Paris Olympic / બે કલાકમાં જીત્યા 2 ગોલ્ડ મેડલ, 1976 પછી પહેલીવાર જોવા મળ્યું આ કારનામું
ઓલિમ્પિકમાં મેડલ જીતવું એ દરેક ખેલાડીનું સપનું હોય છે. આ વખતે સ્વિમિંગ ઈવેન્ટમાં મેડલ જીતવાનો અ

ઓલિમ્પિકમાં મેડલ જીતવું એ દરેક ખેલાડીનું સપનું હોય છે. આ વખતે સ્વિમિંગ ઈવેન્ટમાં મેડલ જીતવાનો અનોખો રેકોર્ડ જોવા મળ્યો છે. 22 વર્ષીય ફ્રેન્ચ સ્વિમર લિયોન માશોને પેરિસ ઓલિમ્પિક 2024માં એક એવી સિદ્ધિ મેળવી છે જે અગાઉ 1976માં જોવા મળી હતી. લિયોન માશોને આ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા છે.
22 વર્ષીય સ્વિમરે ઈતિહાસ રચ્યો
31મી જુલાઈનો દિવસ લિયોન માશોન માટે ખૂબ જ યાદગાર દિવસ હતો. તેણે 200 મીટર બટરફ્લાય અને 200 બ્રેસ્ટસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે, 1976 પછી પહેલીવાર કોઈ સ્વિમરે ઓલિમ્પિક ગેમ્સમાં એક જ દિવસમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. તેણે હંગેરીના વર્તમાન ચેમ્પિયન અને વર્લ્ડ રેકોર્ડ ધારક ક્રિસ્ટોફ મિલાકને હરાવીને 200 મીટર બટરફ્લાયમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે જ સમયે, તેણે 200 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં 2:05.85ના ઓલિમ્પિક રેકોર્ડ સમય સાથે જીત મેળવી હતી. આ સાથે તે સ્વિમિંગમાં ત્રણ ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ફ્રેન્ચ ખેલાડી પણ બન્યો છે.
માતા-પિતા પણ સ્વિમર હતા
ફ્રાન્સના તુલોઝમાં જન્મેલા 22 વર્ષના લિયોન માશોનનું મૂળ સ્વિમિંગ સાથે સંબંધિત છે. લિયોન માશોનના પિતા ઝેવિયરે 1996માં એટલાન્ટા ગેમ્સ અને સિડની ઓલિમ્પિક્સ 2000માં ફ્રાન્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એટલાન્ટા 1996માં, ઝેવિયરે 200 મીટર વ્યક્તિગત મેડલીમાં 8મું સ્થાન મેળવ્યું હતું. ચાર વર્ષ પછી, તેણે સિડની 2000માં 7મું સ્થાન મેળવ્યું હતું. લિયોન માશોનની માતા સેલિને બાર્સેલોના 1992માં ચાર ઈવેન્ટમાં ભાગ લીધો હતો. તે 200 મીટર વ્યક્તિગત મેડલીમાં 14મા ક્રમે રહી હતી.
તમને જણાવી દઈએ કે, લિયોન માશોનને માઈકલ ફેલ્પ્સના પૂર્વ મેન્ટર બોબ બોમેન દ્વારા ટ્રેનીંગ આપવામાં આવી છે. લિયોન માશોને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી, યુએસએમાં ત્રણ વર્ષ સુધી સ્વિમિંગ કર્યું. તે પછી તે બોમેન સાથે ટેક્સાસ યુનિવર્સિટી ગયો. બોમેને ઓલિમ્પિકની શરૂઆત પહેલા કહ્યું હતું કે, લિયોનમાં ઘણી વસ્તુઓ છે જે તેને મહાન બનાવે છે. તેની પાસે ઝડપ છે અને તેની પાસે સહનશક્તિ છે. તેથી તમે ઇચ્છો તે બધું તેની પાસે છે, અને અત્યાર સુધી તેણે પ્રેશર હેઠળ સારું પ્રદર્શન કર્યું છે.






