Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / તુષાર દવે : Kulwinder Kaur's slap to Kangana: We strongly support this extremely reprehensible act...! Tushar Dave

શતરંગ / કુલવિંદર કૌરનો કંગનાને લાફો : ઈસ ઘોર નિંદનિય કૃત્ય કા હમ ઘનઘૌર સમર્થન કરતે હૈ...!

Timeછેલ્લું અપડેટ : 12 Jun 2024
લાઇવ ટીવીGoogle News
શતરંગ / કુલવિંદર કૌરનો કંગનાને લાફો : ઈસ ઘોર નિંદનિય કૃત્ય કા હમ ઘનઘૌર સમર્થન કરતે હૈ...!

એક માણસની પત્નીને એના પિતરાઈ ભાઈએ જાહેરમાં નગ્ન કરવાનો પ્રયાસ કર્યો. એ માણસનું દિમાગ ભયાનક ક્રોધથી ફાટી ગયું. વર્ષો સુધી રોજ એ અપમાનનો ઘૂંટ પીતો રહ્યો અને જીવતો રહ્યો. ચૌદ વર્ષ બાદ એણે એ પિતરાઈને પકડ્યો અને બેરહેમીથી ફટકાર્યો. બેહદ ક્રૂરતાથી એની છાતી ચીરી નાખી અને ઘૂંટડો ભરીને એનું લોહી પીધું. 
એ માણસને ઈતિહાસ ભીમના નામે ઓળખે છે! 

App Store

વૉટ ડુ યુ થિંક... ભીમે શું કરવું જોઈતું હતું? મીણબત્તીઓ સળગાવવી જોઈતી હતી કે હેશટેગ 'હેંગ દુશાસન' કે 'જસ્ટિસ ફોર દ્રોપદી' નામથી ટ્વિટર ટ્રેન્ડ ચલાવવો જોઈતો હતો?!

બળાત્કારીઓને વિના ટ્રાયલ તાત્કાલિક ફાંસીની સજા કે એન્કાઉન્ટરની દલીલો કરતી પબ્લિક કંગનાને એક લાફો પડ્યો એમાં શેની પલપલીયા પાડતી દોડી આવે છે!? મેટર જ્યાં પર્સનલ હોય ત્યાં યુનિવર્સલ સિદ્ધાંતો સાચા ન ઠેરવવાના હોય. એ કુલવિંદર કૌર અને કંગનાની પર્સનલ મેટર છે. એની તુલના ઈન્દિરા ગાંધીની હત્યા સાથે ન થઈ શકે. હત્યા હત્યા હોય અને લાફો લાફો હોય. જજમેન્ટ સિમ્પલ છે કુલવિંદર હત્યા કરે તો ખોટું છે અને લાફો બરાબર છે.

આ પણ વાંચો: મરતાં બાળકો અને ભાજપના MLAનું '156 ઈંચ'નું હાસ્ય : બાળકો ભલે ભુંજાઈ મર્યાં, પણ ભેંસ તો સલામત છે ને?

કહે છે કે કોઈ દેશમાં એક વ્યક્તિ લાકડી ફેરવતો હતો. બીજા વ્યક્તિના નાક પર એ વાગી. બીજાએ ટોકતા પહેલાએ કહ્યું કે આ દેશ આઝાદ છે, મને ફાવે એમ હું કરી શકું છું. બીજાએ કહ્યું કે જ્યાંથી મારું નાક શરૂ થાય છે ત્યાં તારી આઝાદી પૂરી થાય છે. જ્યાં કુલવિંદરની માતાનું સન્માન શરૂ થાય છે ત્યાં કંગનાનું અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પૂર્ણ થાય છે.

