Vastu Tips: તૂટેલા ચંપલ સાંધવાની આદત પડી શકે છે ભારે; જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

આપણે ઘણી વાર કેટલીક વસ્તુઓ ફક્ત એટલા માટે કરતા હોઈએ છીએ કારણ કે આપણને તેની આદત પડી ગઈ હોય છે. આવી જ એક આદત છે તૂટેલા કે ફાટેલા ચંપલને સિલાઈ કરાવીને (સાંધીને) ફરીથી પહેરવાની. સામાન્ય રીતે આપણે એવું વિચારીએ છીએ કે જૂના અને ફાટેલા ચંપલનું સમારકામ કરાવી લેવાથી તે લાંબો સમય ચાલશે અને પૈસાની બચત થશે.
જોકે, વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ આદત આર્થિક રીતે ખૂબ મોંઘી સાબિત થઈ શકે છે, કારણ કે તેને શાસ્ત્રોમાં શુભ માનવામાં આવતી નથી. એવી માન્યતા છે કે તૂટેલા ચંપલ માત્ર વ્યક્તિની છબીને જ ખરાબ નથી કરતા, પરંતુ જીવનમાં નકારાત્મક ઉર્જા પણ લાવે છે.
પગ અને ચંપલનો શનિ ગ્રહ સાથે છે સીધો સંબંધ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મનુષ્યના પગ અને ચંપલનો સંબંધ શનિ ગ્રહ સાથે જોડાયેલો છે. શનિદેવને કર્મ, શિસ્ત અને જીવનના સંઘર્ષના કારક ગ્રહ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ફાટેલા અથવા તૂટેલા ચંપલ પહેરે છે, ત્યારે તે અજાણતાં જ શનિ સાથે સંકળાયેલી નકારાત્મક ઉર્જાને પોતાના તરફ આકર્ષિત કરે છે.
જોકે, આ બાબત માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી, પરંતુ પરંપરાગત માન્યતાઓ અનુસાર તેનાથી નાણાકીય મુશ્કેલીઓ વધે છે અને દરેક કામમાં અવરોધો ઊભા થાય છે.
વાસ્તુ શાસ્ત્ર શું કહે છે?
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં રહેલી દરેક વસ્તુમાં એક ઉર્જા હોય છે અને તૂટેલી-ફૂટેલી વસ્તુઓ નકારાત્મક ઉર્જાઉત્પન્ન કરે છે. તૂટેલા ચપ્પલ ઘરમાં રાખવાથી કે તેને પહેરવાથી વાસ્તુ દોષ ઊભો થાય છે, જે પરિવારમાં અશાંતિ, માનસિક તણાવ અને પરસ્પર વિખવાદનું કારણ બની શકે છે.
ચપ્પલ બહારની ગંદકી, ધૂળ અને નકારાત્મકતાને ઘર સુધી લાવવાનું માધ્યમ છે. જો તે તૂટેલા હોય, તો તેનો અર્થ એ થાય છે કે તમે આ બાહ્ય અવરોધો અને નકારાત્મકતાને કોઈ પણ રોકટોક વગર તમારા જીવન અને ઘરમાં પ્રવેશવા દઈ રહ્યા છો.
વાસ્તુ અનુસાર, ફાટેલા અને જૂના જૂતા ગરીબીની દેવી 'અલક્ષ્મી'ને આમંત્રણ આપે છે, જે ધનની દેવી લક્ષ્મીજીના બહેન (અને દુશ્મન) માનવામાં આવે છે. તૂટેલા ચપ્પલ ઘરમાં ધનના પ્રવાહને અટકાવે છે અને બિનજરૂરી ખર્ચમાં વધારો કરે છે.
આર્થિક સુખાકારી પર પડે છે માઠી અસર
લોકમાન્યતા અનુસાર, ફાટેલા જૂતા નાણાકીય કટોકટી અને બિનજરૂરી ખર્ચનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના રોજિંદા વપરાશની વસ્તુઓનો આદર નથી કરતો, ત્યારે તેના જીવનની વ્યવસ્થા ખોરવાય છે. આ જ કારણ છે કે વડીલો હંમેશા નવી નોકરી, ઇન્ટરવ્યુ કે કોઈ પણ શુભ પ્રસંગે સ્વચ્છ, સુંદર અને સારા જૂતા પહેરીને જવાનો આગ્રહ રાખે છે.
આત્મવિશ્વાસમાં થાય છે ઘટાડો
ફાટેલા જૂતાને માત્ર ધાર્મિક કે વાસ્તુના દ્રષ્ટિકોણથી જ નહીં, પણ વ્યવહારિક દ્રષ્ટિએ પણ અયોગ્ય માનવામાં આવે છે. તે વ્યક્તિના દેખાવ અને આત્મવિશ્વાસ પર નકારાત્મક અસર કરે છે. સ્વચ્છ અને સારી સ્થિતિમાં રહેલા જૂતા વ્યક્તિના વ્યક્તિત્વને નિખારે છે અને સામેની વ્યક્તિ પર સકારાત્મક છાપ છોડે છે.
જૂના અને તૂટેલા જૂતાનું શું કરવું?
જો જૂતા-ચંપલ હવે પહેરવા યોગ્ય ન રહ્યા હોય, તો તેને ઘરમાં સંગ્રહવાને બદલે તરત જ ઘરની બહાર કાઢી નાખવા જોઈએ. જો તે થોડા સારા હોય અને ઉપયોગમાં આવી શકે તેમ હોય, તો તેને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરી શકાય છે. પરંતુ જો તે સંપૂર્ણપણે ઘસાઈ ગયા હોય કે ફાટી ગયા હોય, તો તેનો યોગ્ય રીતે નિકાલ કરવો જ હિતાવહ છે.

