસાર, પૂર્વજોના ઋણમાંથી મુક્તિ મેળવવા અને પિતૃઓના આત્માની શાંતિ તેમજ સંતોષ માટે શ્રાદ્ધ વિધિ અત્યંત આવશ્યક માનવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રોમાં પરિવારના જ્યેષ્ઠ પુત્ર (મોટા પુત્ર)ને પિતા તથા માતા માટે શ્રાદ્ધ અને પિંડદાન કરવાનો પ્રથમ અધિકાર આપવામાં આવ્યો છે.
જો પુત્ર ન હોય તો શું પુત્રી શ્રાદ્ધ કરી શકે?
ગરુડ પુરાણ અને પરંપરાગત ધાર્મિક ગ્રંથો મુજબ, માતા-પિતાના મોક્ષ અને સદ્ગતિ માટે પિંડદાન કરવાનો મુખ્ય અધિકાર પુત્રને જ સોંપાયો છે. શાસ્ત્રોક્ત પરંપરા અનુસાર સામાન્ય સંજોગોમાં પુત્રી દ્વારા કરવામાં આવતી શ્રાદ્ધ વિધિને મુખ્ય વિધિ તરીકે સ્વીકારવામાં આવતી નથી. જોકે, આધુનિક સમયમાં ભાવનાત્મક સંતોષ માટે ઘણી પુત્રીઓ તર્પણ કરે છે, પરંતુ શાસ્ત્રોક્ત નિયમોમાં અન્ય વિકલ્પોને પ્રાથમિકતા અપાઈ છે.
પુત્રની ગેરહાજરીમાં શ્રાદ્ધ કરવાનો અધિકાર કોને છે?
ગરુડ પુરાણ અને ધર્મસિંધુ અનુસાર, જો કોઈ વ્યક્તિને પુત્ર ન હોય તો શ્રાદ્ધ નીચે મુજબના ક્રમમાં થઈ શકે છે:
પત્ની: જો મૃતકનો કોઈ પુત્ર કે પૌત્ર ન હોય, તો પત્ની પોતાના પતિ માટે શ્રાદ્ધ વિધિ કરી શકે છે.
પૌત્ર કે પ્રપૌત્ર: પુત્ર ન હોય અથવા તેની ગેરહાજરી હોય તો પૌત્ર (દીકરાનો દીકરો) શ્રાદ્ધ કરી શકે છે.
દૌહિત્ર (દીકરીનો દીકરો): જો માત્ર દીકરી જ હોય, તો દીકરીનો પુત્ર (દોહિત્ર/ભાણેજ) પોતાના નાના-નાની માટે શ્રાદ્ધ અને તર્પણ કરી શકે છે, જે શાસ્ત્રસંમત અને પૂર્ણપણે સ્વીકાર્ય છે.
ગોત્રજ અથવા પૂજારી: જો પરિવારમાં કોઈ પુરુષ વારસદાર ન હોય, તો સગો ભાઈ, ભત્રીજો અથવા છેવટે વિધિ-વિધાન અનુસાર બ્રાહ્મણ/પૂજારી દ્વારા શ્રાદ્ધ સંપન્ન કરાવી શકાય છે.
હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ શા માટે જરૂરી છે?
પિતૃઋણમાંથી મુક્તિ: શ્રાદ્ધ અને તર્પણ એ પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા અને શ્રદ્ધા વ્યક્ત કરવાનું માધ્યમ છે.
પિતૃદોષનું નિવારણ: શાસ્ત્રો મુજબ, શ્રાદ્ધ ન કરવાથી પિતૃદોષ લાગે છે, જે પરિવારમાં પ્રગતિ અટકાવે છે અને કૌટુંબિક સમસ્યાઓ ઊભી કરે છે.
પિતૃકૃપા અને શાંતિ: પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ વિધિ કરવાથી પૂર્વજોના આત્માને મોક્ષ મળે છે અને પરિવાર પર પિતૃઓના આશીર્વાદ કાયમ રહે છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