જાહેર જીવનનો આદર્શવાદ અને પર્સનલ મેટર બન્ને તદ્દન અલગ બાબતો છે. ટોળાંની હિંસાની સરખામણી એક વ્યક્તિની માતાને 'સો રૂપિયાવાળી' કહેવામાં આવે એના રિએક્શન સાથે કરવી એ થોડું વધુ પડતું સરળીકરણ છે. કોઈની પણ માને ગાળ ન દેવાય. જાહેર જીવનના માપદંડ, લેવાના સ્ટેન્ડ અને કુટુંબ પર કોઈ હાથ નાખે ત્યારે કરવાની થતી કાર્યવાહી સૌની પોતપોતાની પ્રકૃતિ પર આધાર રાખે છે. એક વ્યક્તિ લાફો ઝીંકે ને એક ટોળું હત્યા કરે એ બન્નેના સમય, સંજોગો, જોખમ બધું જ અલગ છે. દરેક હિંસાને સરખી ગણી લેવાનો આદર્શવાદ પર્સનલ મેટરમાં (જ્યારે એ બીજાના માટે પર્સનલ અને આપણા માટે જાહેર) શક્ય હોય એ જરૂરી નથી. ફરક સિમ્પલ છે, જે સમજવો જોઈએ કે કોઈ નેતાના તમને વિચારો નથી ગમતા, ભ્રષ્ટાચારી લાગે છે એટલા માત્રથી જ તમે હિંસા કરો તો એ અયોગ્ય છે અને કોઈ વ્યક્તિ નેતા કે અભિનેતાએ તમારી માતા કે દાદીને '100 રૂપિયામાં અવેલેબલ' કહી હોય એ સંજોગોમાં વ્યક્તિ દ્વારા મારવામાં આવેલો લાફો યોગ્ય છે. 

કોઈના લખાણ, વખાણ કે વક્તવ્યથી લાગણી દુભાવી અને કોઈ તમારી માતાને ગાળ આપે ત્યારે અંદર જે થાય એ તદ્દન ભિન્ન બાબતો છે. જેટલા લોકો કુલવિંદરના એ પગલાનો વિરોધ કરે છે એ તમામે પોતાને એ સ્થિતિમાં મુકીને વિચારવું જોઈએ કે કોઈ તમારી માતાને ગાળ આપે ત્યારે તમે શું કરો અથવા તો માતાને ગાળ આપનારો વ્યક્તિ સામો મળી જાય તો તમે શું કરો? કુલવિંદરે એ જ તો કર્યું. જો એ યોગ્ય ન હોય તો કુટુંબની સ્ત્રીના અપમાનના બદલાની ગાથા કહેતા આપણા ધર્મગ્રંથ 'મહાભારત'ને શું કહીશું? અર્જુન તો સામે ભાઈ-ભાંડુઓને જોઈને ગાંડીવ મુકીને બેસી ગયો હતો. એને પાનો ચડાવવા કૃષ્ણએ જે કહ્યું એ તો આપણો ધર્મગ્રંથ છે, માટે કુટુંબ પર કોઈ હાથ નાંખે ત્યારે અહિંસાની વેવલી વાતો એ માત્ર દંભ છે. જાહેર જીવનના આદર્શો અને લખવા માટે બધું ઠીક છે બાકી માને ગાળ દેનારો હાથવેંતમાં હોય ત્યારે ગમે તે માણસ જોખી જ લે! એમાં એવું ન હોય કે આંખ કે બદલે આંખે સે દુનિયા અંધી હો જાયેગી... આમાં ક્યાં આંખ કાઢવાની વાત છે! લાફો જ તો છે! લાફો ચાલે, હત્યા નહીં. ને એવું જ હોય તો બોલવા-લખવામાં ભાન રાખે. બાકી ખેડૂત આંદોલનનો વિરોધ તો અનેકોએ કરેલો, હક છે તમને ન ગમતા આંદોલનનો વિરોધ કરવાનો પણ, એમાં કોઈની માતાને '100 રૂપિયામાં અવેલેબલ' ન કહેવાય. વાત માત્ર આટલી જ છે.

