સવારે આંખ ખૂલતાં જ આ 7 વસ્તુઓનાં દર્શન કરો, આખો દિવસ રહેશે શુભ અને ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ!

સવારની શરૂઆત કેવી થાય છે, તેની સીધી અસર આપણા આખા દિવસના મૂડ અને વિચારો પર પડે છે. વડીલો હંમેશાં સવારે ઉઠતાંની સાથે જ સારી વસ્તુઓ જોવા અને ભગવાનનું નામ લેવાની સલાહ આપે છે. હિન્દુ ધર્મમાં સવારના સમયે કેટલીક ખાસ વસ્તુઓ જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જો દિવસની શરૂઆત આ વસ્તુઓના દર્શનથી થાય તો ઘરમાં સુખ-શાંતિ અને જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે છે.
સવારે સૌથી પહેલા પોતાની હથેળીઓ જોવી
હિન્દુ ધર્મમાં સવારે ઉઠતાની સાથે જ પોતાની હથેળીઓ જોવાની પરંપરા છે. ધાર્મિક માન્યતા છે કે હથેળીના આગળના ભાગમાં મા લક્ષ્મી, વચ્ચેના ભાગમાં મા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તેથી સવારે સૌથી પહેલા પોતાની હથેળીઓ જોવી શુભ ગણાય છે અને ઘણા લોકો આ દરમિયાન વિશેષ મંત્રનો જાપ પણ કરે છે.
ગાયના દર્શન થવા
હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે, કારણ કે તેમાં દેવી-દેવતાઓનો વાસ હોવાનું મનાય છે. સવારે ઉઠતાની સાથે જ ગાયના દર્શન થવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે અને દિવસ સારો જાય છે.
તુલસીનો છોડ દેખાવો
તુલસીના છોડને હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તેનો સંબંધ માતા લક્ષ્મી તથા ભગવાન વિષ્ણુ સાથે જોડવામાં આવે છે. માન્યતા છે કે સવારે ઉઠતાની સાથે જ તુલસીના દર્શન કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. આ જ કારણ છે કે ઘણા લોકો સવારે સ્નાન કર્યા પછી તુલસીમાં જળ ચડાવે છે અને દીવો પ્રગટાવે છે.
ફૂલો દેખાવા
સવારે ઉઠતાની સાથે જ ખીલેલા ફૂલો જોવા મળવા પણ ખૂબ સારા શુકન માનવામાં આવે છે. ફૂલો એ ખુશી, તાજગી અને નવી શરૂઆતનું પ્રતીક છે. પૂજા-પાઠમાં પણ ફૂલોનું વિશેષ મહત્ત્વ છે અને સવારે ફૂલ જોવા મળવાથી મન પ્રફુલ્લિત રહે છે તથા દિવસની શરૂઆત સકારાત્મક ઊર્જા સાથે થાય છે.
ઉગતા સૂર્યના દર્શન
હિન્દુ ધર્મમાં સૂર્ય દેવને જીવન અને ઊર્જા આપનાર માનવામાં આવ્યા છે. સવારે ઉગતા સૂર્યને જોવો ખૂબ જ શુભ છે. ધાર્મિક માન્યતા છે કે સવારે સૂર્ય દેવને જળ ચડાવવાથી અને તેમના દર્શન કરવાથી તેમનો આશીર્વાદ મળે છે, જેનાથી જીવનમાં સકારાત્મક ઊર્જા મળે છે અને આત્મવિશ્વાસ હંમેશાં જળવાઈ રહે છે.
મંદિર કે ભગવાનની તસવીર દેખાવી
સવારે આંખ ખૂલતાની સાથે જ ભગવાનની તસવીર કે મંદિર દેખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. દિવસની શરૂઆત ભગવાનને યાદ કરીને કરવાથી મન શાંત રહે છે. આનાથી મનમાં સારા વિચારો આવે છે અને આખો દિવસ કામ કરવાનો ઉત્સાહ રહે છે.
જળથી ભરેલો કલશ જોવો
હિન્દુ ધર્મમાં પાણીથી ભરેલા કલશને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવ્યો છે. તેને સુખ-સમૃદ્ધિ અને ખુશહાલીનું પ્રતીક ગણવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે સવારે ઉઠતાની સાથે જ જળથી ભરેલો કલશ દેખાવો એ એક સારો સંકેત છે, જેને ઘરમાં બરકત અને ખુશીઓ આગમન સાથે જોડવામાં આવે છે.










