Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Lord Ganesha is called the first worshipped and the remover of obstacles.

VIDEO : Religion/ આખરે ભગવાન ગણેશને દૂર્વા કેમ ચઢાવવામાં આવે છે? જાણો આ પાછળની પૌરાણિક કથા

Timeછેલ્લું અપડેટ : 03 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય અને વિઘ્નહર્તા દેવ કહેવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત તેમની પૂજાથી કરવામાં આવે છે. ગણેશજીને મોદક, લાડુ, સિંદૂર અને લાલ ફૂલ અર્પણ કરવાની પરંપરા તો પ્રચલિત છે, પરંતુ દૂર્વા (ધરો) ઘાસનું મહત્વ આ બધામાં વિશેષ માનવામાં આવ્યું છે. ગણેશજીને દૂર્વા અર્પણ કરવાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ જ કારણ છે કે ગણેશ પૂજામાં દૂર્વાનું વિશેષ સ્થાન છે, જેની પાછળ એક રસપ્રદ પૌરાણિક કથા જોડાયેલી છે.

App Store

પૌરાણિક કથા

પૌરાણિક કથાઓ અનુસાર, અનલાસુર નામનો એક અત્યંત શક્તિશાળી દૈત્ય (રાક્ષસ) હતો. તે પોતાના બળના અહંકારમાં એટલો ડૂબી ગયો હતો કે ઋષિ-મુનિઓ, દેવતાઓ અને સામાન્ય લોકોને હેરાન કરવા લાગ્યો હતો. એવું કહેવાય છે કે તે મનુષ્યોને જીવતા જ ગળી જતો હતો. તેના અત્યાચારોથી આખો સંસાર ભયભીત થઈ ગયો હતો અને દેવતાઓને પણ તેનાથી મુક્તિનો કોઈ ઉપાય દેખાતો નહોતો.

જ્યારે અનલાસુરનો આતંક ખૂબ વધી ગયો, ત્યારે બધા દેવતાઓ અને ઋષિઓ ભગવાન શિવના શરણમાં પહોંચ્યા હતાં. તેમણે ભગવાન શિવને સંસારની રક્ષા કરવા માટે પ્રાર્થના કરી હતી. ત્યારે ભગવાન શિવે પોતાના પુત્ર ગણેશજીને આ દૈત્યનો અંત કરવાનો આદેશ આપ્યો હતો.

ભગવાન ગણેશ અનલાસુરની સામે પહોંચ્યા અને બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. અંતમાં ગણેશજીએ તે દૈત્યને જ ગળી લીધો હતો. દૈત્યનો અંત તો થઈ ગયો, પરંતુ તેના શરીરમાં રહેલી અગ્નિ અને તેજના કારણે ગણેશજીના પેટમાં અસહ્ય બળતરા થવા લાગી હતી. દેવતાઓ અને ઋષિઓ આ સમસ્યાનો ઉકેલ શોધવા લાગ્યા, પરંતુ કોઈ ઉપાય સફળ થયો નહીં.

ત્યારે જ મહર્ષિ કશ્યપે ગણેશજીને 21 દૂર્વા (ધરો) અર્પણ કરી. દૂર્વાની શીતળતાથી ગણેશજીના પેટની બળતરા શાંત થઈ ગઈ હતી. આ ઘટના પછી ગણેશજીએ દૂર્વાને પોતાના પ્રિય અર્પણ તરીકે સ્વીકારી લીધી. ત્યારથી જ તેમને દૂર્વા ચઢાવવાની પરંપરા ચાલી આવે છે અને તેને અત્યંત શુભ માનવામાં આવે છે.

ભગવાન ગણેશને દૂર્વા ચઢાવવાના નિયમો

ગણેશજી માટે 21 દૂર્વાને એકસાથે જોડીને 11 જોડી તૈયાર કરવામાં આવે છે.

આ 11 જોડીને ભગવાન ગણેશના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે.

દૂર્વા કોઈ સ્વચ્છ અને પવિત્ર જગ્યાએ, જેમ કે મંદિરના બગીચામાં કે ચોખ્ખી જમીન પર ઉગેલી હોવી જોઈએ.

ભગવાનને અર્પણ કરતાં પહેલાં દૂર્વાને સ્વચ્છ પાણીથી ધોઈ લેવી જોઈએ.

દૂર્વા ચઢાવતી વખતે ગણેશજીના વિશેષ મંત્રોનો જાપ કરવો શુભ માનવામાં આવે છે.

કેટલાક વિશેષ મંત્રો:

ૐ ગં ગણપતયે નમઃ, ૐ ગણાધિપાય નમઃ, ૐ ઉમાપુત્રાય નમઃ, ૐ વિઘ્નનાશનાય નમઃ, ૐ વિનાયકાય નમઃ, ૐ ઈશપુત્રાય નમઃ, ૐ સર્વસિદ્ધિપ્રદાય નમઃ, ૐ એકદન્તાય નમઃ, ૐ ઇભવક્ત્રાય નમઃ, ૐ મૂષકવાહનાય નમઃ, ૐ કુમારગુરવે નમઃ.

દૂર્વાના વિશેષ ઉપાયો:

ઉપાય 1: ધન અને મનોકામના પૂર્તિ માટે

ગણેશ ચતુર્થીના દિવસે મૂર્તિ સ્થાપના કર્યા પછી, 21 દૂર્વા મૂળ (જડ) સાથે લઈને ભગવાન ગણેશની મૂર્તિ નીચે રાખો. ત્યારબાદ "ૐ શ્રી ગણેશાય નમઃ" મંત્રની એક માળાનો જાપ કરો. દસ દિવસ સુધી દરરોજ આ મંત્રનો જાપ કરો. દસમા દિવસે ગણેશ વિસર્જન પછી, તે દૂર્વાને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો. આનાથી ધનની અછત દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ઉપાય 2: ધન લાભ અને દેવામાંથી મુક્તિ માટે

કોઈપણ બુધવારે અથવા શુભ મુહૂર્તમાં ૫ દૂર્વા લઈને તેમાં 11 ગાંઠો મારો અને ભગવાન ગણેશ તેમજ માતા લક્ષ્મીને અર્પણ કરો. દૂર્વા ચઢાવતી વખતે "શ્રી ગણેશાય નમઃ દૂર્વાંકુરણ સમર્પયામિ" મંત્રનો જાપ કરો. ત્યારબાદ ઋણહર્તા ગણેશ સ્તોત્રનો પાઠ કરો. આ ઉપાય આર્થિક મુશ્કેલીઓને દૂર કરવા અને ધન લાભના માર્ગ ખોલવામાં મદદરૂપ માનવામાં આવે છે.

ઉપાય ૩: ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે

ઘરની પૂર્વ દિશામાં માટીના કુંડામાં દૂર્વા વાવો. રોજ ભગવાન ગણેશનું ધ્યાન ધરીને તેના પર જળ અર્પણ કરો. આ ઉપાય ઘરમાં સકારાત્મક ઊર્જા, સુખ-શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવામાં સહાયક માનવામાં આવે છે.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

ટોપિક્સ:Religion