આ લેખની પહેલી લાઈન જેમના લેખમાંથી લીધી છે એ પ્રણવ ગોળવેલકર લખે છે કે, 'વીરત્વ એ સર્વોપરિતાની સાધના છે. માને કેદમાં પૂરનાર મામાનો વધ કર્યા વગર એક ગોવાળિયો કૃષ્ણ બની શકતો નથી અને પુત્રની હત્યા કરનારની સાંજ પહેલાં હત્યા કરવી જ પડે એ અર્જુનનો આદર્શ છે. ભીમ, અર્જુન અને કૃષ્ણ વીરત્વના શિખર છે. યુદ્ધભૂમિ ઉપર કૃષ્ણ અર્જુનને કર્તવ્ય યાદ કરાવે છે. એ કર્તવ્ય છે યુદ્ધ કરવાનું, સ્વજનોને હણવાનું અને વેર લેવાનું. ગીતા એ યુદ્ધ ગ્રંથ છે ક્ષમા ગ્રંથ નથી.'

હવે વાત ગાંધીજીની અહિંસાની કરીએ તો મને લાગે છે કે આ દેશમાં ગાંધી સૌથી વધુ મિસક્વોટ થયેલા મહાપુરુષ છે. એમણે કોઈ એક ગાલ પર લાફો મારે તો બીજો ગાલ ધરવાનું એક ચોક્કસ રેફરન્સમાં કહેલું. વારંવાર એ જ વાતને ચોક્કસ દૃષ્ટિકોણ સાથે રજૂ કરીને નથ્થુવાદીઓએ ગાંધીજીને નપાણીયા કે નપુંસક ચિતરવાનું પાપ કરે રાખ્યું છે. ગાંધીજીની અહિંસા કોઈ માટીપગાની અહિંસા હતી જ નહીં. એમનો આગ્રહ અહિંસાથી વધુ તો સાધનશુદ્ધિનો હતો. ગાંધીજીના જ્યાં જરૂર પડે ત્યાં હિંસા કે ઈવન બંદૂક રાખવાને પણ જસ્ટિફાઈ કરતા ક્વોટ્સ છે, પણ એ સગવડતા ખાતર ભૂલાવી દેવામાં આવ્યા છે. 

જેમ કે 'બીબીસી માટે બાપુ બોલે તો... ગાંધીજીની અહિંસા સિદ્ધાંત હતી કે સગવડ?' - હેડિંગ સાથે લખેલા લેખમાં ઉર્વીશ કોઠારીએ લખ્યું છે કે,  સાબરમતી આશ્રમ સ્થાપ્યા પછી ત્યાં ચોરોનો ત્રાસ વધી ગયો. આશ્રમવાસી કાકા કાલેલકરે નોંધ્યા પ્રમાણે, ઘણી ચર્ચા થયા પછી ગાંધીજીએ કહ્યું, 'મગનલાલ (ગાંધી) ઇચ્છતા હોય તો સરકાર પાસે લાઇસન્સ લઈને બંદૂક ખરીદી આપું. લોકો ટીકા કરે કે આ અહિંસક લોકો બંદૂક કેમ રાખે છે? તો તેમને જવાબ આપવાવાળો હું અહીં બેઠો છું. પછી કહ્યું, 'આપણે બધાં સ્ત્રી-પુરુષ-બાળકો અહીં ભયભીત દશામાં રહીએ તે કરતાં બહેતર છે કે બંદૂકથી આપણો બચાવ કરીએ. ભયગ્રસ્ત માણસ અહિંસક થઈ જ ન શકે.' (બાપુની ઝાંખી, કાકા કાલેલકર, પૃ.૪૩)

આવા તો અનેક પ્રસંગ છે જ્યાં ગાંધીજીએ સ્વબચાવ, સ્ત્રી કે શિયળરક્ષણ માટે સમયોચિત હિંસાને યોગ્ય ઠેરવી છે. 

ઈનશોર્ટ, ઈસ ઘોર નિંદનિય કૃત્ય કા હમ ઘનઘૌર સમર્થન કરતે હૈ...! 

બ્રેવો કુલવિંદર...!

ફ્રી હિટ : 

खेंच दो अपने खूँ से ज़मीं पर लक़ीर, इस तरफ़ आने पाए ना रावण कोई
तोड़ दो हाथ अगर हाथ उठने लगे, छूने पाए ना सीता का दामन कोई

राम भी तुम, तुम्हीं लक्ष्मण साथियों, अब तुम्हारे हवाले वतन साथियों

- કૈફી આઝમી

- તુષાર દવે