Paris Olympicsમાંથી બહાર ફેંકાઈ ગઈ આ બોક્સર, જાણો શા માટે આપવામાં આવી આટલી મોટી સજા
ઓલિમ્પિક્સમાં જ્યારે ખેલાડીઓ મેડલ જીતવા માટે સખત મહેનત કરે છે, ત્યારે કેટલાક ખેલાડીઓ એવા હોય છે જે અન્ય પદ્ધતિઓનો પ્રયાસ

ઓલિમ્પિક્સમાં જ્યારે ખેલાડીઓ મેડલ જીતવા માટે સખત મહેનત કરે છે, ત્યારે કેટલાક ખેલાડીઓ એવા હોય છે જે અન્ય પદ્ધતિઓનો પ્રયાસ કરે છે. નાઈજિરિયન બોક્સર સિન્થિયા ઓગુનસેમિલોર પ્રતિબંધિત ડોપિંગ પદાર્થના સેવન માટે દોષિત ઠર્યા બાદ પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. ઓલિમ્પિક ગેમ્સ તમામ પ્રકારની ખરાબ બાબતોથી મુક્ત કરવા અને દરેક રમતવીર માટે સમાન તકો ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છે.
ઇન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર, આફ્રિકન ગેમ્સના લાઇટવેઇટ ચેમ્પિયન ઓગુનસેમિલોરનું ગુરૂવારે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેના યુરીનમાં ફ્યુરોસેમાઇડ મળી આવ્યું છે. ફ્યુરોસેમાઇડ એક માસ્કિંગ એજન્ટ છે જે અન્ય દવાઓની હાજરીને છુપાવી શકે છે. એજન્સીના જણાવ્યા અનુસાર, ઓગુનસેમિલોરને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવી છે અને તે ઓલિમ્પિકમાં ભાગ લઈ શકશે નહીં.
આ 22 વર્ષીય બોક્સરને 60 કિગ્રા વજન વર્ગમાં ચોથો ક્રમ આપવામાં આવ્યો હતો અને તેણે સોમવારે તેની પ્રથમ મેચ રમવાની હતી. ઓગુનસેમિલોરે ગયા વર્ષે તેના વજન વર્ગમાં આફ્રિકન ગેમ્સનો ખિતાબ જીત્યો હતો. તેણે કોમનવેલ્થ ગેમ્સ 2022માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ડોપિંગના કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થનારી તે બીજી ખેલાડી છે. આ પહેલા શુક્રવારે ઇરાકી જુડોકા સજ્જાદ સેહેનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.






