Olympic 2024 / માત્ર 28 સેકન્ડમાં તૂટી ગયું ભારતીય જુડોકાનું સપનું, કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યો હતો સિલ્વર મેડલ
ચાર વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા ક્યુબાની જુડો ખેલાડી ઇડેલીસ ઓર્ટિઝે ભારતીય મહિલા જુડોકા તુલિકા માન

ચાર વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા ક્યુબાની જુડો ખેલાડી ઇડેલીસ ઓર્ટિઝે ભારતીય મહિલા જુડોકા તુલિકા માનનું પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું તોડી નાખ્યું છે. 25 વર્ષની તુલિકાને વિરોધી જુડોકાએ માત્ર 28 સેકન્ડમાં જ પછાડી દીધી હતી. કોમનવેલ્થ ગેમ્સ 2022ની સિલ્વર મેડલ વિજેતા દિલ્હીની તુલિકાને ક્યુબાની ખેલાડી સામે 0-10થી હારનો સામનો કરવો પડ્યો હતો. ક્યુબાની ખેલાડીના નામે ચાર ઓલિમ્પિક મેડલ છે, જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ છે.
તુલિકા માન ઓર્ટિઝ સામે માત્ર 28 સેકન્ડ જ ટકી શકી હતી. તુલિકાની હાર સાથે જુડોમાં ભારતનું અભિયાન સમાપ્ત થયું. કારણ કે પેરિસ ઓલિમ્પિકની આ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર તે એકમાત્ર ખેલાડી હતી. ઈપ્પોનની ચાલમાં, જુડો ખેલાડી તેના પ્રતિસ્પર્ધીને તેની પીઠ પર ખૂબ જ બળ સાથે ફેંકે છે. ઈપ્પોન ત્યારે આપવામાં આવે છે જ્યારે કોઈ ખેલાડી 20 સેકન્ડ માટે પ્રતિસ્પર્ધીને તેની પકડમાં રાખે છે અથવા વિરોધી ખેલાડી હાર માની લે છે.
2 વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા હતા
તુલિકા માને 2 વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા હતા. તે તેના માતા-પિતાની સિંગલ ચાઈલ્ડ છે. તુલિકાને શરૂઆતમાં પેરિસ ઓલિમ્પિકમાં સ્થાન મેળવવાની ખાતરી નહોતી પરંતુ જ્યારે તે ક્વોલિફાય થઈ ત્યારે તેણે મેડલ જીતવાની આશા વ્યક્ત કરી હતી. જોકે હવે પેરિસમાં મેડલ જીતવાનું તેનું સપનું ચકનાચૂર થઈ ગયું છે.






