VIDEO / પેરિસ ઓલિમ્પિકના બ્રોન્ઝ વિજેતા સ્વપ્નિલ કુસાલેનું પુણેમાં ભવ્ય સ્વાગત, શૂટિંગમાં જીત્યો હતો મેડલ
પેરિસ ઓલિમ્પિકમાં ભારત અત્યાર સુધી માત્ર 5 મેડલ જીત્યું છે. જેમાંથી 3 મેડલ માત્ર શૂટિંગમાં

પેરિસ ઓલિમ્પિકમાં ભારત અત્યાર સુધી માત્ર 5 મેડલ જીત્યું છે. જેમાંથી 3 મેડલ માત્ર શૂટિંગમાંથી જ આવ્યા છે. જેમાં શૂટર સ્વપ્નિલ કુસાલેનું નામ પણ સામેલ છે, પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર સ્વપ્નિલ કુસાલે ગુરુવારે મહારાષ્ટ્રના પુણે શહેરમાં પહોંચ્યો ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કુસાલે ગયા અઠવાડિયે 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન ઈવેન્ટમાં તેનો પ્રથમ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
કુસાલે આ ઈવેન્ટમાં મેડલ જીતનારો પ્રથમ ભારતીય ખેલાડી પણ બન્યો હતો. જ્યારે સ્વપ્નિલ પેરિસથી પહોંચ્યો ત્યારે સવારે પુણે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લોકો તેનું સ્વાગત કરવા માટે ઉભા હતા.
લોકોએ પરંપરાગત ઢોલ-તાશાના નાદ વચ્ચે એરપોર્ટ પર કુસાલેનું સ્વાગત કર્યું હતું. પશ્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુરના કુસાલે પછી શહેરના મધ્યમાં સ્થિત પ્રસિદ્ધ શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં પ્રાર્થના કરી હતી.
શહેરના બાલેવાડી સ્થિત શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શૂટિંગ રેન્જમાં તેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સિવાય કુસાલેએ બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ મહારાષ્ટ્ર સરકારે તેને 1 કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવાની જાહેરાત કરી દીધી હતી. આ સિવાય સેન્ટ્રલ રેલ્વેવ પણ કુસાલેને પ્રમોશન આપીને ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે નિયુક્ત કર્યો છે. તે 2015માં સેન્ટ્રલ રેલ્વેના પુણે ડિવિઝનમાં 'કમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક' તરીકે જોડાયો હતો. આંતરરાષ્ટ્રીય મંચ પર શૂટર સ્વપ્નિલ કુસાલેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. કુસાલે અગાઉ 2023માં ચીનમાં એશિયન ગેમ્સ, 2022માં બાકુમાં વર્લ્ડ કપ અને 2021માં નવી દિલ્હીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.






