કોલકાતા રેપ કેસ અને મમતાની નાગડદાઈ : ઈસ હમામ મેં સભી...

- તુષાર દવે
કોલકાતા રેપ કેસમાં મમતા બેનર્જીના તંત્રની નાગડદાઈ ચરમસીમા પર છે. સૌ પ્રથમ તો પોલીસ દ્વારા મામલાને આત્મહત્યા ગણાવવો એ જ આઘાતજનક હતુ.
મમતા બેનર્જીના મામલે અગાઉ લખી ચુક્યો છું એ મુદ્દો અત્યારે રિપીટ કરવાનુ મન થાય કે જો કેન્દ્રના હાલના શાસકો સરમુખત્યાર લાગતા હોય તો યાદ રાખવું કે અફાટ બહુમતી મળે તો મમતા, ડાબેરીઓ કે કોંગ્રેસ એનાથી પણ સવાયા પૂરવાર થાય એમ છે. થઈ ચુક્યા છે.
કોરોનાકાળમાં મજૂરોની પીડા પર અને મોદી સરકારની વિરુદ્ધમાં લખેલા એક આર્ટિકલમાં લખેલી એક વાતની અહીં પુનરોક્તી કરવી જરૂરી લાગે છે કે - હિન્દુસ્તાન આજ પછી આવી આંધળી બહુમતિ ભવિષ્યમાં કોઈ પાર્ટીને ન આપે એવી ઈશ્વરને પ્રાર્થના. આ દેશના સત્તાધીશો હજુ આંધળી બહુમતી પચાવવા જેટલા પરિપક્વ નથી થયાં. હે ભારત માતા, ભવિષ્યની ચૂંટણીનો ગર્ભ બંધાય ત્યારે જવાબદાર નાગરિકો પેદા કરજે નહીં તો વાંઝણી રહેજે, પણ ભાજપના ભક્તો કે કોંગ્રેસના ગુલામો પેદા ન કરતી.
પોઈન્ટ એ છે કે લાંબો સમય સુધી સત્તા પર રહે કે જરૂર કરતા વધુ બહુમતી મળે તો દરેક પક્ષ બીજાને ભૂલવાડે એટલો અત્યાચારી થઈ શકે છે. ભાગ્યે જ કોઈ પાર્ટી આમાં અપવાદ હશે. કહેવાતી મજબૂત સરકારો ચૂંટીને વાસ્તવમાં જનતા પોતાની જ પૂંઠ પર વધુ પ્રહારો કરવાનું લાયસન્સ રિન્યૂ કરી આપતી હોય છે. કમ્યુનિસ્ટ પાર્ટીઓનો જમાનો હતો ત્યારે બંગાળમાં ડાબેરી ગુંડાઓએ કરેલી ખૂનામરકીના કારણે ઈતિહાસના પન્ના લાલ રંગે રંગાયેલા છે. 1984માં કોંગ્રેસી ગુંડાઓએ કરેલા હત્યાકાંડો અને કટોકટીનો ભૂતકાળ ક્યાં અજાણ્યો છે! મોદી કે યોગીની જેમ હિન્દુત્વનું રાજકારણ કરનારા બાળાસાહેબની શિવસેનાના ગુંડાઓના પાપ જાણવા હોય તો મુંબઈ-પુણેના નોન મરાઠીભાષી નાના ધંધાર્થીઓને પૂછવું.
બિહારમાં લાલુ પ્રસાદે જે જંગલ રાજ સર્જેલુ એની હિસ્ટ્રી વાંચો તો થથરી જવાય. એની સામે ઊભા થયેલા નીતિશને હદથી વધુ સત્તા મળી તો એમણે ભ્રષ્ટાચાર અને લોટંલોટના નવા વિક્રમો સર્જ્યા. ભારતનો રાજકીય ઈતિહાસ ન જાણનારાઓને કહીએ તો એ જાણીને હબકી જાય કે લાલુ-નીતિશ જયપ્રકાશ નારાયણના આંદોલનમાંથી નીકળેલા બે યુવાન, તેજ તર્રાર અને આશાસ્પદ યુવા નેતાઓ હતા.
