Olympics 2024 / સાત્વિક-ચિરાગની હાર બાદ બેડમિન્ટન કોચે લીધી નિવૃત્તિ, તાપસી પન્નુ સાથે છે ખાસ સંબંધ

ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીના કોચ મેથિયાસ બોએ નિવૃત્તિની જાહેરાત કરી છે. આ માહિતી તેણે સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે. કોચ મેથિયાસનું બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ સાથે ખાસ જોડાણ છે. તાપસી અને મેથિયાએ લગ્ન કરી લીધા છે. મેથિયાસની અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે. તે ડેનમાર્કનો ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી છે. તેણે સાત્વિક અને ચિરાગને આગળ લઈ જવા માટે ઘણી મહેનત કરી છે.
મેથિયાસે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આમાં તે ચિરાગ અને સાત્વિક સાથે જોવા મળે છે. મેથિયાસે કેપ્શનમાં લખ્યું, "મારા કોચિંગના દિવસો અહીં પૂરા થયા. અત્યારે હું ભારત કે અન્ય કોઈ દેશને કોચિંગ નહીં આપું. મેં બેડમિન્ટન હોલમાં ઘણો સમય વિતાવ્યો છે. કોચિંગ જોબ થોડી તણાવપૂર્ણ છે. હું હવે થાકી ગયો છું.'' મેથિયાસે પોસ્ટમાં ભારતીય બેડમિન્ટન એસોસિએશનના અધિકારીઓનો પણ આભાર માન્યો છે.
મેથિયાસના કોચિંગ હેઠળ સાત્વિક અને ચિરાગે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. આ બંને ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિક 2024ના મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા હતા. આ બંનેને મલેશિયાના એરોન ચિયા અને સોહ વૂ યિકે પરાજય આપ્યો હતો. ચિરાગ અને સાત્વિકના પ્રદર્શનમાં ઘણો સુધારો થયો છે. મેથિયાસે આમાં ઘણી હદ સુધી મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન
તમને જણાવી દઈએ કે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા છે. ભારતને ત્રણેય બ્રોન્ઝ મેડલ મળ્યા છે. ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં દેશને પહેલો મેડલ અપાવ્યો હતો. તેણે શૂટિંગમાં બે મેડલ જીત્યા છે. તેનો બીજો મેડલ મિક્સ્ડ ટીમનો હતો.

