Religion: ગંગા સપ્તમી: જાણો માતા ગંગાની ઉત્પત્તિની કથા અને ઋષિએ તેમને કેમ આપી હતી સજા

23 એપ્રિલના રોજ ગંગા સપ્તમી છે. વૈશાખ સુદ સાતમના દિવસે, માતા ગંગા ભગવાન શિવની જટાથી પૃથ્વી તરફ આગળ વધ્યા હતા અને ત્યારબાદ ગંગા દશેરાના દિવસે તેમનું પૃથ્વી પર અવતરણ થયું હતું. શાસ્ત્રો અનુસાર, ગંગા સપ્તમીના દિવસે ગંગા સ્નાન કરવાથી મનુષ્ય તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે.
ઋષિએ ગંગાજીને કેમ સજા કરી?
પૌરાણિક કથા અનુસાર, જ્યારે ગંગાજી શિવની જટામાંથી પૃથ્વી પર ઉતર્યા, ત્યારે તેમનો પ્રવાહ અત્યંત પ્રચંડ હતો. આ વેગમાં ગંગાજીએ જહ્નૂ ઋષિનો આશ્રમ વહાવી દીધો અને તેમની તપસ્યામાં ભંગ પાડ્યો. ક્રોધિત થઈને ઋષિએ ગંગાના તમામ જળનું પાન કરી લીધું (પી ગયા). દેવતાઓની વિનંતી અને ભગીરથ રાજાના પૂર્વજોના ઉદ્ધારના હેતુને ધ્યાનમાં રાખીને, ઋષિએ પોતાના કાન વાટે ગંગાને ફરી મુક્ત કર્યા. જહ્નૂ ઋષિના કાનમાંથી પુનર્જન્મ પામવાને કારણે ગંગાજી ‘જાહ્નવી’ (ઋષિ જહ્નૂની પુત્રી) તરીકે ઓળખાયા.
માતા ગંગાની ઉત્પત્તિ કેવી રીતે થઈ?
વિષ્ણુ પુરાણ અનુસાર, ગંગાજીનો જન્મ ભગવાન વિષ્ણુના ડાબા પગના અંગૂઠાના નખમાંથી થયો હતો. અન્ય પુરાણો મુજબ, ગંગાજી શિવની જટાઓમાંથી સાત ધારાઓમાં વહેંચાઈને પ્રગટ થયા. જેમાંથી ત્રણ ધારાઓ (નલિની, હ્લાદિની અને પાવની) પૂર્વ તરફ વહી, જ્યારે ત્રણ ધારાઓ (સીતા, સુચક્ષુ અને સિંધુ) પશ્ચિમ તરફ વહી. સાતમી ધારા 'ભાગીરથી' તરીકે ઓળખાઈ. કૂર્મ પુરાણમાં સીતા, અલકનંદા, સુચક્ષુ અને ભદ્ર - એમ ચાર મુખ્ય ધારાઓનો ઉલ્લેખ જોવા મળે છે.
ગંગાજીને ‘ત્રિપથગા’ કેમ કહેવામાં આવે છે?
ગંગાજીના પ્રાદુર્ભાવ વિશે અનેક માન્યતાઓ છે. એક કથા મુજબ, વામન અવતારમાં જ્યારે ભગવાન વિષ્ણુએ ત્રણેય લોક માપી લીધા, ત્યારે બ્રહ્માજીએ વિષ્ણુના ચરણ પખાળ્યા અને તે જળ પોતાના કમંડળમાં ભરી લીધું, જે ગંગા બન્યું. અન્ય એક કથા મુજબ, શિવજીનું સંગીત સાંભળી વિષ્ણુજી દ્રવી ઉઠ્યા અને તેમાંથી ગંગાજી પ્રગટ થયા. ગંગાજી ત્રણેય લોકમાં વહે છે. ગંગા સ્વર્ગમાં મંદાકિની નદી, પૃથ્વી પર ગંગા નદી અને પાતાળમાં ભોગવતી નદી તરીકે વહે છે, તેથી તેનું નામ ત્રિપથગા છે.

