મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

અકસ્માત બાદ હવે ઓલિમ્પિકમાં ભાગ લઈ શકશે ભારતીય ગોલ્ફર દીક્ષા ડાગર? જાણો કેવી છે તબિયત

પેરિસ ઓલિમ્પિક 2024 વચ્ચે ભારત માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. ભારતીય મહિલા ગોલ્ફર

અકસ્માત બાદ હવે ઓલિમ્પિકમાં ભાગ લઈ શકશે ભારતીય ગોલ્ફર દીક્ષા ડાગર? જાણો કેવી છે તબિયત

પેરિસ ઓલિમ્પિક 2024 વચ્ચે ભારત માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. ભારતીય મહિલા ગોલ્ફર દીક્ષા ડાગરની કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં દીક્ષાને ઈજા થઈ ન હતી પરંતુ તેની માતાને ઈજા થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, 30મી જુલાઈની સાંજે પેરિસમાં દીક્ષા ડાગરની કારનો અકસ્માત થયો હતો. તેની માતા ઘાયલ થયાં છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમને પીઠમાં ઈજા થઈ છે. દીક્ષા ઠીક છે અને તે પેરિસ ઓલિમ્પિકમાં તેની મેચમાં ભાગ લેશે. અકસ્માત સમયે કારમાં પરિવારના ચાર સભ્યો હાજર હતા. માતાને પીઠમાં ઈજા થઈ હતી, જ્યારે ભાઈને સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે દીક્ષાને અને તેના પિતાને કોઈ ઈજા થઈ ન હતી. તેની માતા હાલ હોસ્પિટલમાં એડમિટ છે.

ઓલિમ્પિકમાં 4 ભારતીય ગોલ્ફરો લઈ રહ્યા છે ભાગ

ઉલ્લેખનીય છે કે, પેરિસ ઓલિમ્પિકમાં મહિલા ગોલ્ફ ઈવેન્ટ 7થી 10 ઓગસ્ટ સુધી યોજાવાની છે. આ દરમિયાન દીક્ષાની મેચ 7મી ઓગસ્ટે યોજાશે. દીક્ષા ઉપરાંત અદિતિ અશોક પણ ભારતમાંથી મહિલા ગોલ્ફ ઈવેન્ટમાં ભાગ લઈ રહી છે. જ્યારે પુરુષોની ગોલ્ફ ઈવેન્ટમાં સુભાંકર શર્મા અને ગગનજીત ભુલ્લર પેરિસના ગુયાનકોર્ટમાં લે ગોલ્ફ નેશનલમાં ભાગ લઈ રહ્યા છે. આ રીતે પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 4 ગોલ્ફ ખેલાડીઓએ ભાગ લીધો છે.

દીક્ષાએ આ મામલે રચ્યો ઈતિહાસ

ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન દીક્ષા ડાગર પેરિસમાં તેની બીજી ઓલિમ્પિક રમી રહી છે. 23 વર્ષની દીક્ષા ડાગરે ગત ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો હતો. આ રીતે તેણે ઈતિહાસ રચ્યો. દીક્ષા ઓલિમ્પિક અને ડેફલિમ્પિક્સ બંનેમાં ભાગ લેનારી પહેલી ગોલ્ફર બની હતી.

પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા

ઉલ્લેખનીય છે કે, ભારતે પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી (1 ઓગસ્ટ) 3 મેડલ જીત્યા છે. આ ત્રણેય બ્રોન્ઝ છે, જે શૂટિંગમાં મળ્યા હતા. સૌ પ્રથમ મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. ત્યારબાદ મનુ ભાકરે મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બીજો બ્રોન્ઝ મેળવ્યો હતો. તેની સાથે ટીમમાં સરબજોત સિંહ પણ હતો. સ્વપ્નિલ કુસલેએ પુરુષોની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ત્રીજો બ્રોન્ઝ મેડલ જીત્યો.

આ સમાચાર શેર કરો