કોણ છે ભારતને છઠ્ઠો મેડલ જીતાડનાર અમન સેહારાવત? માતા-પિતાને ગુમાવ્યા બાદ શરૂ કરી કુસ્તીની સફર
શુક્રવારે મોડી રાત્રે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને વધુ એક મેડલ મળ્યો. અત્યાર સુધીમાં ભારતને કુલ 6 મ

શુક્રવારે મોડી રાત્રે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને વધુ એક મેડલ મળ્યો. અત્યાર સુધીમાં ભારતને કુલ 6 મેડલ મળ્યા છે. ભારતીય રેસલર અમન સેહરાવતે મેન્સ ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા વજનની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અમને બ્રોન્ઝ મેડલ મેચમાં પ્યુર્ટો રિકોના ડેરિયન ટોઇ ક્રુઝને 13-5થી હરાવ્યો હતો.
બાળપણમાં જ તેના માતા-પિતા ગુમાવ્યા
અમન સેહરાવતની ઓલિમ્પિકની સફર ખૂબ મુશ્કેલ રહી છે. અમન હરિયાણાના ઝજ્જર જિલ્લાના બિરોહરના જાટ પરિવારથી આવે છે. ખેલાડીએ 11 વર્ષની ઉંમરે જ તેના માતા-પિતા ગુમાવ્યા હતા. અમન જ્યારે 10 વર્ષનો હતો ત્યારે તેની માતાનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. લગભગ એક વર્ષ બાદ તેના પિતાનું પણ અવસાન થયું.
અમન ડિપ્રેશનથી પીડાતો હતો
ત્યારબાદ અમન અને તેની નાની બહેન પૂજાની દેખરેખ તેના કાકા સુધીર કરતા હતા. અમન તેના માતા-પિતાના અવસાન બાદ ગંભીર ડિપ્રેશનથી પીડાતો હતો, આવી સ્થિતિમાં તેના દાદા મંગેરામ સેહરાવતે તેની સંભાળ લીધી અને અમનને તેમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી. જ્યારે અમન ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યો ત્યારે તેણે કુસ્તીમાં પોતાની પ્રતિભા બતાવવાનું શરૂ કર્યું.
કુસ્તીમાં અમનની સફર
અમને કોચ લલિત કુમાર હેઠળ તાલીમ લેવાની શરૂ કર્યું હતું. ત્યારબાદ 2021માં તે પ્રથમ નેશનલ ચેમ્પિયનશિપ ટાઈટલ જીતીને ચર્ચામાં આવ્યો હતો. આ પછી 2022 એશિયન ગેમ્સમાં 57 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ 2023 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જાન્યુઆરી 2024માં, તેણે ઝાગ્રેબ ઓપન રેસલિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું.






