Paris Olympics 2024 / કલોઝિંગ સેરેમનીમાં મનુ ભાકર સાથે પીઆર શ્રીજેશ બનશે ભારતના ધ્વજવાહક
પેરિસ ઓલિમ્પિક 2024ની શરૂઆત 26 જુલાઈએ ઓપનિંગ સેરેમની સાથે થઈ હતી, જ્યારે ક

પેરિસ ઓલિમ્પિક 2024ની શરૂઆત 26 જુલાઈએ ઓપનિંગ સેરેમની સાથે થઈ હતી, જ્યારે કલોઝિંગ સેરેમની 11 ઓગસ્ટે યોજાશે. ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા આ માહિતી આપવામાં આવી છે કે કલોઝિંગ સેરેમનીમાં હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ અને શૂટિંગમાં 2 બ્રોન્ઝ મેડલ જીતનાર મનુ ભાકર ભારત માટે ધ્વજવાહકની જવાબદારી સંભાળશે. અગાઉ, પીવી સિંધુએ ઓપનિંગ સેરેમનીમાં ભારત માટે મહિલા ધ્વજવાહકની ભૂમિકા ભજવી હતી, જ્યારે શરત કમલે પુરૂષ ધ્વજવાહકની જવાબદારી સંભાળી હતી.
શ્રીજેશે ભારતીય હોકી ટીમમાં 2 દાયકા સુધી યોગદાન આપ્યું છે
ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષાએ બંને ખેલાડીઓના નામની જાહેરાત કરતા પોતાના નિવેદનમાં કહ્યું કે, શ્રીજેશને જ્યારે ધ્વજવાહક તરીકે પસંદ કરવામાં આવ્યો ત્યારે તે ખૂબ જ ભાવુક હતો. તેની સાથે શેફ-ડી-મિશન ગગન નારંગ અને ભારતીય ટીમ પણ કલોઝિંગ સેરેમનીમાં હાજરી આપશે. શ્રીજેશે ભારતીય હોકી ટીમ માટે 2 દાયકા સુધી યોગદાન આપ્યું છે. જ્યારે પીટી ઉષાએ પુરૂષ ધ્વજવાહક તરીકે અગાઉ નીરજ ચોપરા સાથે વાત કરી હતી, જેણે માટે જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો, પરંતુ તેણે શ્રીજેશને આ જવાબદારી સોંપવા વિનંતી કરી હતી.
મનુએ શૂટિંગમાં 2 મેડલ જીત્યા છે
ભારત પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં 5 મેડલ જીતવામાં સફળ રહ્યું છે, જેમાંથી મનુ ભાકરે 2 મેડલ જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મનુએ વિમેન્સ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, આ સાથે જ તેણે 10 મીટર મિક્સ્ડ પિસ્તોલ ઈવેન્ટમાં સરબજોત સિંહ સાથે બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પીઆર શ્રીજેશની વાત કરીએ તો તેણે પેરિસ ઓલિમ્પિકમાં ગોલકીપર તરીકે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેના કારણે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને પણ હરાવવામાં સફળ રહી હતી.