હિન્દુ હોય, મુસ્લિમ હોય, બ્રાહ્મણ હોય કે રાજપુત હોય, ઉત્તર પ્રદેશનો દરેક માફિયા એક યા બીજા રાજકીય પક્ષે જ પાળેલો અને પોષેલો છે. ઉત્તર પ્રદેશની જનતાએ મોટેભાગે એ જ નક્કી કરવાનુ હોય છે કે તેમને કયા પક્ષના ગુંડાઓના હાથે માર ખાવો છે!
એ જ રીતે હમણા હમણા જમણેરીઓ ફાટીને ધુમાડે ગયા હતા અને 'નોન બાયોલોજિકલ' મોદીજીએ પોતાની જાતને માત્ર ભગવાન ઘોષિત કરવાની જ બાકી રાખેલી. 'સેક્રેડ ગેમ્સ'ના નવાઝ જેવું કે - કભી કભી તો લગતા હૈ કી અપુન હી ચ ભગવાન હૈ! લોકસભા ઈલેક્શન્સમાં મતદારોએ થોડી બ્રેક મારી એ ભેગો જ જમીનથી ચાર વેંત અધ્ધર ચાલતો એમનો રથ કેવો ભોંય ભેગો થઈ ગયો! હવે 'મોદી-યોગી'ના નામ એક સાથે કોઈ બોલતું નથી અને સૌથી મજબૂત પોકેટ ગણાતા પૉકેટ ઉત્તર પ્રદેશમાં ભાજપીયાઓ જ એક-બીજાને પાડી દેવા કૂતરાં ભાત વીખતા હોય એમ લડી રહ્યા છે. હજૂ ગઈ ટર્મ સુધી કોંગ્રેસમુક્ત ભારતની વાત કરનારાઓ, બંધારણ બદલવાની હાકલો કરનારાઓ, મદાંધ થઈને બુલડોઝરીયો ન્યાય તોળનારાઓ, ડઝનબંધ વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરીને એક તરફી સંસદ ચલાવનારાઓ થોડા માપમાં આવી ગયા છે. મતદાનની આ તાકાત છે અને આમ જ હોવું જોઈએ.
ઈનશોર્ટ, ડાબેરી, જમણેરી, કોંગ્રેસી, મુડીવાદી કે સમાજવાદી, કોઈપણ વિચારધારા કે પક્ષ ગમતો હોય એને ગમાડવો, એની તરફેણમાં મતદાન કરવું, પણ સાથોસાથ એ પણ જોવું કે એ મદાંધ ન બની જાય. છાકટો ન થઈ જાય. ઓવર પાવર થશે તો કોઈપણ પક્ષ તમારા લૂગડાં કાઢીને વેંચી આવશે. અદાણી-અંબાણી જેવા મોટા ઉદ્યોગપતિઓ તો કોઈપણ પક્ષ-પાર્ટીને કઠપૂતળીની જેમ રમાડી લેશે, રમાડતા જ આવ્યા છે, પણ મીડલ ક્લાસિયાઓ પાસે મતદાન અને આંદોલન સિવાય બીજી કોઈ ખાસ પ્રેશર ટેક્ટીક્સ છે નહીં. આંદોલનો પણ તો જ થઈ શકશે જો લોકશાહી સલામત હશે, લૂલો-લંગડો કે બાડો-બોબડો પણ વિપક્ષ સાબૂત હશે. પત્રકારોની કરોડરજ્જુ ભાંગેલી નહિ હોય. ન્યાયાલયો અને અન્ય સંસ્થાઓ પર શક્ય એટલો ઓછો લૂણો લાગેલો હશે. બાકી લગભગ દરેક નેતામાં એક છુપો સરમુખત્યાર હોય જ છે. યાદ રાખવું કે absolute power corrupts absolutely. પ્રજા તરીકે આપણું કામ મત આપવાનું હોય છે, જેને મત આપ્યો છે એને સાચો પૂરવાર કરવાનું નહીં. ઈતિ સિદ્ધમ!
ફ્રી હિટ :
તાનાશાહ સંગઠનોની વિશેષતા એ હોય કે એમાં મગજ માત્ર નેતા પાસે હોય છે, કાર્યકર્તાઓ પાસે માત્ર શરીર હોય છે.
- હરિશંકર પરસાઈ

