મરતાં બાળકો અને ભાજપના MLAનું '156 ઈંચ'નું હાસ્ય : બાળકો ભલે ભુંજાઈ મર્યાં, પણ ભેંસ તો સલામત છે ને?

તુષાર દવે
હાસ્યને માપવાના કોઈ ચોક્કસ પરિમાણ નથી હોતા, પણ રાજકોટના ગેમ ઝોનમાં ચાલતા હુતાશનમાં બાળકોની બલિ ચડી રહી હતી ત્યારે ફાયર સેફ્ટિનો સવાલ પૂછાતા - 'હવે આમાં તો હવે હું ય શું કહી શકું હવે...' કહીને 'હીહી હીહી હસ દેવે' કરી દેનારા ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાના હાસ્યનું માપ કાઢશો તો એનું વજન ચોક્કસ જ '156 સીટ' નીકળશે! આછી-પાતળી બહુમતી ધરાવતી સરકારના ધારાસભ્યની હિંમત જ ન થાય કે એ જ્યાં લોકોના લાડકવાયા જીવતા ભૂંજાઈ રહ્યા હોય ત્યાં શરમને ય શરમાવે એવું 156 ઈંચનું સ્મિત રેલાવી શકે. રમેશ ટીલાળાનું એ હાસ્ય મોરબી કાંડ બાદ પણ 'જહાંપનાહ તોહફા કૂબુલ કરો'ના નારા સાથે 156 બેઠકો તાસક પર ધરી દેનારી જનતા માટે છે. એ જનતાની મશ્કરી છે. એ હાસ્ય જાણે પુછી રહ્યું છે કે - ક્યોં, આ ગયા સ્વાદ?
હરણી કાંડ હોય, મોરબી બ્રિજ કાંડ હોય કે તક્ષશિલા... કોઈ પણ સરકારે કે તંત્રએ આપણા બાળકોની સુરક્ષાનું ધ્યાન શા માટે રાખવું જોઈએ? જ્યારે આપણે જ એ મુદ્દે ગંભીર ન હોઈએ. બ્રિજમાં સુરક્ષા સર્ટિફિકેટના ધાંધિયા હતા, હરણી કાંડમાં લાઈફ જેકેટ વિના ચડાવી દેવાયેલા અને હવે રાજકોટમાં એનઓસી વિના ગેમ ઝોન ધમધમી રહ્યુ હતુ. આવું વારંવાર થાય જ છે એટલા માટે કારણ કે જાહેર સુરક્ષા, જાહેર આરોગ્ય, શિક્ષણ કે સારી આરોગ્ય સેવા ક્યારેય આપણા મુદ્દા હોતા જ નથી. આપણા મુદ્દા નથી હોતા એટલે એ ચૂંટણી મુદ્દા નથી હોતા અને જે ચૂંટણી મુદ્દો ન હોય એમાં કોઈ પણ સરકાર, તંત્ર કે અધિકારીઓ શા માટે ગંભીર થાય? વિધાનસભા ચૂંટણી પહેલા મોરબી કાંડનો કે લોકસભા ચૂંટણી દરમિયાન હરણી કાંડનો મુદ્દો સમખાવા પૂરતો સહેજ પણ ચર્ચામાં પણ આવ્યો હતો ખરો? અને ભૂલથી ક્યાંક થોડો આવ્યો હોય તો પણ પરિણામ શું આવ્યું? મેસેજ એ જ નીકળ્યો કે પચ્ચીસ મરે કે એકસો પચ્ચીસ, જનતાને એનાથી ફર્ક નથી પડતો. જનતાને ફર્ક નહિ પડતો હોય તો નેતાઓને પણ નહિ જ પડે. પ્રજાને એ તો મળી જ રહ્યું છે ને કે જેના માટે વૉટ આપ્યા હતા. બાળકો ભલે ભુંજાઈ મર્યાં, પણ ભેંસ તો સલામત છે ને? ભેંસ કે મંગલસૂત્ર તો કોઈ છીનવી નથી ગયુ ને...?
વાત એમ બિલકુલ નથી કે રાજ્યમાં સરકાર આના બદલે બીજા કોઈની હોત તો કોઈ ડ્રાસ્ટિક ચેન્જ હોત કે આવું ન બનેત. સવાલ એ છે કે જ્યાં નેતાઓ આંધળી બહુમતી પચાવવા જેટલા મેચ્યોર્ડ ન થયા હોય એમને આપવી શા માટે? ને કયો પક્ષ ચૂંટાય છે અને શાસન કરે છે એના કરતા પણ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે એ ચૂંટાય છે કયા મુદ્દાઓ પર? ચૂંટણી દરમિયાન જનતા ક્યારેય જાહેર સુરક્ષાના મુદ્દા માર્કેટમાં લાવે છે ખરી? જનતાને ખુદને જ કેટલાક રાજકીય ઈચ્છાખોરો પ્રેરિત આંદોલનોમાં ' ચલક ચલાણુ ને પેલે ઘેર ભાણું' રમવાની મજા પડતી હોય છે. ચૂંટણી ટાણે જ આપણે પ્રજામાંથી ક્ષત્રિય, કોળી, પાટીદાર અને બ્રાહ્મણ વગેરે થઈ બેસીએ છીએ. બધી જ્ઞાતિઓના ગૌરવ ફૂટી ને ફાટી નીકળે છે. અને 21મી સદીમાં પણ જો જનતા ધર્મ અને જ્ઞાતિના આધારે મતદાન કરતી હોય ત્યાં શું ધૂળ ભલુ થાય? યાદ રાખજો, આગમાં બધી જ્ઞાતિના છોકરાઓ સળગી શકે છે ને સત્તાને જવાબદાર ન રાખવાના આવે તો ઝૂલતો બ્રિજ તો ઠીક આખો દેશ પણ ડૂબી શકે છે. ઝૂલતી સરકાર ચાલે, બ્રિજ મજબૂત જોઈએ. સરકાર પલટે તો ચાલે નાવ ના પલટવી જોઈએ.
ખેર, રાજકોટ આગકાંડમાં માત્ર મૃતકોના સ્વજનોના જ નહિ, પણ જવાબદાર લાગે એ તમામ અધિકારીઓના ડીએનએ ટેસ્ટ પણ કરાવવા જોઈએ, પણ અફસોસ ડીએનએ ટેસ્ટમાં બેઈમાની નથી પકડાતી. એ હરામખાઈ, કટકી, લાલિયાવાડી કે મરેલી માનવતાનો રિપોર્ટ નથી આપી શકતો.
જનારા જીવથી ગયા, હવે નામો ખુલ્યા કરશે. કમિટીઓ રચાશે. સહાયની જાહેરાતો થશે. કોઈના લાડકવાયાના જીવના હવે મોલ અંકાશે. પરંતુ જેના ધૂળના ફૂલની ઓળખ પણ ડીએનએ ટેસ્ટથી કરવી પડી હોય એવી કોઈ માતાના ઘાવ દુનિયાની કોઈ સહાય પૂરી શકશે નહીં.

