Olympic 2024 / સેમીફાઈનલ હાર્યા બાદ પણ હોકીમાં મેડલ જીતી શકે છે ભારત, હવે આ ટીમ સાથે થશે મુકાબલો
ભારતીય હોકી ટીમને સેમીફાઈનલ મેચમાં જર્મની સામે 3-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાનું

ભારતીય હોકી ટીમને સેમીફાઈનલ મેચમાં જર્મની સામે 3-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાનું ગોલ્ડ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. મેચમાં એક સમયે સ્કોર 2-2ની બરાબરી હતી. પરંતુ જર્મની માટે માર્કો મિલ્ટકોએ ગોલ કરીને ટીમ ઈન્ડિયાને હાર તરફ ધકેલી દીધી હતી. ગત ઓલિમ્પિકમાં ભારતીય ટીમે જર્મનીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પરંતુ આ વખતે જર્મનીએ સ્કોર સેટલ કરી લીધો છે. સેમીફાઈનલમાં હાર્યા બાદ પણ ટીમ ઈન્ડિયા પાસે મેડલ જીતવાની વધુ એક તક છે.
બ્રોન્ઝ મેડલ મેચ માટે સ્પેનની ટીમનો સામનો કરશે
ભારતીય ટીમ પેરિસ ઓલિમ્પિક 2024ની બ્રોન્ઝ મેડલ મેચ માટે સ્પેનિશ ટીમ સામે ટકરાશે. આ મેચ 8 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર સાંજે 5:30 વાગ્યાથી રમાશે. સેમીફાઈનલ મેચમાં નેધરલેન્ડ સામે સ્પેનનો 4-0થી કારમો પરાજય થયો હતો. સ્પેને ક્વાર્ટર ફાઈનલમાં બેલ્જિયમને હરાવ્યું હતું.
ટીમ ઈન્ડિયા ગ્રેટ બ્રિટનને હરાવીને સેમીફાઈનલમાં પહોંચી હતી
ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં જોરદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં જર્મની સામે હારનો સામનો કરવો પડ્યો છે. ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમે આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમોને હરાવી હતી. ટીમે ક્વાર્ટર ફાઈનલમાં ગ્રેટ બ્રિટનની ટીમ સાથે બરાબરી પર કર્યા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી મેચ જીતી લીધી હતી.
ભારતીય હોકી ટીમે 8 ગોલ્ડ મેડલ જીત્યા છે
હોકીમાં ભારતીય ટીમ ઓલિમ્પિકના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ છે. ટીમે અત્યાર સુધીમાં સૌથી વધુ 8 ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારતીય હોકી ટીમ એવી ટીમ છે જેણે ઓલિમ્પિકમાં ફૂલ 12 મેડલ સાથે સૌથી વધુ મેડલ જીત્યા છે. બીજા સ્થાને ઓસ્ટ્રેલિયાની ટીમ છે, જેણે હોકીમાં 10 મેડલ જીત્યા છે.






